ખચ્ચર (mule) : ગધેડો અને ઘોડીના સંકરણ(cross breeding)ની સંતતિ. ઘોડા અને ગધેડીના સંકરણથી પેદા થતા ખચ્ચરને હિની કહે છે. ગધેડાની જેમ ખચ્ચરના કાન લાંબા, પૂંછડી ગુચ્છાદાર, પગ કિંચિત્ પાતળા અને ખરીવાળા હોય છે; જ્યારે ઊંચાઈ ને વજનમાં તે ઘોડાને મળતું હોય છે. અવાજ ગધેડા જેવો અને સ્વભાવ સહેજ હઠીલો હોય છે. ત્વચાનો રંગ બદામી કે રતાશ પડતો બદામી હોય છે. તે તંદુરસ્ત અને દીર્ઘજીવી હોય છે. તે શરીરે ભરાવદાર અને ભારવહન માટે ઉપયોગી હોય છે. તે ઘોડાની જેમ ઝડપથી દોડી શકતું નથી પરંતુ તેના પગની પકડ મજબૂત હોય છે. મુશ્કેલ સંજોગોમાં તે સારી રીતે કામ કરે છે. ખચ્ચરની આ ખાસિયતને લીધે તેને ખાસ કરીને ડુંગરાળ પ્રદેશમાં ભાર ઊંચકવાના કામે લગાડવામાં આવે છે. એશિયા, દક્ષિણ યુરોપ અને નૈર્ઋત્ય અમેરિકાના પ્રદેશમાં મોટા પાયા પર ખચ્ચરનો ઉછેર કરવામાં આવે છે. ભારવહન ઉપરાંત ખેતી અને ખાણોમાં પણ ખચ્ચરને કામે લગાડવામાં આવે છે. જોકે આજના યંત્રયુગમાં ખચ્ચરનો ઉપયોગ દિનપ્રતિદિન ઓછો થતો જાય છે. ખચ્ચરનો ઉછેર માનવી હજારો વર્ષોથી કરતો આવ્યો છે.

ખચ્ચર

ખચ્ચરની ઊંચાઈ 130 સેમી.થી 150 સે.મી. વચ્ચે, જ્યારે તેનું વજન 275 કિગ્રા.થી 725 કિગ્રા. સુધી હોય છે.

લગભગ બધાં ખચ્ચર વંધ્ય હોય છે. જોકે અપવાદ રૂપે માદા ખચ્ચર સગર્ભા થયાના દાખલા છે. બચ્ચાંને જન્મ આપ્યાનાં ર્દષ્ટાંતો પણ છે. ખચ્ચર ત્રણ વર્ષનું થતાં તેને કામે લગાડાય છે. તે પાંચ વર્ષે પ્રગલ્ભાવસ્થા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જ તેને ભારે કામ પર નિયુક્ત કરવું હિતાવહ ગણાય છે.

દિલીપ શુક્લ