ખગોળના સીમાડા : છેલ્લાં ત્રીસેક વર્ષોમાં ખગોળશાસ્ત્રની લગભગ બધી જ પ્રશાખાઓમાં થયેલી પ્રગતિ. કેટલાંક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તો થઈ જ છે, પરંતુ સંશોધનના ફળસ્વરૂપે મળેલી જાણકારી નવીન પ્રશ્નો તરફ પણ દોરી ગઈ છે. 1932 પછીના ચાર દાયકા દરમિયાન તારક-સંરચના(stellar-structure)ના ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરવામાં આવી છે. કારણ કે તારક-સંરચના વિશેના સિદ્ધાંતો તેમજ દ્રવ્યની વિવિધ અવસ્થા અંગેની પ્રયોગપ્રાપ્ય માહિતી તથા ઊર્જા-ઉત્પાદનની જટિલ પદ્ધતિઓમાં ઘણી પ્રગતિ સાધવામાં આવી છે અને તેના દ્વારા તારકોની ઉત્પત્તિ તેમજ ઉત્ક્રાંતિ વિશે ઘણા અઘરા પ્રશ્નોના ઉકેલ મેળવી શકાયા છે; પરંતુ સૌર ન્યૂટ્રિનોના પ્રશ્ને તારક-સંરચના સંબંધી આપણી જાણકારી અપૂર્ણ છે અને તારક-ઉત્ક્રાંતિ વિશેની આપણી સમજ પણ અધૂરી છે. આમ પ્રગતિ ખગોળવિષયક જ્ઞાનને ઉન્નતિના માર્ગે આગળ લઈ જાય છે, તેની સાથે નવા પ્રશ્નો પણ મૂકે છે, તેમને હલ કરવા માટે આપણે પ્રયત્નશીલ બનીએ છીએ, નવીન શોધો અને ટૅકનિકની મદદથી આગળ વધીએ છીએ અને આમ ને આમ ખગોળના સીમાડા અવિરતપણે વિસ્તરતા જાય છે. ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનની અન્ય શાખાઓના સુમેળથી તાજેતરમાં અનેકવિધ કાર્યક્ષેત્રો વિકસ્યાં છે, જેમણે વિકાસનાં નવાં સોપાન સર કરવામાં ખૂબ સહાય આપી છે અને અનેક પ્રશ્નોના ઉકેલ સુલભ બનાવ્યા છે.

સાધ્ય અને સાધનોના સંકલનથી નિશ્ચિત થયેલા બે નમૂનારૂપ સીમાડાઓ (1) ઉચ્ચ ઊર્જા ખગોળશાસ્ત્ર અને અંતરીક્ષ ખગોળશાસ્ત્રનો તેમજ (2) ખગોળમાંના સજીવોની શોધ તથા આણ્વિક ખગોળશાસ્ત્રનો ટૂંકો પરિચય અહીંયાં પ્રસ્તુત છે.

ઉચ્ચ ઊર્જા ખગોળશાસ્ત્ર અને અંતરીક્ષ ખગોળશાસ્ત્રનવીન સીમાડો : ખગોલીય ભૌતિકી(High Energy Astrophysics)માં સુપરનૉવા – મહાવિસ્ફોટ તારકો, પલ્સાર ક્વાસાર અને એક્સ-વિકિરણી સ્રોતોના પ્રકાર અને પાર્થિવ-વિકાસ તેમજ તેમનાં પ્રચંડ વિકિરણોનો અભ્યાસ કરવામાં આવે છે. તદુપરાંત તેમાં કૉસ્મિક-કિરણોનાં ઉદભવ, સંયોજન અને ઊર્જાવિતરણના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.

ઉચ્ચ ઊર્જા ખગોળશાસ્ત્ર(High Energy Astronomy)માં 912  Å  અને તેનાથી નાનાં વિકિરણો વડે ઉપર્યુક્ત વિશિષ્ટ ખગોલીય પિંડો વિશેનું સંશોધન હાથ ધરવામાં આવે છે. આ વિકિરણોમાં સૂક્ષ્મ તરંગ-લંબાઈનાં UV વિકિરણો, એક્સ અને ગૅમા-કિરણોનો સમાવેશ થાય છે. આ વિકિરણોના પૂરતા પ્રમાણમાં 105k તાપમાન અથવા બિનઉષ્મીય ક્રિયાવિધિ(nonthermal process)ની જરૂરત પડે છે. એટલે તેમને ઉચ્ચ ઊર્જા-વિકિરણો કહેવામાં આવે છે. 1 હજાર વોલ્ટ વીજદ્બાણનો તફાવત ધરાવતી રચનામાં ઇલેક્ટ્રૉન જે ઊર્જા વહન કરે છે તેને 1 KeV કહેવાય છે. [ તે 12.4 Å તરંગલંબાઈના વિકિરણની બરાબર થાય છે.] કૉસ્મિક એક્સ-કિરણો 0.1થી 100 KeV ઊર્જાકક્ષામાં આવે છે જ્યારે ગૅમા-વિકિરણો 100 KeV કરતાં વધારે ઊર્જાકક્ષા (તદનુસાર તરંગલંબાઈ < 0.01 Å) ધરાવે છે. તે માટેના સંસૂચકોમાં એક્સ-કિરણો (2-20 KeV કક્ષા) માટે ‘પ્રપૉર્શનલ કાઉન્ટર્સ’ અને ગૅમા-વિકિરણો માટે ‘સ્પાર્ક ચેમ્બર્સ’ વપરાય છે.

આ અભ્યાસ દરમિયાન ઘણાં અણધારેલાં અવલોકનો પણ સાંપડ્યાં છે. અણુબૉમ્બ-વિસ્ફોટો અંગેનાં સતત નિરીક્ષણ માટે પ્રયોજાયેલ ‘વેલા’ ઉપગ્રહોએ 1967માં આકાશમાં નિશ્ચિત દિશામાંથી દેખાયેલા ગૅમા-વિકિરણી ખગોલીય પિંડમાંથી આવતા વિસ્ફોટોની હારમાળાએ ઘણો રસ જગાડ્યો હતો. તેવાં રસપ્રદ ખગોલીય અવલોકનોએ ઉચ્ચ ઊર્જા ખગોલીય ભૌતિકીમાં મહત્વનાં પ્રદાન કર્યાં છે.

