ખડખડિયો : ફળ, પાક ને જંગલી ઝાડોને થતો રોગ. આ રોગ ફળપાકો અને જંગલી ઝાડોમાં ફૂગ કે સૂક્ષ્મ પરોપજીવીનું ડાળી પર આક્રમણ થવાથી થાય છે. ડાળીનાં પાન સુકાઈ જાય છે. આવાં સુકાયેલાં પાન ડાળી સાથે ચોંટી રહે છે. લીલા ઝાડમાં ભૂખરાં સુકાયેલાં પાન અલગ તરી આવે છે. રોગનું આક્રમણ વધુ હોય તો પાનનો સુકારો વધુ ડાળીઓમાં જોવા મળે છે. આવાં સુકાયેલાં પાન પવનથી હલતાં એકબીજાં સાથે ઘસાઈને ખડખડ અવાજ કરે છે તેથી આ રોગને ખડખડિયો કહે છે. આંબામાં ફાયલોસ્ટિક્ટા ફૂગ ડાળીમાં આક્રમણ કરતાં ખડખડિયાનો રોગ થાય છે. આ જ પ્રમાણે અન્ય ફળઝાડોમાં જુદી જુદી ફૂગો ડાળી પર આક્રમણ કરવાથી પાન અને ડાળી સુકાતાં ખડખડિયાનો રોગ થાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