ખંભાત : આણંદ જિલ્લામાં ખંભાતના અખાતને મથાળે મહી નદીના મુખ પર આવેલું નગર, ભૂતકાળનું ભવ્ય બંદર, તાલુકામથક તથા એક સમયનું દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° 18´ ઉ. અ. તથા 72° 37´ પૂ. રે. તાલુકાનું ક્ષેત્રફળ અને વસ્તી અનુક્રમે 1191.6 ચોકિમી. અને વસ્તી આશરે 2,58,514 (2022) છે. તે આણંદથી 51, અમદાવાદથી 73 અને વડોદરાથી 78 કિમી. દૂર છે. હાલ પાવરલૂમનું કાપડ તથા અકીકની વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો ચાલુ છે. 1958માં લૂણેજ તેલ અને ગૅસની શોધ થતાં તેનું મહત્ત્વ વધ્યું છે. આ શહેર સૂતરફેણી, હલવાસન અને સૂકાભજિયા માટે વધુ જાણીતુ છે.
ઇતિહાસ : પુરાણો, ઐતિહાસિક ગ્રંથો અને અભિલેખોમાં તેનાં મહીસાગર સંગમક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર, કુમારિકાક્ષેત્ર, સ્તંભતીર્થ, સ્તંભેશ્વરતીર્થ, સ્તંભપુર, મહીનગર, તારકપુર, ત્રંબાવતી (તામ્રલિપ્તિ), ભોગવતી, કર્ણાવતી અને ખંભાયત એવાં નામો મળે છે. તારકાસુરને મારીને કાર્તિકેયે વિજયસ્તંભ ઊભો કર્યો તેથી સ્તંભતીર્થ નામ પડ્યું હોય. ‘સ્કંભ’ ઉપરથી ‘ખંભાત’ નામ પડ્યું હોય એવો પણ મત છે.
રાષ્ટ્રકૂટોએ ભરૂચ જીતી લેતાં ગૂર્જર પ્રતિહારોએ ખંભાતના બંદરને વિકસાવ્યું. સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ તથા વસ્તુપાલના સમયમાં અગિયારથી તેરમી સદીમાં ભારતના મોટા બંદર તરીકે તેનો વિકાસ થયો હતો.
સુલેમાન સૈશફી (850), ખુરદાદબા (865), અલ મસૂદી (913-14), ઇબ્ન હૌકલ (968), અલ ઇદ્દીસી (1100), માર્કો પોલો (1290), ઇબ્ન બતૂતા (1345) તથા યુરોપિયન પ્રવાસીઓએ તેની સમૃદ્ધિ, વેપાર, મહાલયો, મસ્જિદો વગેરેની પ્રશંસા કરી છે. ગુજરાતનો સુલતાન ‘ખંભાતના રાજા’ તરીકે અને મુઘલ સમ્રાટ ‘ખંભાતના પાદશાહ’ તરીકે ઓળખાતા હતા તે બાબત ખંભાતનું મહત્વ સૂચવે છે. સૂરતના ઉદય પૂર્વે સત્તરમી સદી સુધી તેની જાહોજલાલી જળવાઈ રહી હતી.
ખંભાતનું દેશી રાજ્ય મુઘલ સત્તા નબળી પડતાં 1730 પછી અસ્તિત્વમાં આવ્યું હતું. તેનો વિસ્તાર 560 ચોકિમી. હતો અને તેમાં બે શહેર અને 88 ગામો હતાં. સૌપ્રથમ શાસક મોમિનખાન પહેલો હતો. હુસૈન યાવરખાન મોમિનખાન સાતમો છેલ્લો શાસક હતો. (1930-47). તેનું રૂ. 1,38,000નું સાલિયાણું હતું, જે ડિસેમ્બર, 1971માં બંધ કરાયું હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત, માળવા, રાજસ્થાન અને પંજાબથી કાશ્મીર સુધીનો તેનો પીઠપ્રદેશ હતો. અહીંથી સુતરાઉ અને રેશમી કાપડ, અકીકની વસ્તુઓ, ગળી, ઔષધિઓ, અનાજ, ખાંડ, ચામડાની વસ્તુઓ, કાગળ, તાળાં, મરીમસાલા, નીલમ વગેરેની નિકાસ થતી હતી. કલાઈ, સીસું, રૂપું, પારો, હિંગળોક, ફટકડી, ચંદન, હાથીદાંત, લોબાન, અંબર, ઘોડા વગેરેની આયાત થતી હતી. જહાંગીરના સમયમાં કાંપથી બારું પુરાવાથી મોટાં વહાણો ઘોઘા સુધી અને ત્યાંથી નાનાં વહાણો અને મછવા દ્વારા માલની હેરફેર થતી હતી. ઈરાન, અરબસ્તાન, પૂર્વ આફ્રિકાના દેશો, કોંકણ, મલબાર, લંકા, મલાયા, જાવા, સુમાત્રા અને ચીન સુધી તેનો બહોળો વેપાર હતો. તેની આયાતનિકાસ 20થી 25 લાખની હતી. 1965-66થી આ બંદર કાંપના જમાવને કારણે નકામું થયું છે. હવે તેનો બંદર તરીકે ઉપયોગ થતો નથી.
અહીં વસ્તુપાલે બંધાવેલાં પ્રાચીન જૈન મંદિરો, હિંદુ મંદિરો, મસ્જિદો વગેરે આવેલાં છે. જુમા મસ્જિદ 1325માં બંધાયેલી છે. જૈન મંદિરો 13થી 14મી સદીનાં છે. 70 મસ્જિદો, 100 શૈવમંદિરો, 25 શક્તિમંદિરો, 30 વૈષ્ણવમંદિરો વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં તેમની કોઠી નાખી હતી. ખંભાતમાં 5 કૉલેજો, 8 માધ્યમિક શાળાઓ, 22 પ્રાથમિક શાળાઓ, 3 પુસ્તકાલયો, જૈન હસ્તલિખિત ગ્રંથભંડાર અને એક સંગ્રહસ્થાન આવેલાં છે. ખંભાત બંદર તરીકે ભાંગી જતાં અમુક વેપારી વર્ગે અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળોએ સ્થળાંતર કર્યું છે.
શિવપ્રસાદ રાજગોર