અંતરીક્ષ ખગોળનવીન સીમાડા : અંતરીક્ષમાંથી વિવિધ પ્રકારનાં વીજચુંબકીય વિકિરણની વર્ષા પૃથ્વી પર સતત થતી રહે છે; પરંતુ પૃથ્વીને વીંટળાયેલો હવાનો સ્તર એક કવચની જેમ અથવા એક વિશાળ ચાળણીની જેમ વર્તી અમુક વિકિરણને પૂરેપૂરું પસાર થવા દે છે જ્યારે અમુકને આંશિક તો અમુકને સંપૂર્ણ અવરોધે છે. ર્દશ્ય-પ્રકાશ અને ટૂંકા રેડિયોતરંગો માટે વાતાવરણ પારદર્શક હોઈ, આ વિકિરણને ઝીલીને તેમનું પૃથક્કરણ કરવાનું સહેલું છે. પરિણામે ર્દશ્ય-ખગોળ અને રેડિયો-ખગોળ જેવા ખગોળશાસ્ત્રના પ્રકારોનો વિકાસ થઈ શક્યો છે. અલબત્ત, ર્દશ્ય-પ્રકાશની ‘બારી’ વાટે જોવાતું આકાશ તદ્દન સ્પષ્ટ હોતું નથી કારણ કે વાતાવરણમાં ચાલતા પ્રવાહો અને ઝંઝાવાતોમાં ખગોલીય પિંડોની છબીઓ ક્યારેય સ્પષ્ટ મળતી નથી. તેથી વાતાવરણની ઉપર જઈને વધુ સ્પષ્ટ છબી મેળવી શકાય છે.

એક્સ-કિરણો માટે વાતાવરણ સંપૂર્ણ અપારદર્શક છે, તેથી અંતરીક્ષમાંથી આવતાં એક્સ-કિરણોનો અભ્યાસ પૃથ્વીની સપાટી પરથી શક્ય નથી. ઊલટું, ઇન્ફ્રા-રેડ (અવરક્ત) વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરમાંથી તો પસાર થઈ જાય છે, પરંતુ નીચલા સ્તરમાં રહેલા ભેજ (પાણીની બાષ્પ) તથા કાર્બન-ડાયૉક્સાઇડ જેવા ઘટકો વડે શોષાઈ જાય છે. પરિણામે અંતરીક્ષમાંથી આવતા અવરક્ત વિકિરણના અભ્યાસ માટે ભેજરહિત – સૂકું હવામાન અને હવાની ઘટ્ટતા ઓછી હોય તેવી ઊંચાઈ જરૂરી બની રહે છે. ઊંચા પર્વતો આ અનુકૂળતા પૂરી પાડે છે ખરા, પરંતુ જો એથી પણ ઊંચે લગભગ 12થી 15 કિમી. જઈએ (જે વિમાન દ્વારા શક્ય બને) અથવા એથી પણ વધુ ઊંચાઈએ જઈ શકાય (જે ઉપગ્રહ દ્વારા શક્ય બને) તો અવરક્ત વિકિરણને ઝીલવામાં વાતાવરણના અવરોધને નાથી શકાય. વાતાવરણના આવા અવરોધથી પર થઈને અવકાશનું નિરીક્ષણ થઈ શકે એ માટેનું જે વિજ્ઞાન વિકસ્યું છે તેને ‘અંતરીક્ષ-ખગોળ’ કહે છે. અંતરીક્ષમાં જઈ, વિવિધ વીજ-ચુંબકીય વિકિરણનો અભ્યાસ કરતું શાસ્ત્ર, જેમાં ર્દશ્ય-પ્રકાશ ઉપરાંત, ઇન્ફ્રા-રેડ, અલ્ટ્રા વાયોલેટ, એક્સ-કિરણ, ગૅમા-કિરણ વગેરેનો સમાવેશ થાય છે.

આવા અભ્યાસ માટે શરૂઆતમાં બલૂનો અને પાછળથી સાઉન્ડિંગ રૉકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. ઍરોબી બ્લૅકબ્રાન્ટ તથા સ્કાયલાર્ક જેવાં રૉકેટ આને માટે જાણીતાં છે. આ બંને ઉપકરણો આજે પણ ઉપયોગમાં લેવાય છે ખરાં, પરંતુ દૂરબીન યા જરૂરી ઉપકરણો સાથેનું બલૂન 30 કિમી. કે બહુ બહુ તો 50 કિમી.ની ઊંચાઈ સુધી જઈ શકે છે. જ્યારે સાઉન્ડિંગ રૉકેટ વધુમાં વધુ 250 કિમી. જેટલી ઊંચાઈ આંબી શકે છે; પરંતુ, આ બંનેની કેટલીક મર્યાદા છે. એક મર્યાદા સમયની છે. લાંબા સમય સુધી અવકાશમાં રહીને નિરીક્ષણો લઈ શકાતાં નથી.

પરંતુ કૃત્રિમ ઉપગ્રહોની વાત જુદી છે. તેને આવી મર્યાદા નડતી નથી અને તેમને ઊડતી વેધશાળામાં ફેરવી શકાય છે. લશ્કરી કે જાસૂસી કામગીરી બજાવતા વિશિષ્ટ ઉપગ્રહોના અપવાદ સિવાય બધા જ ઉપગ્રહો 250 કિમી.થી વધુ ઊંચાઈએ તરતા મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક ઉપગ્રહો તો 380 કિમી. કે ધારેલી ઊંચાઈએ ઘૂમતા કરી શકાય છે. ઇચ્છિત ઊંચાઈ અને લાંબા સમય સુધી અવકાશમાં રહી શકવાની ઉપગ્રહની ક્ષમતાને કારણે આ ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ થઈ છે. અનેકવિધ અંતરીક્ષયાનો પણ બન્યાં છે અને માનવી પણ અંતરીક્ષમાં લાંબો સમય રહેવા ટેવાયો છે.

અંતરીક્ષ નિરીક્ષણો માટે વિમાનોને પણ પ્રયોજવાનું ચાલુ થયું. આવી એક જાણીતી હવાઈ (airborne) વેધશાળા ક્યૂઈપર ઍરબૉર્ન ઑબ્ઝર્વેટરી (KAO) 1975થી કાર્યરત થઈ છે. તેમાં ‘લૉકહીડ – C 141’ પ્રકારના જેટ વિમાનમાં અન્ય ઉપકરણો ઉપરાંત 0.915 મીટરનું કેસેગ્રેઇન પરાવર્તક (દર્પણ) દૂરબીન પણ રાખવામાં આવેલું છે. અમેરિકાના ‘નાસા’ના આ KAO જેવું ફ્રાન્સે પણ કૅરૅવેલ જેટ (caravelle jet) તૈયાર કર્યું છે, જેમાં 0.32 મીટરનો ટેલિસ્કોપ ગોઠવેલો છે. આ વિમાનો સરેરાશ 12થી 15 કિમી. જેટલી ઊંચાઈએ ઉડ્ડયન કરી શકે છે. અમેરિકાનાં ‘એસ આર – 71 બ્લૅકબર્ડ’ નામનાં જાસૂસી વિમાન તો લગભગ 25થી 26 કિમી. જેટલી ઊંચાઈએ ઉડ્ડયન કરી શકે છે. અન્ય ખગોલીય ઉપકરણો ઉપરાંત તેમાં ‘અલ્ટ્રા-વાયોલેટ (CD-charge – coupled device) કૅમેરા’ ગોઠવીને તેને પણ નિરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલું છે જેનો ઉપયોગ ખગોલીય નિરીક્ષણ ઉપરાંત ધ્રુવીય જ્યોતિ, વાયુમંડળીય જાણકારી વગેરે માટે પણ થવાનો છે. વળી આટલી ઊંચાઈએ પૃથ્વીની સપાટી કરતાં પ્રકાશિતતા (brightness) એકાદ ટકા જેટલી ઓછી હોવાને કારણે દિવસના સમયે પણ પ્રકાશીય ખગોળ (optical astronomy) સંભવી શકશે. ‘નાસા’ની આ હવાઈ વેધશાળાનું પ્રથમ ઉયન 9 માર્ચ, 1993ના રોજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં એવા પણ ઉપગ્રહો બન્યા છે કે જે આકાશમાંના ખગોલીય પિંડોનું માપન કરીને એમની સ્થિતિ અને ર્દષ્ટિ કે પ્રત્યક્ષ ગતિઓ (apparent motions) તથા તેમની પર અસર નિપજાવતાં બળોનો સ્વયં અભ્યાસ કરીને માહિતીઓ મોકલી આપે. આમ ખગોળમિતિ (astrometry) જેવી ખગોળની એક પુરાણી પણ મહત્વની શાખા પણ આમાં આવરી લેવામાં આવેલી છે. આવો એક જાણીતો ઉપગ્રહ હિપાકૉર્સ છે, જેનું આખું નામ ‘High Precision Parallax Collecting Satellite’ છે. ઈ. સ. પૂ.ની બીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક ખગોળવેત્તા Hipparchusની અંગ્રેજી ભાષામાં જોડણી ‘Hipparcos’ પણ છે. આમ આ ઉપગ્રહના નામકરણમાં ખગોળવેત્તાના નામને સાંકળવાની ચતુરાઈ જોવા મળે છે. આ ઉપગ્રહને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા 1989માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેમાં 0.29 મીટરનું એક શક્તિશાળી શ્મિટ ટેલિસ્કોપ રાખેલું છે.

અંતરીક્ષમાં ઘૂમતા ઉપગ્રહો કે વેધશાળાઓ પોતાની અંદર ટેલિસ્કોપ લઈ જાય તેના કરતાં વિશાળ ટેલિસ્કોપને જ પૃથ્વીના વાતાવરણથી ઉપર પૃથ્વીની ફરતે ગોઠવી દીધું હોય તો વધુ અનુકૂળતા રહે. આવું એક અંતરીક્ષ-દૂરબીન 25 એપ્રિલ, 1990ના રોજ ‘સ્પેસશટલ’ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યું. ‘નાસા’ અને ‘ESA’ના સંયુક્ત પ્રયાસોથી બનેલું આ ‘સ્પેસ ટેલિસ્કોપ’ ર્દશ્ય અને પારજાંબલી (અલ્ટ્રા-વાયોલેટ) ખગોળ સંબંધી અવલોકનો કરે છે, અને તે ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ (HST) તરીકે ઓળખાય છે.

‘નાસા’એ ઇન્ફ્રા-રેડ ખગોળમાં ઉપયોગી નિરીક્ષણ કરી શકાય તે માટે 1 મીટર દર્પણ ધરાવતા ટેલિસ્કોપને સીધેસીધું જ અંતરીક્ષમાં ઘૂમતું કરવાની એક યોજના પણ ઘડી છે, જેને ‘સ્પેસ ઇન્ફ્રા-રેડ ટેલિસ્કોપ ફૅસિલિટી’ (SIRTF) નામ આપવામાં આવેલું છે.

આજે તો અંતરીક્ષ-ખગોળ એવા તબક્કે પહોંચ્યું છે કે ખગોલીય પિંડોમાંથી ઉત્સર્જિત થતા ર્દશ્ય-પ્રકાશ ઉપરાંત ઇન્ફ્રા-રેડ, અલ્ટ્રા-વાયોલેટ, એક્સ-કિરણો, ગૅમા-કિરણો વગેરે જેવાં વીજચુંબકીય વિકિરણોનું પણ તે જ્ઞાપન (detection) કરી શકે. વીજચુંબકીય વર્ણપટના લગભગ તમામ વિકિરણને તે આવરી લે છે. આ કારણે જુદાં જુદાં વિકિરણનાં નામ ધરાવતી ખગોળની આગવી શાખાઓ પણ વિકસેલી છે. ભારત સહિત અનેક દેશોએ આવા ઉપગ્રહો પૃથ્વીની ચોપાસ ફરતા કર્યા છે. 1975માં તરતો કરવામાં આવેલો ‘આર્યભટ્ટ’ આવો જ એક ભારતીય ઉપગ્રહ હતો, જેણે એક્સ-કિરણ ઉત્સર્જિત કરતા સ્રોતો અંગે માહિતી પૂરી પાડી હતી.

જુદા જુદા વીજચુંબકીય વિકિરણનો અભ્યાસ કરવા માટે છોડવામાં આવેલા વિવિધ ઉપગ્રહો કે ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલી વેધશાળાઓ અને એમના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીઓ અને એ પરથી લેવાયેલાં તારણો એટલા વિપુલ પ્રમાણમાં છે કે અહીં તો માત્ર તેમનો ટૂંક ઉલ્લેખ જ કરવામાં આવેલો છે.

