ખજાનચી (ચલચિત્ર) : હિંદી ફિલ્મમાં પંજાબી લોકસંગીતનો સર્વપ્રથમ ઉપયોગ ધરાવતી લોકપ્રિય અને સીમાચિહનરૂપ ફિલ્મ. નિર્માણવર્ષ : 1941. નિર્માતા : પંચોલી આર્ટ પિક્ચર, લાહોર. ભાષા : હિંદી. દિગ્દર્શન : દલસુખ એમ. પંચોલી. અભિનય : એમ ઇસ્માઇલ, રમોલા અને અન્ય. સંગીતનિર્દેશન : ગુલામ હૈદર.
આ સિનેકૃતિના સર્જન પૂર્વેની સમજવાયોગ્ય ભૂમિકા કંઈક આ પ્રકારે છે : 1931માં ભારતીય સવાક ચલચિત્રોનો આરંભાયેલ નવો યુગ આશરે પ્રથમ દશકો પૂરો કરવા આવ્યો હતો. ધીમા તાલમાં ગવાતા સિને-સંગીત કરતાં કંઈક ઝડપી તત્વ ધરાવતું, છતાં વિશેષ ઊર્મિલ સંગીત ચલચિત્રોના ચાહકો દ્વારા અપેક્ષિત હતું. ગુજરાતી નિર્માતા પંચોલી અને સંગીત-નિર્દેશક ગુલામ હૈદર ‘ખજાનચી’માં તે લઈને આવ્યા અને તેને હિંદી પ્રેક્ષકવર્ગે ભારે ઉમળકાથી વધાવી લીધું. લાહોર ખાતે પ્રાદેશિક પંજાબીભાષી સિનેકૃતિઓમાં લોકસંગીતના કરાયેલ પૂર્વ પ્રયોગને આધારે પંચોલી ભાઈઓ અને સંગીતનિર્દેશક ગુલામ હૈદર વધુ બહોળા (હિંદી) પ્રેક્ષકવર્ગ સુધી પહોંચવાનો ઉદ્દેશ આ ચલચિત્ર દ્વારા સારી રીતે સિદ્ધ કરી શક્યા. ‘ખજાનચી’નાં ‘દિવાલી ફિર આયેગી સજની’ તથા ‘એક કલી નાજોં કી પલી’ જેવાં ગીતો સાથે નિર્માતા અને સંગીત-નિર્દેશકની જોડીએ તત્કાલ લોકપ્રિયતા હાંસલ કરી તથા આ ફિલ્મે ટિકિટબારી પરના પાછલા સઘળા વિક્રમો તોડી નાખ્યા.
આ ચલચિત્રના સંગીત-સર્જનમાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને પંજાબી લોકસંગીતનું ઉત્તમ મિશ્રણ થયું હતું. નિર્માતા દલસુખ પંચોલીએ સંગીતકાર ગુલામ હૈદરને એક સંગીતસભામાં સાંભળ્યા અને તેમનામાં રહેલ શક્તિને તેમણે પારખી. દલસુખ પંચોલીના કાઠિયાવાડી લોકસંગીતના સંસ્કારે પણ ગુલામ હૈદરની ગર્ભિત શક્તિ પારખવામાં જરૂર ભાગ ભજવ્યો.
વળી તેમણે તદ્દન નવી ગાયિકા શમશાદ બેગમના કંઠનો આ ચલચિત્રમાં સર્વપ્રથમ વાર ઉપયોગ કર્યો. દ્વન્દ્વગીતમાં શમશાદ બેગમ સાથે ગુલામ હૈદરે પોતાનો કંઠ પણ આપ્યો. ‘દિવાલી ફિર આયેગી સજની’, ‘લૌટ ગઈ પાપન અધિયારી’ અને ‘મૉ ધીરે ધીરે રોના’ જેવાં ‘ખજાનચી’નાં ગીતો ફિલ્મની રજૂઆત સાથે ખૂબ જ લોકપ્રિય નીવડ્યાં અને હિંદી સિને-જગત પર છવાઈ ગયાં. આ ચિત્ર દ્વારા શમશાદ બેગમના કંઠનો અને ઢોલક જેવા ચર્મવાદ્યનો સિને-સંગીતમાં ઉપયોગ કરનાર ગુલામ હૈદર સર્વપ્રથમ સિને-સંગીતકાર હતા. ‘ખજાનચી’ની કથા – પટકથા અત્યંત સાદી અને અભિનયવૃન્દ પણ સાધારણ કહી શકાય તેવું હતું; પરંતુ તેના સંગીતની અભૂતપૂર્વ લાક્ષણિકતાએ જ તેને લોકપ્રિયતા બક્ષી.
‘ખજાનચી’ની સફળતાને પગલે મુંબઈના હિંદી ચલચિત્ર-ઉદ્યોગમાં પંજાબની સંગીતપ્રતિભાઓ નોંધપાત્ર પ્રમાણમાં પ્રવેશ પામી.
ઉષાકાન્ત મહેતા