ખમ્સા (1524-25) : સુપ્રસિદ્ધ ઈરાની કવિ નિઝામીનાં પાંચ કાવ્યોનો સુંદર સચિત્ર સંગ્રહ. નિઝામી (નિઝામુદ્દીન અબુ મુહમ્મદ ઇલિયાસ બિન યૂસુફ) (જ. 1140; અ. 1203-4) ઈરાનના એક વિખ્યાત કવિ હતા. ‘ખમ્સા’ એટલે 5 કાવ્યોનું જૂથ – એ પાંચ કાવ્યરચનાઓ છે : (1) મખઝન અલ્ અસરાર (રહસ્યોનો ખજાનો), જેમાં કેટલાક પ્રસંગો સાથેનાં ગૂઢ કાવ્યો છે; (2) ખુસરો અને શીરીંનું કાવ્ય, સાસાનિયન શાહ બીજો (590-628) અને આર્મેનિયાની સુંદર રાજકુમારી શીરીંની પ્રેમકથાનું કાવ્ય; (3) બદુઈન કુંવરી લયલા અને મજનૂંની પ્રેમકથાનું કાવ્ય; (4) હફ્ત પૈકર એટલે કે 7 વ્યક્તિચિત્રો, તેમાં સાસાનિયન શાહ બેહરામ ગુર (420-438) અને એની જુદા જુદા દેશોની 7 બેગમોની કથા વણી લેવામાં આવી છે; અને (5) ‘ઇસ્કંદરનામા’ સિકંદર(ઍલેક્ઝાન્ડર)ની બે ખંડમાં વહેંચાયેલી રચના છે, એક ખંડમાં એશિયા પરના સિકંદરના વિજયની ગાથા છે તો બીજા ખંડમાં એક જ્ઞાની તથા પયગંબર તરીકેની કથા છે.

આ કૃતિનું લેખનકાર્ય તત્કાલીન સુખ્યાત લહિયા સુલતાન મુહમ્મદ નૂરે અરબી-ફારસી લિપિની નસ્તાલીક શૈલીમાં કરેલું. તેની હસ્તલિખિત-ચિત્રિત પ્રતમાં કાગળ પણ ખૂબ ઊંચા બરના અને ખૂબ ઘૂંટેલા વપરાયા છે. લહિયાએ લખતાં લખતાં વચ્ચે રાખેલી ખાલી જગ્યામાં ચિત્રકારોએ ચિત્રોનું પ્રથમ લાલ કે કાળા રંગે રેખાંકન કર્યા પછી તેમાં અપારદર્શક સુંદર રંગોની પૂરણી કરી છે. મોટેભાગે આ રંગો ખનિજ દ્રવ્યોમાંથી બનાવેલા છે. ઘેરા ભૂરા રંગ માટે ક્યારેક તો નીલમ જેવા કીમતી પદાર્થને અત્યંત બારીક પીસીને રંગ બનાવાતો, સોનેરી રંગ માટે સોનું ઘસીઘસીને પ્રવાહી બનાવી વપરાતું. ચિત્રકામ થઈ ગયા  બાદ તેને ઘૂંટીઘૂંટીને ચળક અપાતી.

‘ખમ્સા’નાં આવાં 15 ચિત્રો સફાવિદ (ઈરાની રાજવંશ) શૈલીની શરૂઆતનાં છે. આમાંનાં 14 ચિત્રો બિહઝદની પરંપરાનાં અને મોટાભાગે શેખ જાદાએ કરેલાં હોવાનું મનાય છે. છેલ્લું ચિત્ર મુહમ્મદે કરેલું મનાય છે. આમ ખમ્સા એક અતિ સુંદર ચિત્રશૈલીનો નમૂનો છે.

સફાવિદ લઘુચિત્રોની અલંકારપ્રચુર અને તેજસ્વી રંગોભરી શૈલીમાં આવાસની અંદરનાં ર્દશ્યોમાં રેશમી પરદા, ભાતીગળ ગાદી-ગાલીચા, પાત્રોના પોશાક, અશ્વનો શણગાર, સુરાપાત્ર વગેરે સહિત ચીવટભરી ઝીણી ઝીણી વિગતોનું આલેખન કરાયું છે. તેમાં ઈરાની ચિત્રશૈલીના આગવા અને લાક્ષણિક સિદ્ધાંતોની પ્રતીતિ થાય છે. તેમાંનું પાત્રાલેખન  અને રંગવિધાન સ્પષ્ટ છે. એક જ ઢાળાનાં પાત્રો, પાત્રોમાં સ્ત્રી-પુરુષના ચહેરા પણ લગભગ એક પારંપરિક ઢબના અને ત્યાંના સૌંદર્યના આદર્શને અનુરૂપ, વય કે જાતિના તફાવત સિવાયનું અરબી અને ચીની અસરવાળું રેખાબદ્ધ આલેખન જોવા મળે છે. આ સફાવિદ શૈલીનું એક સુંદર પુસ્તક એટલે કે નિઝામીની કૃતિ ‘ખમ્સા’ 1908 પછી અમેરિકામાં મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ્સમાં પ્રદર્શિત કરાયું છે. તે પહેલાં તે ઈરાનના શાહ પાસે સચવાયું હતું. તેમાંનાં 15 અતિ સુંદર લઘુચિત્રો પૈકીનું એક છે સાસાનિયન શાહજાદા ખુસરો બીજો (590-628) તથા આર્મેનિયાની શાહજાદી શીરીંની ફારસી સાહિત્યની વિખ્યાત પ્રેમકથાનું. ખુસરોની છબી જોઈ આકર્ષાયેલી, સૌથી વધુ ઝડપી કાળા ઘોડા શબદીઝ પર સતત 7 દિવસની સફરથી થાકીને એક જળાશયમાં સ્નાન કરતી શીરીં, અકસ્માત્ ત્યાં આવી ચડેલો ને શીરીંનું સૌંદર્ય નિહાળી દિઙ્મૂઢ બનેલો ખુસરો, શીરીંનો કીમતી પોષાક, રત્નજડિત મુકુટ, વૃક્ષની ડાળે લટકતાં તીરકમાન અને રત્નજડિત તલવાર, વનફૂલના છોડ, તરતી બતકો વગેરેનું આબેહૂબ રંગીન ચિત્રાંકન તેમાં થયું છે.

બળદેવભાઈ કનીજિયા