ઇન્ફ્રારેડખગોળ : ખગોલીય પિંડોમાંથી ઉત્સર્જિત થતા ઇન્ફ્રા-રેડ વિકિરણનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ર્દશ્ય-પ્રકાશના લાલ રંગ અને રેડિયો-તરંગ(સૂક્ષ્મ તરંગ-microwave)ની વચ્ચેની તરંગ-લંબાઈવાળો પ્રદેશ, જેની તરંગ-લંબાઈ લાલ રંગ તરફના છેડા આગળ 0.8 માઇક્રોમીટર (μm [= 800 નૅનોમીટર (nm)] છે અને વધીને રેડિયોતરંગોના છેડા આગળ આશરે 1,000 μm કે 1 મિલીમીટર (mm) જેટલી હોય છે :

નરી આંખે ન જોઈ શકાતા એવા ‘અર્દશ્ય’ (invisible) ઇન્ફ્રા-રેડ વિકિરણની શોધ 1800માં આકસ્મિક રીતે વિલિયમ હર્ષલે કરી હતી. તેનો વ્યવસ્થિત અભ્યાસ 1960થી શરૂ થયો અને 1983માં પ્રક્ષેપિત કરવામાં આવેલા ‘ઇન્ફ્રા-રેડ ઍસ્ટ્રૉનૉમિકલ સૅટેલાઇટ’ (IRAS) નામના ઉપગ્રહ પછી તેમાં ઘણો વેગ આવેલો છે. આ ઉપગ્રહ વડે અંતરીક્ષમાં આવેલા આ વિકિરણના સ્રોતોની વ્યાપક મોજણી કરવા ઉપરાંત, અન્ય કેટલીક મહત્વની શોધ થઈ છે, તો કેટલાક નવા ધૂમકેતુઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે, (જુઓ ‘આઇરાસ’ ઉપગ્રહ). ‘KAO’ જેવી વિમાન (હવાઈ) વેધશાળા પણ આના માટે પ્રયોજાયેલી છે.

અલ્ટ્રાવાયોલેટખગોળ : ખગોલીય પિંડોમાંથી આવતા પારજાંબલી વિકિરણનો અભ્યાસ કરતી ખગોળની શાખા. આ વિકિરણ 10થી 320 નૅનોમીટર (nm) વચ્ચેની તરંગ-લંબાઈ ધરાવે છે. (તરંગ-લંબાઈ ઍંગસ્ટ્રમ--માં પણ દર્શાવાય છે. 1 = 0.1 nm = 1010મીટર) અલ્ટ્રા-વાયોલેટ વિકિરણને નીચે પ્રમાણે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે :

* 10થી 100 nm તરંગ-લંબાઈવાળાં અલ્ટ્રા-વાયોલેટ વિકિરણ જેને દૂરસ્થ કે અંતિમ પારજાંબલી કહે છે, extreme ultra-violet ઉપરથી ટૂંકમાં ‘EUV’ કહે છે.

* 100થી 200 nm તરંગ-લંબાઈવાળાં ખૂબ દૂર આવેલાં પારજાંબલી વિકિરણ Far ultra violet (FUV) કહેવાય છે.

* 200થી 320 nm તરંગ-લંબાઈવાળું નિકટનું પારજાંબલી વિકિરણ near ultra-violet (NUV) કહેવાય છે.

આ ત્રણ પૈકી ઘણી વાર ‘EUV’ અમુક અંશે એક્સ-કિરણો સાથે ભળી જતું હોવાથી 6-60 nm તરંગ-લંબાઈના અલ્ટ્રા-વાયોલેટના આ તરંગપટ્ટાને ‘XUV’ પણ કહે છે. ‘XUV’ના અભ્યાસ માટે એક્સ-કિરણ ખગોળશાસ્ત્રની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે બાકીનાં પારજાંબલી વિકિરણ માટે ર્દશ્ય-પ્રકાશના વર્ણપટની જેમ જ અભ્યાસ કરી શકાય છે. અલ્ટ્રા-વાયોલેટ વિકિરણનું સમાપન કરતાં,

() EUV (10100 nm) : આ પૈકી એક્સ-કિરણ અને અલ્ટ્રા- વાયોલેટને જોડતો પ્રદેશ આશરે 6–60 nm તરંગલંબાઈનો ‘XUV’ કહેવાય છે.

() FUV (100200 nm) અને

() NUV (200320 nm). ર્દશ્ય-પ્રકાશના જાંબલી રંગના વિકિરણની નજદીક આવેલો પારજાંબલી વિકિરણનો ભાગ.

ઉપર્યુક્ત ત્રણ પૈકી NUV (320-200 nm)ના અપવાદને બાદ કરતાં બાકીનું બધું જ પારજાંબલી વિકિરણ મુખ્યત્વે ઓઝોનના સ્તર તેમજ આણ્વિક ઑક્સિજન (molecular-Oz) દ્વારા વાતાવરણમાં શોષાઈ જાય છે. એટલે અલ્ટ્રા-વાયોલેટ વિકિરણને પૂરેપૂરું ઝીલવા માટે 40 કિમી. કે એથી પણ વધુ ઊંચાઈએ, 100 કિમી. સુધી જવું જોઈએ. 1940 અને 1950ના ગાળામાં રૉકેટ-ઉડ્ડયનો દ્વારા આ દિશામાં કામ થયું. તે માટે ‘વી-ટુ’ રૉકેટ અને ઍરોબી રૉકેટ ઉપયોગી નીવડ્યાં. બલૂનો પણ પ્રયોજાયાં. એ પછી અલ્ટ્રા-વાયોલેટ-ઉપગ્રહો (UV satellites) આવ્યા. આવો પ્રથમ ઉપગ્રહ ‘ઑર્બિટિંગ સોલર ઑબ્ઝર્વેટરી’ (OSO-1) હતો, જેને 1962માં પ્રક્ષેપિત કરવામાં આવેલો. આવા અન્ય નોંધપાત્ર ઉપગ્રહો નીચે પ્રમાણે છે :

‘ઑર્બિટિંગ ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી’ (OAO-3), જેને ‘કોપરનિકસ’ પણ કહે છે. તે 1972માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.

‘ઇન્ટરનૅશનલ અલ્ટ્રા-વાયોલેટ એક્સ્પ્લોરર’ (IUE), જે 1978માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો અને તેણે 13 વર્ષ સુધી કામગીરી બજાવી.

