ખમ્મામ (Khammam) : તેલંગણા રાજ્યમાં આવેલો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 16o 45´થી 18o 35´ ઉ.અ. અને 79o 47´થી 80o 47´ પૂ.રે. 16,029 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે છત્તીસગઢ અને ઓરિસા રાજ્યોની સીમા, પૂર્વ તરફ પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લા, દક્ષિણ તરફ કૃષ્ણા જિલ્લો, પશ્ચિમ તરફ નાલગોંડા અને વારંગલ જિલ્લા આવેલા છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાનું ભૂપૃષ્ઠ તેના મધ્ય તેમજ પૂર્વ ભાગોમાં છૂટીછવાઈ ટેકરીઓથી બનેલું છે, તે પૈકી મારીગુટ્ટા, રાજાગુટ્ટા અને યેરાગુટ્ટા નામની ટેકરીઓ મહત્વની છે. જિલ્લામાં પોચું અને સખત લાકડું આપતાં વૃક્ષો, વાંસ, ઇંધન માટેનાં વૃક્ષો, છોડવા, વેલા અને ઘાસ જોવા મળે છે.

જળપરિવાહ : અહીંની મુખ્ય નદીઓમાં ગોદાવરી, સાબરી, કિન્નરાસાની, મુનેર(મુનેરુ), પલર (પલેરુ), અખેર (અકેરુ) તથા વાયરા(વીરા)નો સમાવેશ થાય છે.

ખમ્મામ

ખેતીપશુપાલન : રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનામાં આ જિલ્લો પ્રમાણમાં પછાત છે. ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, મરચાં અને તમાકુ અહીંની મુખ્ય કૃષિપેદાશો છે. આ ઉપરાંત જિલ્લામાં કેરીની વાડીઓ પણ આવેલી છે.

જિલ્લામાં ગાયો, ઘેટાં, બકરાં જેવાં દુધાળાં પશુઓ છે. અહીં મત્સ્યપ્રવૃત્તિ ચાલે છે. પશુદવાખાનાંની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં કોલસો, બેરાઇટ, લોહઅયસ્ક, ક્રોમાઇટ, ગ્રૅફાઇટ, તાંબું, અબરખ, કૅલ્સાઇટ તથા ચૂનાખડક અને આરસપહાણ પણ મળે છે. તેમ છતાં કોલસાને બાદ કરતાં બીજાં ખનિજોનું પ્રમાણ ઓછું છે.

શિક્ષિત બેરોજગારોને માટે સ્વરોજગારી યોજના તથા પછાત વર્ગોને માટે વિશિષ્ટ સહાય-યોજનાઓ અમલમાં છે. ખમ્મામ, પલવંચા અને ભદ્રાચલમ્ જેવાં ત્રણ સ્થળોને ઔદ્યોગિક વિકાસ-વિસ્તારો તરીકે જાહેર કરાયા છે, જ્યાં સાહસિકો માટે નાના ઉદ્યોગો શરૂ કરવા તક પૂરી પાડવામાં આવી છે.

જિલ્લામાંથી કોલસો, લાકડાં, ઇંધન, ચામડાં, વાંસ, બેરિયમના ક્ષારો, રસાયણો, ચોખા, જુવાર, મરચાં, મગફળી, ખાદ્યતેલ અને કઠોળની નિકાસ થાય છે; જ્યારે રેસા, વિવિધ જાતનું કાપડ, ઔષધીય પેદાશો, રંગીન સૌંદર્યપ્રસાધનો, જંતુનાશકો, રાસાયણિક ખાતરો, સ્ટેનલેસ સ્ટીલ, ક્રૉકરી, પ્લાસ્ટિક પેદાશો, પેટ્રોલિયમ પેદાશો, રેડિયો અને તેના પુરજા, કાચું શણ તેમજ કરિયાણું આયાત થાય છે. જિલ્લામાં ચાર મથકોએ કૃષિબજાર ઊભાં કરવામાં આવ્યાં છે.

પરિવહન : આ જિલ્લો રાજ્યમાં પરિવહનની સગવડોની ર્દષ્ટિએ વિકસેલો છે. આંધ્રપ્રદેશ રાજ્ય પરિવહન નિગમનાં બે મુખ્ય મથકો કાર્યરત છે.

પ્રવાસન : જિલ્લામાં મંદિરો, મઠ; દાન પર ચાલતી સંસ્થાઓ તથા ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતાં ઘણાં સ્થળો છે વાર-તહેવારે અહીં મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 27,98,214 છે; હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની સંખ્યા વિશેષ છે. તેલુગુ, હિન્દી અને ઉર્દૂ અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં શિક્ષિત લોકોનું પ્રમાણ આશરે 40% જેટલું છે. અંદાજે પંદર જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે.

ઇતિહાસ : ખમ્મામ શહેરના મધ્યભાગમાં આવેલી સ્તંભદ્રી ટેકરીના નામ પરથી આ નામ ઊતરી આવ્યાનું મનાય છે. આ શહેર સ્તંભદ્રી, સ્તંભગિરિ, કમ્બગિરિ અને ખમ્મામેટ જેવાં જુદાં જુદાં નામોથી ઓળખાતું રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા