ખટાઉ, કાવસજી પાલનજી

January, 2010

ખટાઉ, કાવસજી પાલનજી (જ. 1857, મુંબઈ; અ. 1916, લાહોર) : ઓગણીસમી સદીની ગુજરાતી રંગભૂમિના કસબી દિગ્દર્શક. જન્મ મુંબઈમાં ડુક્કર બજારની સામે ધોબી તળાવના મકાનમાં. કુટુંબની હાલત ગરીબ હતી. એમને નાનપણથી વાંચવાનો ખૂબ શોખ હતો. તે શેક્સપિયરનાં નાટકો વાંચતા અને ઘરમાં એના પાઠો બોલતા. સૌપ્રથમ જહાંગીર ખંભાતાએ એમને પોતાની ‘એમ્પ્રેસ વિક્ટોરિયા થિયેટ્રિકલ ક્લબ’માં રાખ્યા.

તેઓ માનતા કે સારાં નાટકો રજૂ કરવાં હોય તો પોતાની માલિકીની નાટક કંપની જોઈએ. એમણે અન્યની ભાગીદારીમાં ઈ. સ. 1897-’98માં આલ્ફ્રેડ નાટક કંપની શરૂ કરી. દિગ્દર્શક તરીકે નાટકમાં સિનસિનરીના ઠઠારાનો તેઓ આગ્રહ સેવતા. ખટાઉના ખેલો તરફ લોકલાગણી વિશેષ હતી કારણ કે તેમાં ગાનારા નાયક-ભવૈયાના છોકરા હતા. એમણે ‘નાજા શીરીન’ નાટકમાં અને ‘ભોલી ગુલ’માં મૅરી ફૅન્ટનને મુખ્ય ભૂમિકા આપી. પછી ‘ઇન્દ્રસભા’, ‘લયલામજનૂ’, ‘શકુંતલા’ રજૂ કર્યાં. આ બધાં નાટકો વિવિધ ર્દશ્યોથી ભરપૂર હતાં. એ જમાનામાં સ્ત્રીઓનો પાઠ પુરુષો કરે એવી પ્રથા હતી. એમની કંપની લાહોર ગઈ પણ ખુરશીઓ ખાલી રહેવા લાગી. કારણ કે ‘મહાભારત’ નાટકમાં દ્રૌપદી અને રુક્મિણીનાં પાત્રો સ્ત્રીઓ ભજવતી. લાહોરની જનતાને એમ લાગ્યું કે નાટકમાં કામ કરવા તો વેશ્યાઓ જ આવે. છેવટે એ ભૂમિકાઓમાં પુરુષ કલાકારોને ઉતાર્યા અને નાટક ભજવાયું. કાવસજી ખટાઉએ દિગ્દર્શક તરીકે ઉર્દૂ રંગભૂમિની પરંપરાના દોરને ચાલુ રાખ્યો હતો.

દિનકર ભોજક