‘ઍસ્ટ્રૉ-1’. અમેરિકાના ‘સ્પેસ શટલ’માં ગોઠવવામાં આવેલી ખગોલીય વેધશાળા જેનું પ્રથમ ઉડ્ડયન ડિસેમ્બર, 1990માં થયું. તેમાં અલ્ટ્રાવાયોલેટ અને એક્સ-કિરણોને ઝીલતાં ઉપકરણ (ટેલિસ્કોપ) હતાં.

‘ROSAT’ જર્મનીએ તૈયાર કરેલી એક્સ-કિરણ ખગોળ વેધશાળા – જેમાં ‘નાસા’ અને ‘યુ. કે. સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ કાઉન્સિલ’નો સંયુક્ત સહકાર પ્રાપ્ત થયો હતો – તેને 1990માં પ્રક્ષેપિત કરવામાં આવી. દૂરસ્થ પારજાંબલી-વિકિરણ (EUV) અને એક્સ-કિરણોના સંક્રમણક્ષેત્ર (transitional zone) એક્સ-અલ્ટ્રા-વાયોલેટ (XUV) તરંગ-લંબાઈ પર કામગીરી કરનાર સૌપ્રથમ ઉપગ્રહ હતો.

* એક્સકિરણ ખગોળ : ખગોલીય પિંડોમાંથી આવતા એક્સ-વિકિરણનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અંતિમ પારજાંબલી (Euv કે XUV) અને ગૅમા-કિરણો વચ્ચેનો વર્ણપટનો પ્રદેશ, જેની તરંગ-લંબાઈ સામાન્ય રીતે અંદાજે 10થી 0.01 નૅનોમીટર (nm) વચ્ચે આવેલી છે.

અંતરીક્ષમાંથી આવતાં એક્સ-કિરણો પૃથ્વી ઉપર બિલકુલ પહોંચી શકતાં ન હોવાથી, તેના અભ્યાસ માટે ઉપગ્રહ કે રૉકેટનો જ આધાર લેવો પડે છે.

એક્સ-કિરણ-ખગોળનો આરંભ 1948-1950 દરમિયાન, ઍરોબી રૉકેટમાં ગોઠવેલા સૂચિછિદ્ર કૅમેરા (pin-hole camera) દ્વારા સૂર્યની એક્સ-કિરણ-છબી મેળવવાથી થયો હતો તે પછી ફોટોગ્રાફીનું સ્થાન ગાયગર ગણિત્ર (Geiger counter) અને અકાર્બનિક પ્રસ્ફુરણો (inorganic scintillators) જેવા સંસૂચકો(detectors)એ લીધું. સૂર્યમંડળની બહારનો એક્સ-કિરણ સ્રોત પ્રથમ વાર વૃશ્ચિક- તારામંડળમાંથી 1962માં શોધી કાઢવામાં આવ્યો હતો, જે ‘Scorpius-x-1’ તરીકે ઓળખાય છે. અન્ય રૉકેટ-ઉડ્ડયનોના પ્રયોગોથી 1970 સુધીમાં આવા ચાળીસથી પણ વધુ એક્સ-કિરણ સ્રોતો શોધી કાઢવામાં આવ્યા.

તેમ છતાં, આવા સ્રોતોની વિસ્તૃત મોજણી માટે ઉપગ્રહ અનિવાર્ય જણાતાં, આ ક્ષેત્રે કામગીરી આરંભાઈ.

અમેરિકન લશ્કર દ્વારા ‘વેલા’ (Vela) ઉપગ્રહ નામે ઓળખાતી શ્રેણીમાં 1969 અને 1979નાં વર્ષો દરમિયાન એક્સ-કિરણ સંસૂચકો લઈ જવાયાં હતાં ખરાં, પણ એક્સ-કિરણ-ખગોળને જ સમર્પિત પહેલો ઉપગ્રહ ‘ઉહુરુ’ હતો, જે 1970માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. પછી ‘સ્કાય-લૅબ-મિશન’ના એક ભાગ રૂપે 1973માં એક ખાસ પ્રકારના ટેલિસ્કોપ વડે સૂર્યમાંથી ઉત્સર્જિત થતાં એક્સ-કિરણોનો અભ્યાસ કરવામાં આવ્યો.

ત્યાર બાદ વધુ સારા એક્સ-કિરણ-ટેલિસ્કોપ બન્યા અને તેમના વડે, સૂર્ય ઉપરાંત અન્ય એક્સ-કિરણ-સ્રોતોનો પણ અભ્યાસ શરૂ થયો. આમાંનાં કેટલાક મહત્વના ઉપગ્રહો કે એક્સ-કિરણ-વેધશાળાઓ નીચે પ્રમાણે છે (કૌંસમાં દર્શાવેલ આંકડા ઉડ્ડયનવર્ષ સૂચવે છે) :

(i) ‘High Energy Astrophysical Observatory’ – ટૂંકમાં ‘HEAO’ આ શ્રેણીમાંનો ‘HEAO-1’(1977) અને HEAO-2’ (1978). ‘HEAO-2’ને ‘આઇન્સ્ટાઇન ઑબ્ઝર્વેટરી’ તેવું નામ આપવામાં આવ્યું. આ ઉપગ્રહો અમેરિકાના હતા.

(ii) ‘OAO-3 અથવા ‘કોપરનિકસ’ (1972). આનો મુખ્ય ઉદ્દેશ અલ્ટ્રાવાયોલેટ-ખગોળનો હતો, જેને માટે એમાં 0.8 મીટરનું ટેલિસ્કોપ ગોઠવેલું હતું, જેની સાથે સ્પેક્ટ્રોગ્રાફ (વર્ણપટલેખક) પણ જોડવામાં આવેલું હતું. અમેરિકાના આ ઉપગ્રહમાં એક્સ-કિરણ-ખગોળ સંબંધી પણ કામગીરી થઈ જેને માટેનાં ઉપકરણો બ્રિટનનાં હતાં. આ ઉપગ્રહે એક્સ-કિરણ-ખગોળમાં કેટલાંક મહત્વનાં નિરીક્ષણો કર્યાં.

(iii) EXOSAT (1983), યુરોપિયન એક્સ-કિરણ-ખગોળ ઉપગ્રહ. 1986માં એ ફરતો બંધ થયો ત્યાં સુધીમાં તો તેણે યુગ્મક-તારાઓ અને તારાવિશ્વો અંગેનાં મહત્વનાં નિરીક્ષણો કર્યાં હતાં.

