ખત્રી, ગિરીશ હીરાલાલ (જ. 1945, અમદાવાદ) : આધુનિક ગુજરાતી ચિત્રકાર અને ફોટોગ્રાફર. ગુજરાતના નામાંકિત ચિત્રકાર હીરાલાલ ખત્રીના તેઓ પુત્ર. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ કૉલેજમાં ચિત્રકલાનો અભ્યાસ કરીને તેમણે 1968માં ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં ફોટોગ્રાફીના પ્રાધ્યાપક તરીકે જોડાઈ ગયા. એક કલાકાર તરીકે ચિત્રકલા અને ફોટોગ્રાફી બંને ક્ષેત્રમાં તેમણે મૌલિક પ્રદાન કર્યું છે.
ચિત્રકલામાં તેઓ રંગોનાં નાનાં કદનાં ધાબાં અને ટપકાં વડે અમૂર્ત સર્જન કરે છે. ફોટોગ્રાફીમાં તેઓ આસપાસના રોજિંદા માનવજીવનને નૈસર્ગિક પ્રકાશ વડે ઝીલે છે.
તેમણે અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને વડોદરામાં તેમનાં ચિત્રો અને ફોટોગ્રાફનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, યુનેસ્કો, ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી ફેડરેશન, મધ્યપ્રદેશ કલાપરિષદ, નિકોન ફોટો કોન્ટેસ્ટ અને ઇન્ડિયન સર્કિટ ફોટોગ્રાફી તરફથી વિવિધ ખિતાબો વડે સમ્માનિત કરવામાં આવ્યા છે.
અમિતાભ મડિયા