ખંડપર્વત (block mountain) : પર્વતનો એક પ્રકાર. ભૂસંચલન ક્રિયાઓને કારણે ભૂપૃષ્ઠમાં બે લાંબા, સમાંતર, સ્તરભંગ પડે ત્યારે વચ્ચેનો ભાગ સ્થિર રહે કે ઉપર તરફ ખસે અને બાજુના બે ભૂમિભાગ નીચે બેસી જાય ત્યારે જે પર્વતરચના થાય તેને ખંડપર્વત કહેવાય છે.
સ્તરભંગને કારણે ઊંચકાયેલો વચ્ચેનો ભાગ ઉચ્ચપ્રદેશ કે ડુંગરધારનું સ્વરૂપ ધારણ કરે છે. યુરોપના હર્સિનિયન પર્વત સંકુલમાંના વૉસ્જિસ પર્વત, બ્લૅક ફૉરેસ્ટ પર્વત, જર્મનીનો હાર્ટ્સ પર્વત તેમજ નૈર્ઋત્ય આફ્રિકામાં કલહરી રણની નૈર્ઋત્યમાં આવેલો ખરસ પર્વત આ પ્રકારનાં ઉદાહરણો છે. સ્તરભંગથી રચાતા આ પ્રકારના રચનાત્મક ખંડભાગને જર્મન ભાષામાં ‘હાર્ટ્સ’ કહે છે.
ગિરીશભાઈ પંડ્યા