(iv) ‘Ginga’ (1987). એનું મૂળ નામ ‘Astro-C’ હતું. આ ઉપગ્રહ જાપાનનો હતો.

(v) ROSAT (1990). જર્મન ઉપગ્રહ.

(vi) ANS (Astronomische Nederlands Satellite). ડચનો પ્રથમ રાષ્ટ્રીય ઉપગ્રહ જેને 1974માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો. આ ઉપગ્રહે અલ્ટ્રા-વાયોલેટ અને એક્સ-કિરણ-ખગોળના ક્ષેત્રે કામ કર્યું.

1985માં એક જુદા જ પ્રકારનું એક્સ-કિરણ દૂરબીન બનાવવામાં આવ્યું, જેમાં ‘coded mask’ ટેક્નીક પ્રયોજવામાં આવેલી, અને ‘સ્પેસલૅબ-2’ના ઉડ્ડયન દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો.

‘એક્સ-રે મલ્ટીમિરર ટેલિસ્કોપ’ (XMM) નામનો આવો એક્સ-કિરણ-ખગોળને લગતો પ્રૉજેક્ટ યુરોપિન સ્પેસ એજન્સીએ ઘડેલો છે. ભવિષ્યમાં આવા અન્ય ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂકવામાં આવશે.

* ગૅમાકિરણખગોળ : ખગોલીય પિંડોમાંથી આવતાં ગૅમા-કિરણોના અભ્યાસને આવરી લેતું શાસ્ત્ર. વીજ-ચુંબકીય વિકિરણમાં વધુમાં વધુ શક્તિશાળી એવું આ ગૅમા-વિકિરણ, એક્સ-કિરણો કરતાં નાની, એટલે કે આશરે 0.1 નૅનોમીટર (nm) કરતાં પણ ઓછી તરંગ-લંબાઈ ધરાવે છે.

અલ્ટ્રા-વાયોલેટ કરતાં ટૂંકી તરંગ-લંબાઈનું વિકિરણ ‘હાઈઍનર્જી ઍસ્ટ્રૉનૉમી’ પણ કહેવાય છે, જેમાં એક્સ-કિરણ અને ગૅમા-કિરણ આવી જાય છે. ગૅમા-કિરણો તરફ જતાં, વર્ણપટમાં, બધી જ તરંગ-લંબાઈ આશરે 0.002 nm (0.02 Å) કરતાં પણ ટૂંકી થઈ જાય છે. આ તબક્કે વિકિરણ તરંગો રૂપે નહિ, પણ મુખ્યત્વે કણો (ફોટૉન) તરીકે વર્તે છે. આ કારણે આ વિકિરણને તરંગ-લંબાઈમાં નહિ, પરંતુ પ્રત્યેક ફોટૉન દ્વારા વહી જતી ઊર્જાના રૂપમાં દર્શાવવાનો સામાન્ય નિયમ છે.

પૃથ્વીના વાતાવરણના ઉપલા સ્તરોમાં ગૅમા-વિકિરણ શોષાઈ જાય છે, માત્ર બહુ જ શક્તિશાળી ગૅમા-કિરણો જ થોડીઘણી માત્રાઆં પૃથ્વીની સપાટી પર આવી શકે છે. તેથી તેમનો અભ્યાસ પણ મુખ્યત્વે ઉપગ્રહો દ્વારા જ થાય છે.

આ વિકિરણને ઝીલવા માટે પ્રસ્ફુરણ-ગણતરી (scintillation counters), સ્ફુલિંગ કે તણખા-કક્ષ (spark chamber) અને ઘન- અવસ્થા-સંસૂચકો (solid state detectors) જેવાં વિશિષ્ટ ઉપકરણો પ્રયોજવામાં આવેલાં છે.

ગૅમા-કિરણ-ખગોળ માટે, 1969થી અનેક ઉપગ્રહોનું આયોજન કરવામાં આવેલું છે. આ પૈકી કેટલાક નોંધપાત્ર નીચે પ્રમાણે છે :

(i) ‘Small Astronomy Satellite’ – ટૂંકમાં, ‘SAS’ શ્રેણીના અમેરિકાના ઉપગ્રહો. કુલ ત્રણ ઉપગ્રહો. આ ઉપગ્રહો એક્સ-કિરણ- ખગોળ તથા ગૅમા-કિરણ-ખગોળ પર કામ કરે છે અને શ્રેણીનો પ્રથમ ઉપગ્રહ (SAS-1) 1970માં પ્રક્ષેપિત કરાયો, જે પાછળથી ‘ઉહુરુ’ તરીકે જાણીતો બન્યો, શ્રેણીનો બીજો ‘SAS-2’- ઉપગ્રહ 1972માં પ્રક્ષેપિત કરાયો. આ ઉપગ્રહ ગૅમા સંસૂચકો લઈ જનાર પ્રથમ ઉપગ્રહ છે. શ્રેણીનો ત્રીજો (SAS-3) ઉપગ્રહ 1975માં પ્રક્ષેપિત કરાયો, જેણે એક્સ-કિરણ અંગે પ્રયોગો કર્યા. આમ ‘SAS-2’ (1972) ઉપગ્રહ દ્વારા, તેની સાત માસની કામગીરી દરમિયાન ગૅમા-કિરણ-ખગોળ પર મહત્વનું કામ થયું હતું.

(ii) ‘Cos – B’. યુરોપિયન ગૅમા-રે ખગોલીય ઉપગ્રહ. આ ઉપગ્રહ 1975માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો અને તેણે લગભગ છ વર્ષ કરતાં પણ વધુ સમય માટે કામગીરી બજાવી હતી, અને આશરે 25 જેટલા ગૅમા-કિરણોના સ્રોતને ભિન્ન સ્વરૂપે પારખી બતાવ્યા હતા.

(iii) ‘ HEA0-3’ (1979). આ ઉપગ્રહમાં એક ગૅમા-રે સ્પેક્ટ્રોમીટર અને કૉસ્મિક કિરણ અંગેનાં બે ઉપકરણો હતાં.

