ખટાઉ, અભય

January, 2010

ખટાઉ, અભય (જ. 1927, મુંબઈ; અ. 1998) : નાનપણથી જ શારીરિક ખોડના કારણે કલાસર્જન તેમને આશીર્વાદરૂપ નીવડ્યું. 1946થી બાળકલાના પાઠો તેમને ગુરુ પુલિનબિહારી દત્તે આપેલા. તેમની પાસેથી કલાશાળામાં ગયા વિના ભારતીય ગ્રામજીવનનાં પ્રસંગચિત્રો શીખવા મળ્યાં. વિશ્વના વિવિધ પ્રવાસો દ્વારા નૃત્ય, નાટક અને કલાવીથિઓનું નિરીક્ષણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું. તેમનાં ચિત્રના વિષયોમાં શિવ-કૃષ્ણનાં પ્રસંગચિત્રો ઉપરાંત લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યોનો પણ ઉમેરો થયો. તેમનાં ચિત્રોમાં ગતિલાલિત્ય અને વૈભવી રંગયોજના દેખાય છે. મધ્યપ્રદેશના બસ્તરનાં લોકનૃત્યો અને બાલિ દેશનાં નૃત્યો તથા મુખવટાની ચિત્રશ્રેણી આકર્ષક છે. આફ્રિકાની મુલાકાત (1960) પછી તેમની ચિત્રકલામાં આંગિક સ્નાયુબદ્ધતા અને તીક્ષ્ણતાનું દર્શન થાય છે. 1980 પછી તેમનાં ચિત્રોમાં શાસ્ત્રીય નૃત્યો તરફનો ઝોક વધ્યો હતો. ચિત્રકલામાં તેમની પોતાની વિશિષ્ટ શૈલી હતી. કોઈ સમકાલીન કલાજૂથમાં જોડાયા ન હોતા. તેમનાં પ્રદર્શનો ભારતનાં મુખ્ય નગરો ઉપરાંત વિદેશનાં 13 નગરોમાં યોજાયેલાં. વર્ષોથી તે ખટાઉ મિલના ડિરેક્ટર હોવા ઉપરાંત અન્ય કંપનીઓમાં ‘બોર્ડ ઑવ્ ડિરેક્ટર’માં રહેવા સાથે કલાસર્જન કરતા રહ્યા હતા..

કનુ નાયક