ખટાઉ, ટિંગુ

January, 2010

ખટાઉ, ટિંગુ : ભારતના વિક્રમસર્જક તરણવીર. બાળપણમાં ‘ટિંગુ’ના હુલામણા નામે જાણીતા ડી. ડી. ખટાઉના પગમાં ખામી જણાતાં તબીબોએ તરવાની કસરત કરવાની સલાહ આપી. પરિણામે 3 વર્ષની ઉંમરથી ટિંગુનો નાતો તરણ સાથે જોડાયો. મહારાષ્ટ્ર રાજ્યની અને મુંબઈ યુનિવર્સિટીની ચાર વર્ષ સુધી ચૅમ્પિયનશિપ મેળવી.

ટિંગુ ખટાઉ

1967માં રાષ્ટ્રીય સ્પર્ધામાં તરણના ત્રણ વિભાગમાં તેણે નવા વિક્રમ સર્જ્યા. 1968માં ચાર, 1969માં બે અને 1970માં ત્રણ રાષ્ટ્રીય વિક્રમો સર્જ્યા. 1970માં એશિયાઈ રમતોત્સવમાં ભારતીય તરણ ટીમના સુકાની તરીકે કામગીરી બજાવી. ભારત-શ્રીલંકા વચ્ચે યોજાયેલી તરણસ્પર્ધાઓમાં એક સમયે ત્રણ નવા વિક્રમો સર્જ્યા હતા.

કુમારપાળ દેસાઈ