ગૅમા-કિરણોના જે 25 જેટલા સુસ્પષ્ટ સ્રોત શોધી કઢાયા છે, તેમાં નૌવસ્ત્ર પલ્સાર (vela pulsar), કર્ક-પલ્સાર (crab pulsar) અને મિથુન-તારામંડળમાંના ‘જેમિન્ગા’ સ્રોત વગેરે નોંધપાત્ર છે. આ ‘જેમિન્ગા’ તો વળી, શક્તિશાળી એક્સ-કિરણોનું પણ ઉત્સર્જન કરે છે.

પાર્થિવેતર સજીવોની શોધ અને આણ્વિક ખગોળશાસ્ત્ર : બાહ્યાવકાશમાં પાર્થિવેતર સજીવો(exobiology)ની શોધને કેટલાક ખગોલીય જીવશાસ્ત્ર(astrobiology) પણ કહે છે. તેમાં સૌરમંડળના પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો કે ઉપગ્રહો ઉપર અથવા તો અન્ય તારકોની ગ્રહમાળામાં અસ્તિત્વ ધરાવતી સજીવ સૃષ્ટિના અભ્યાસનો સમાવેશ થાય છે. વણઓળખાયેલા ઊડતા પદાર્થના (UFO) હોવા અંગે જાતજાતની વાતો વખતોવખત પ્રસિદ્ધ થવા છતાંય આજદિન સુધીમાં એવી એક પણ ખાતરીલાયક સાબિતી સાંપડી નથી જેનાથી એમ પુરવાર થાય કે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્યત્ર પણ સજીવ સૃષ્ટિ વિકસી છે; પરંતુ આ દિશામાં વૈજ્ઞાનિક અભ્યાસ માટેના અનેકવિધ પ્રયત્નો થયા છે. અમેરિકન અંતરીક્ષ કાર્યક્રમ અંતર્ગત ઍપૉલો પ્રૉજેક્ટ તેમજ રશિયન અંતરીક્ષ કાર્યક્રમ લ્યૂના દ્વારા પ્રાપ્ત થયેલા ચંદ્રખડકોના વિશ્લેષણ ઉપરથી, તેમજ 1976માં મંગળની ધરતી ઉપર ઊતરેલી વાઇકિંગ-પ્રયોગશાળાઓએ ત્યાં કરેલાં પરીક્ષણો દ્વારા ચંદ્ર તેમજ મંગળની ધરતી ઉપર સજીવસૃષ્ટિ હોવા અંગે નકારાત્મક સંકેતો આપ્યા છે.

અવકાશમાં જીવન વિકસ્યું હોવાના મતને જોરદાર ટેકો ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ. પોનામપેરૂમાનાં સંશોધનોએ આપ્યો છે. ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ ધ્રુવપ્રદેશમાં પડેલી ઉલ્કાઓમાં તેમણે ઍમિનૉઍસિડ શોધી કાઢ્યા છે. હવે આ ઍમિનૉઍસિડ તો જીવનના વિકાસનો પાયો છે અને બાહ્યાવકાશમાંથી પૃથ્વી ઉપર પડેલા ઉલ્કાપિંડમાં ઍમિનૉઍસિડ મળ્યા છે એટલે પાર્થિવેતર બાહ્યાવકાશમાં પણ જીવન વિકસ્યું છે એવું તારણ નીકળે છે. રાસાયણિક ઉત્ક્રાન્તિની પ્રક્રિયા જો બ્રહ્માંડભરમાં વ્યાપ્ત હોય – બાહ્યાવકાશમાં આ રીતે જીવન વિકસી શકતું હોય – તો બ્રહ્માંડમાં માનવી જેવા સજીવો અન્યત્ર કોઈક ઠેકાણે તો હશે જ એમ માનવું રહ્યું.

પૃથ્વી ઉપર કાર્બન તત્વના પરમાણુઓનાં ખાસ કરીને હાઇડ્રોજન, ઑક્સિજન અને નાઇટ્રોજનનાં વિવિધ પ્રકારનાં સંયોજનો દ્વારા જેમ જીવન ઉદભવ્યું છે, તેવું બ્રહ્માંડના બીજા ભાગોમાં પણ થયું હશે તેમ મનાય છે; પરંતુ જેમ કાર્બનનો પરમાણુ બીજાં તત્વો સાથે મળીને સંખ્યાતીત સંયોજનો રચે છે; તેવું જ સિલિકોનનાં સંયોજનો પર આધારિત જીવન વિકસ્યું હોવાની એક શક્યતા છે ખરી.

પ્રૉજેક્ટ ઑઝમા જેવા સઘન પ્રયત્ન દ્વારા સજીવ સૃષ્ટિ હોવાની જ્યાં સંભાવના મનાય છે તેવા તારક τ તિમિ (Cetus) અને ε વૈતરણી (Eridanus) તરફથી કોઈ ‘સંદેશા’ ઝિલાયા નથી; પરંતુ એવું પણ શક્ય છે કે બાહ્યાવકાશમાંના અક્કલમંદ નિવાસીઓ સંદેશાવ્યવહાર માટે કોઈ પ્રકારની ટેલિફોન પદ્ધતિ વાપરતા હોય જ્યારે આપણી પાસે એ વાર્તાલાપમાં સામેલ થવા માટે યોગ્ય ક્ષમતાવાળું ટેલિફોન યંત્ર અત્યારે નથી. વળી એવી ધારણાનો પાયો પણ શું છે કે આપણે જે સજીવોનો સંપર્ક સાધવા માટે આતુર અને ઘણા પ્રયત્નશીલ છીએ, તે માનવસ્વરૂપના જ હોય ? એવો પણ સંભવ તો ખરો ને કે તેમને ‘જોવા’ માટે આપણી ‘આંખ’ અને ‘સાંભળવા’ માટે આપણા ‘કાન’ અસમર્થ હોય ?

ખ-રસાયણશાસ્ત્ર(Astrochemistry)નો પાયો આણ્વિક રસાયણશાસ્ત્ર હોવાથી તેને આણ્વિક ખગોળશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. તેમાં આંતરતારકીય અને આંતરનિહારિકાનાં માધ્યમોમાં રહેલા અણુઓનો મુખ્યત્વે માઇક્રોવેવ વિકિરણો વડે અભ્યાસ કરવામાં આવે છે. રેડિયો વર્ણપટલ રેખાઓ દ્વારા બહુસંખ્યક પરમાણુઓના સંયોજનથી બનેલ અનેકવિધ અણુઓનું અસ્તિત્વ એ માધ્યમોમાં જણાયું છે.

