ખનિજ-સ્ફટિક : લીસા, સપાટ ફલકો ધરાવતું અને આંતરિક આણ્વિક રચનાને કારણે અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ આકારો ધરાવતું ખનિજ. ‘સ્ફટિક’ શબ્દ ગ્રીક પર્યાય ‘ક્રુસ્ટલોઝ’ અર્થાત્ ‘ચોખ્ખો બરફ’ પરથી બન્યો છે. કુદરતમાં મળતા પારદર્શક ક્વાર્ટ્ઝનો સ્ફટિકીય દેખાવ બરફ જેવો લાગતો હોવાથી આ શબ્દનો ઉપયોગ પ્રથમ વાર ક્વાર્ટ્ઝ માટે થયેલો જે કાળક્રમે બધા ખનિજ-સ્ફટિકો માટે વપરાતો થયો.

ખનિજની પ્રવાહી, વાયુ કે દ્રાવણ સ્થિતિમાંથી ઘનીભવનને કારણે સ્ફટિકીકરણની પ્રક્રિયા દ્વારા ખનિજ-સ્ફટિકો બને છે. દ્રાવણની શુદ્ધતા કે અશુદ્ધિને લીધે સ્ફટિકોની આંતરિક અણુગોઠવણી પર અને તેને કારણે ફલકોની રચના પર અસર થાય છે, પરિણામે તેમના વર્ગીકરણમાં પણ ફેરફાર થાય છે.

ખનિજની આંતરિક આણ્વિક રચના એ તેનો મૂળભૂત ગુણધર્મ છે; દા.ત., હીરા અને ગ્રૅફાઇટનું રાસાયણિક બંધારણ એકસરખું હોવા છતાં તેમની આંતરિક અણુગોઠવણી જુદી પડતી હોવાથી તેમના ભૌતિક ગુણધર્મોમાં ખૂબ મોટો ફેર પડે છે.

ખનિજ સ્ફટિકનાં બાહ્ય લક્ષણોનો અભ્યાસ કરી તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. જોકે આ બાહ્ય લક્ષણો આંતરિક આણ્વિક રચના પર જ આધારિત હોય છે.

સ્ફટિકોની આંતરિક અણુગોઠવણી જાણવા માટે એક્સ-કિરણો ખૂબ ઉપયોગી થઈ પડે છે. સ્ફટિકોનાં બાહ્ય લક્ષણોમાં ફલકો, સ્વરૂપો, સ્ફટિક ધાર, ઘનકોણ તેમજ આંતર ફલક-કોણનો સમાવેશ થાય છે.

ખનિજ-સ્ફટિકોના વર્ગીકરણ માટે તેમની સમતાનો પણ ઉપયોગ થાય છે. તે મુજબ સ્ફટિકોને જુદા જુદા 32 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. આ ઉપરાંત સ્ફટિક-અક્ષ પરથી સ્ફટિકોને અલગ અલગ છ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે.

ખનિજોની પરખ માટે સ્ફટિકલક્ષણો મહત્વનાં બની રહે છે. પૂર્ણ સ્વરૂપો ધરાવતા કેટલાક ખનિજ-સ્ફટિકો કીમતી તેમજ અર્ધકીમતી રત્નો-ઉપરત્નો તરીકે ઉપયોગમાં લેવાય છે.

રાજેશ ધીરજલાલ શાહ