ખંભાતનો અખાત : તળ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ વચ્ચે આવેલો અરબી સમુદ્રનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 21° 00´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે. ખંભાતનો અખાત કચ્છના અખાતની માફક કોઈ મોટી નદીનું મુખ હોય એમ મનાય છે. સાબરમતી અને સરસ્વતીના કિનારે આવેલાં એકસરખાં તીર્થસ્થાનોને કારણે આ નદી સંભવત: સરસ્વતી હોવાની શક્યતા છે. આ અખાત ઉપર મધ્યયુગનું પ્રખ્યાત બંદર ખંભાત આવેલું હોવાથી તેને આ નામ મળ્યું છે. ઈ. સ.ની શરૂઆતમાં ભરૂચ જ્યારે સમૃદ્ધિની ટોચે હતું ત્યારે આ અખાત ભરૂચના અખાત તરીકે ઓળખાતો હતો. આ અખાતને મથાળે (ઉત્તરે) ભૂતપૂર્વ ખંભાત રાજ્યનો પ્રદેશ, પૂર્વે તળ ગુજરાતનો કિનારો, પશ્ચિમે સૌરાષ્ટ્રનો પૂર્વ કિનારો અને દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે. પૂર્વ તરફ અખાતની હદ સૂરતથી લગભગ મહીના મુખ સુધી અને પશ્ચિમ તરફ ભાવનગર જિલ્લાના ગોપનાથથી સાબરમતીના મુખ સુધી છે. તેના મુખ આગળ સૂરતથી ગોપનાથ સુધીની પહોળાઈ 48 કિમી. અને અંદર મથાળે ઓછામાં ઓછી પહોળાઈ 19.2 કિમી. છે. કુલ લંબાઈ 128 કિમી. છે. અખાતનું મુખ ગોપનાથ આગળ છે. જાફરાબાદ અને દમણ વચ્ચે અખાતની ઊંડાઈ રેતીના પૂરણને કારણે ઓછી છે અને તે વહાણવટા માટે બાધક બને છે.
પીરમ બેટની ઉત્તરેથી ભરતી ઘણા વેગથી આવે છે. 2.15 મીટર ઊંચાં મોજાં પહાડની જેમ ધસે છે અને ભરતી કલાકના 16 કિમી.ની ઝડપે ચડે છે. પાણીનો વેગ એટલો ત્વરિત હોય છે કે જ્યાં ક્ષણ પૂર્વે કોરી ભૂમિ હોય ત્યાં પાણી ફેલાઈ જાય છે અને તેટલી જ ઝડપથી ભરતીનું પાણી પાછું ફરે છે. અમાસ, પૂર્ણિમા અને બીજ-ત્રીજની ભરતી આવી હોય છે, જ્યારે આઠમના જુવાળનો વેગ આટલો ઝડપી હોતો નથી. અખાતના મથાળા પાસે થોડા કિમી.માં ભરતી મોજાંના સ્વરરૂપમાં ઘુઘવાટ સાથે ભીંત રૂપે ધસી આવતી હોય તેમ અસાધારણ ઝડપથી આવે છે. આ ભરતી નદીના મુખમાં દાખલ થઈને વિનાશ વેરે છે. તેને ‘ઘોડો’ કહેવાય છે. હૂગલીમાં પણ આવી જ પરિસ્થિતિ છે. આ ‘ઘોડો’ કિનારાના પ્રદેશોમાં અને પ્રવાહમાં રહેલાં વહાણોને ઘણું નુકસાન કરે છે.
નદીઓના નિક્ષેપને કારણે ખંભાતનો અખાત પુરાતો જાય છે. સલ્તનત કાળ અને તે પૂર્વે (900થી 1572) મોટાં વહાણો ધક્કા સુધી આવતાં હતાં. જહાંગીરના શાસન સમયે મોટાં વહાણો ઘોઘા અટકતાં અને ત્યાંથી હોડીઓ દ્વારા માલની હેરફેર ખંભાત ખાતે થતી હતી. હાલ ખંભાતથી દરિયો બે કિમી. જેટલો દૂર ખસી ગયો છે. ખંભાતનું બંદર 1960 પછી મૃતપ્રાય થયું છે. ખંભાત બંદરના પ્રવેશ પાસે આવેલ ‘બોર રૉક’ વહાણવટા માટે જોખમી છે. મહી, સાબરમતી નદીઓ દ્વારા ચોમાસામાં કાંપ ઠલવાય છે તેથી દરિયો ખસતો ગયો છે અને ત્યાંનાં બંદરો કાંપના પુરાણને કારણે નકામાં બની ગયાં છે.
ખંભાતના અખાતમાં તળ ગુજરાતની સાબરમતી અને તેને મળતી શાખાઓ, મહી, ઢાઢર અને નર્મદા તેમની ઉપનદીઓ સાથે આવીને કાંપ ઠાલવે છે અને સમુદ્રનું પુરાણ કરે છે. સૌરાષ્ટ્ર તરફથી શેત્રુંજી, સુકભાદર, ઉતાવળી, ભોગાવો, કાળુભાર, ઘેલો, માળેશ્રી વગેરે નદીઓ અખાતને મળે છે.
ઇજનેરોના મંતવ્ય પ્રમાણે 465 ગ્રામ પાણીમાં 0.45% જેટલો પંક ઠલવાય છે. ખંભાતના અખાતનું ક્ષેત્રફળ 4,560 ચોકિમી. (2,850 ચોમા.) છે. ઓટ વખતે તે 20 ફૅધમ ઊંડો હોય છે. એટલે જેટલો કાદવ આવે તે ઠરે તો અખાત એક હજાર વર્ષ બાદ સંપૂર્ણ પુરાઈ જાય, પણ ઝડપી ભરતી અને મોજાંને કારણે કાદવનો ઘણો ભાગ દૂર અરબી સમુદ્રમાં પાછો ખેંચાઈ જાય છે.
ખંભાતના અખાત ઉપર ભૂતકાળમાં ખંભાત, કાવી, ધોલેરા, નગરા, વલભીપુર, ગંધાર જેવાં બંદરો હતાં. હાલ ટંકારી, દહેજ, ભરૂચ, મગદલ્લા, હજીરા, સૂરત, ઘોઘા અને સરતાનપર (તળાજા) અને ભાવનગરનાં બંદરો છે. ભાવનગર, મગદલ્લા, ઘોઘા અને દહેજનો વેપાર સમુદ્રમાર્ગે ચાલે છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ, પીરમ, શેત્રુંજીના મુખ પાસેના બેટ તથા ભાવનગરની ખાડી અને ઘોઘા નજીક રોણિયો વગેરે બેટ આવેલા છે. પીરમ બેટમાંથી ગેંડો, હરણ વગેરેના અશ્મીભૂત અવશેષો મળે છે. ખંભાતના અખાતની છાજલીમાંથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મળવાની શક્યતા છે. ગંધારનું તેલક્ષેત્ર કાર્યરત થયું છે. ખંભાતના અખાતમાં આવેલ ભરૂચ અને ખંભાતનાં બંદરોએ ભૂતકાળમાં અનેક દેશોનાં જહાજો અને વેપારીઓ વેપાર અર્થે આવતાં હતાં. ટૉલેમી, પેરિપ્લસના અનામી ગ્રીક ખલાસી લેખકે તથા આરબ અને યુરોપિયન મુસાફરોએ આ બંદરોની જાહોજલાલીની વિગત તેમના પ્રવાસવર્ણનમાં આપી છે. માત્ર 11 મીટરની ભરતીને કારણે બચી ગયેલું ભાવનગરનું મધ્યમ કક્ષાનું બંદર ખંભાતના અખાતનાં બંદરોના ભવ્ય ભૂતકાળની સાખ પૂરે છે. તાજેતરમાં દહેજ-ઘોઘાને જોડતો વિશાળ પુલ બનાવી તેના ઉત્તર તરફના ભાગને ‘કલ્પસર’ નામનું સરોવર નિર્માણ કરવાની યોજના વિચારાઈ રહી છે. આ ઉપરાંત દહેજ-ઘોઘા વચ્ચે ફેરીસેવાનું આયોજન પણ થઈ રહ્યું છે. કલ્પસરના સ્થાનમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. આ અખાતમાં આવતી ઉંચી ભરતીને કારણે અહીં ભરતી દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટેનું આયોજન થયું છે.
શિવપ્રસાદ રાજગોર