1963માં 18 સેમી. માઇક્રોવેવ-વિકિરણની મદદથી OH મૂલક શોધાયો હતો. ત્યાર બાદ 1969માં 6.2 સે.મી. તરંગો વડે ફૉર્માલ્ડિહાઇડ (HCHO) શોધાયો. સપ્તર્ષિ નક્ષત્રમાંની વિસ્ફોટિત M82 અને બાજુની NGC253 નિહારિકામાં OH શોધાયા પછી લગભગ તુરત જ ત્રિકોણ નક્ષત્રમાંની M33 નિહારિકામાં CO જોવા મળ્યો. મંદાકિની તારાવિશ્વના ધનુરાશિ પાસે આવેલા કેન્દ્ર નજદીકના B2 નામથી ઓળખાતા વાદળમાં અને મૃગશીર્ષ નિહારિકામાં કેટલાય પ્રકારના બહુસંખ્યક પરમાણુવાળા અણુઓ ઉત્પન્ન થતા જણાયા છે. જાણીતા, સાદા, અકાર્બનિક અણુઓ; જેમ કે, પાણી (H2O), એમોનિયા (NH3), સિલિકોન મૉનોક્સાઇડ (SiO) અને હાઇડ્રોજન સલ્ફાઇડ (H2S) ઉપરાંત હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઑક્સિજન અને સલ્ફર વડે રચાયેલા અણુઓમાં મોટા ભાગના કાર્બનિક પ્રકારના અણુઓ જોવામાં આવે છે. તેમના ઉત્પત્તિસ્રોતો બ્રહ્માંડમાં યાર્દચ્છિકપણે (randomly) આવેલા છે. તેમની રચનાપ્રક્રિયા અને રાસાયણિક સ્થિરતા (stability) વિશે ઘણું સમજવાનું હજુ બાકી છે. એમ જણાય છે કે સંઘાતી અભિવૃદ્ધિ (collisional accretion) જેવી સામાન્ય પ્રક્રિયાથી ઉત્પન્ન થઈ શકે તેના કરતાં તેમનો ઉત્પત્તિદર ઘણો ઊંચો છે.

આંતરતારકીય માધ્યમમાંના અણુઓ અને તેમની સાથે સંકળાયેલ બ્રહ્માંડવ્યાપી રાસાયણિક પ્રક્રિયા વડે આંતરતારકીય વાદળોના અંતરાલ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે તેમ જ તેમાં રહેલા વાયુઓની સંખ્યાઘનતા (density number) અંગે પણ અનુમાન તારવી શકાય છે. હલકી ઘનતાની પરિસ્થિતિમાં ખૂબ સાદા અને મજબૂત રીતે જોડાયેલા અણુઓનું જ અસ્તિત્વ જોવામાં આવે છે કારણ કે સારી ભેદનક્ષમતા ધરાવતાં વિકિરણો વાદળોમાં અંદર ઊંડે સુધી પહોંચી શકે છે અને ઢીલા બંધવાળા અણુઓને તોડી નાખે છે. 103 અણુ/સેમી.3 ઘનતાવાળા વાદળમાં આપણને CO અને NH3 જેવા સાદા અણુઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે શ્યામ લઘુગોલકમાં (dark globules)ની પરિસ્થિતિ; જ્યારે 106 અણુ/સેમી.3 ઘનતાએ હાઇડ્રોજન સાયનાઇડ (HCN) અને ફૉર્માલ્ડિહાઇડ નજરે ચડે છે. આને આધારે એમ કહી શકાય કે શ્યામ લઘુગોલકમાં તારકરચના થવા માટેની 109 અણુ/સેમી.3 ઘનતા કરતાં દસ લાખમા ભાગની જ અણુઘનતા છે.

જ્યારે ગાઢા અને વધારે ધૂળિયા આંતરતારકીય વાદળમાં જાતજાતના અણુઓ અને મૂલકો શોધાયા છે. તેમાં સામાન્ય કાર્બનિક અણુઓ H2CO, HCN વગેરેથી માંડીને મિથાઇલ સાયનાઇડ (CH3CN), મિથાઇલ આલ્કોહૉલ (CH3OH) જેવા અણુઓ પણ જોવા મળ્યા છે. સજીવ અંગોને માટે જરૂરી એવા એમિનો ઍસિડની રચનાના આરંભબિંદુ જેવા ઍસેટિલીન (HC3N) અને ઍસિટાલ્ડિહાઇડ (HCOCH3) વગેરે અણુઓનો રેડિયો-ખગોળશાસ્ત્ર દ્વારા શોધાયેલા આંતરતારકીય અણુઓમાં સમાવેશ થાય છે. આવા અણુઓમાં HCOCH3માં સાત પરમાણુઓ હોય છે તો મિથાઇલ ફૉર્મેટ(HCOOCH2) આઠ અને ડાયામિથાઇલ ઈથર {(CH3)2O} અને ઇથાઇલ આલ્કોહૉલ (CH3 CH2OH) નવ નવ પરમાણુઓના બનેલા હોય છે. આ ઉત્સર્જિત રેખાઓની તેજસ્વિતા જોતાં એમ લાગે છે કે મેસર પ્રક્રિયા દ્વારા તેમની તેજસ્વિતામાં વધારો થયો છે.

1971માં એવા બે ઉલ્કાપિંડ મળ્યા છે જેમાં પર્યાપ્ત માત્રામાં કાર્બન જોવા મળે છે. તેમનામાં અનેક પ્રકારના ઍમિનૉઍસિડની હાજરી જણાઈ છે. તે પૈકીના છએક ઍમિનૉઍસિડ તો એવા પ્રકારના છે જેમને સામાન્યત: જીવંત કોષોના અતિઆવશ્યક સંઘટક ગણવામાં આવે છે. આ શોધોએ જોકે એવી સાબિતી પૂરી પાડી નથી કે પાર્થિવેતર જીવન અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એવા પુરાવાઓ તો જરૂરથી પૂરા પાડ્યા છે કે આપણે જે જીવનથી પરિચિત છીએ એવા જીવનને શરૂ થવા માટેનાં પ્રારંભિક દ્રવ્યોની રચના થવા માટે આવશ્યક એવી પ્રક્રિયાઓ તો પૃથ્વી સિવાયની જગ્યાએ પણ થઈ ચૂકી છે.

પ્ર. દી. અંગ્રેજી

સુશ્રુત પટેલ