ખડકજન્ય ખનિજો (allogenic minerals) : જળકૃત ખડકોનાં બંધારણમાં રહેલાં ખનિજોનો એક સમૂહ. જળકૃત ખડકોના બંધારણમાં રહેલાં કેટલાંક ખનિજો તે ખડકોની ઉત્પત્તિ સાથે અથવા તેમની ઉત્પત્તિ પછીના ટૂંકા ગાળા દરમિયાન તેમાં જ ઉદભવે છે, જે ખડક સહજાત ખનિજો (authigenic minerals) તરીકે ઓળખાય છે. જળકૃત ખડકોનાં બીજાં કેટલાંક ખનિજોનો સમૂહ અસ્તિત્વ ધરાવતા ખડકોમાંથી પ્રાકૃતિક બળોના કાર્યને લીધે પ્રાપ્ત થયેલો હોય છે, જે ખડકજન્ય ખનિજો કહેવાય છે. આવાં ખનિજો અગ્નિકૃત, જળકૃત કે વિકૃત ઉત્પત્તિનાં હોઈ શકે. આ ખનિજો આર્થિક ર્દષ્ટિએ, સ્તરવિદ્યાત્મક ર્દષ્ટિએ કે પ્રાચીન ભૌગોલિક સંજોગો સમજવામાં મહત્વનાં બની રહે છે.
ખડકજન્ય ખનિજોના નીચે પ્રમાણે ત્રણ વિભાગો પાડેલા છે :
સ્થાયી ખનિજો : ક્વાર્ટ્ઝ, કૅલ્સેડોની, ઑર્થોક્લેઝ, મસ્કોવાઇટ, સ્ટૉરોલાઇટ, ટૂર્મેલિન, ગાર્નેટ વગેરે
અલ્પસ્થાયી ખનિજો : ઑગાઇટ, હૉર્નબ્લેન્ડ, બાયોટાઇટ, ઍન્ડેલ્યૂસાઇટ, ઇલ્મેનાઇટ, મૅગ્નેટાઇટ વગેરે.
અસ્થાયી ખનિજો : ઍપેટાઇટ, ઑલિવીન, ગ્લૉકોફેન, કૉર્ડિયેરાઇટ વગેરે.
વ્રિજવિહારી દીનાનાથ દવે