ખનિજશિરાઓ (mineral veins) : ખડક-ફાટોમાં શિરાસ્વરૂપે જોવા મળતો અવક્ષેપિત (precipitated) ખનિજનિક્ષેપ. ઉષ્ણજળજન્ય દ્રાવણોની નિક્ષેપક્રિયામાં ઘટતા જતા તાપમાનના તબક્કામાં તે જ્યારે 200o સે.થી 50o સે.ની કક્ષાએ પહોંચે છે ત્યારે તેમાંનું ખનિજદ્રવ્ય સંતૃપ્ત થતાં ક્યારેક સ્ફટિકસ્વરૂપે તો ક્યારેક અવક્ષેપ(precipitation)સ્વરૂપે નાનીમોટી ખડક-ફાટોમાં જમા થાય છે. તાપમાનના ગાળા મુજબ ઉષ્ણજળજન્ય દ્રાવણમાંથી ખનિજદ્રવ્ય પૂર્ણસ્ફટિક કે અર્ધસ્ફટિક રૂપે ખડક-ફાટોની દીવાલો પર સ્ફટિકીકરણ પામે છે અથવા તો જથ્થા રૂપે જામી જાય છે. ખડક-ફાટો નબળા વિભાગો હોવાથી અમુક સમયને અંતરે તૈયાર થતાં ઉષ્ણજળજન્ય દ્રાવણો વારંવાર એકની એક ફાટોને પહોળી કરતાં જઈને પ્રવેશ પામી શકે છે, તેથી ક્યારેક એક જ ખડકવિભાગમાં વધુ સંખ્યામાં જોડાજોડ જમાવટ પામેલી ખનિજસમૃદ્ધ શિરાઓ બનાવી શકે છે. આ પ્રકારની શિરાઓને ક્રમિક પૂરણીજન્ય ખનિજશિરાઓ કહે છે.
ગિરીશભાઈ પંડ્યા