ખંડનિર્માણ ભૂસંચલન

January, 2010

ખંડનિર્માણ ભૂસંચલન (epeirogenic movements) : ભૂસંચલનની ક્રિયાથી ખંડીય ભૂમિભાગ બનવાની ઘટના. ભૂસંચલન અને જ્વાળામુખીની પ્રક્રિયા થવા માટે પોપડાની અંદર ઊંડાઈએ ઉત્પન્ન થતાં વિરૂપક બળોને કારણભૂત ગણાવેલાં છે. આ પ્રકારની ક્રિયાઓ પૃથ્વીની સપાટીના ભૂમિભાગોનું ઉત્થાન દ્વારા નિર્માણ કરવામાં મોટો ભાગ ભજવે છે, જેને પરિણામે ખંડીય વિસ્તારોને સમુદ્રસપાટી સુધી ઘસાઈ જતાં અટકાવવામાં મદદરૂપ બની રહે છે.

ભૂસંચલનક્રિયાના બે પ્રકારો છે :

1. ગિરિનિર્માણ ક્રિયા (orogeny) . એમાં વિરૂપક બળો મોટા પાયા પરના રચનાત્મક ફેરફારો લાવી મૂકે છે.

2. ખંડનિર્માણ ક્રિયા (epeirogeny). એમાં માત્ર ભૂમિઉત્થાન (ક્વચિત્ અવતલન પણ) થાય છે, રચનાત્મક ફેરફારો નહિવત્ હોય છે.

ખંડીય ભૂમિભાગો કે સમુદ્રથાળાં આ રીતે થતી પુનર્ગોઠવણીને પરિણામે ઉત્થાન પામી ભૂમિસ્વરૂપોમાં ફેરવાય છે. ખંડીય ભૂમિભાગો ભૂસંચલનની ક્રિયાથી ઉત્થાન પામતા હોઈ આ પ્રકારની ઘટનાને ખંડનિર્માણ ભૂસંચલન કહેવાય છે. ખંડનિર્માણ ક્રિયાથી ઊપસી આવતા ભૂમિભાગો સમગ્રપણે સમાન લક્ષણોવાળા હોય છે. તેમના ખડકસ્તરોની મૂળભૂત ક્ષિતિજસમાંતરતા લગભગ જળવાઈ રહે છે. તેમાં ગેડીકરણ થતું હોતું નથી. સ્તરો સીધેસીધા ઊર્ધ્વગમન પામતા હોવાથી ક્યારેક ઢળતા બની જાય છે, ક્યારેક સ્તરોમાં અરસપરસ વીંટળાવાની ક્રિયા થાય છે, તો ક્યારેક નજીવા પ્રમાણમાં સ્તરભંગરચના પણ ઉત્પન્ન થતી હોય છે.

યુ.એસ.ના મધ્યભાગમાં આવેલો કૉલોરાડોનો ઉચ્ચપ્રદેશ આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ છે. તેમાં જોવા મળતા સ્તરો ક્ષિતિજસમાંતર છે, ગેડીકરણરહિત છે તથા ઉપરનો ભાગ સમતલ સપાટ છે. આ ઉચ્ચપ્રદેશ ક્રિટેશિયસ કાળના અંત (આજથી 6.5 કરોડ વર્ષ અગાઉ) સુધી તો લગભગ સમુદ્રસપાટીએ હતો, ત્યાર પછી તે ક્રમે ક્રમે બે તબક્કામાં ઊંચકાયો છે. પ્રથમ તબક્કો અંતિમ માયોસીનથી પ્લાયોસીન સુધીમાં થયેલો; તેની સાથે લાવાનાં પ્રસ્ફુટનો પણ થયેલાં; તે પછી વધુ તીવ્રતાવાળો બીજો તબક્કો થયો. આ રીતે તેનું ખંડનિર્માણ થયેલું છે. તે પછીથી તે ઘસાતો ગયેલો છે. કૉલોરાડો નદીએ તેમાં ઘણાં ઊંડાં કોતરો પણ રચ્યાં છે. અત્યારે તેની દક્ષિણ કિનારીની ઊંચાઈ 2,400 મીટર અને ઉત્તર કિનારીની ઊંચાઈ 1,800 મી.ની છે. તે ઉત્તર તરફ આછો ઢળતો હોવા છતાં વિશાળ વિસ્તાર(ગ્રેટ બ્રિટન જેટલો)વાળો હોઈ ઉપરથી સમતલ સપાટ જણાય છે.

ભારતમાં જોવા મળતો વિંધ્યપ્રદેશ પણ ખંડનિર્માણ ઊર્ધ્વગમનની ક્રિયાનું જ પરિણામ છે. અરવલ્લી પર્વતમાળાની ઉત્પત્તિ (170 કરોડ વર્ષ અગાઉ) બાદ તેના અગ્નિકોણમાં સ્થિત સમુદ્રથાળામાં જામેલા વિંધ્યરચનાના સ્તરોનું ઉત્થાન એ દ્વીપકલ્પીય ભારતના ઇતિહાસમાં નોંધાયેલી ભૂસંચલન ખંડનિર્માણ ક્રિયાની છેલ્લી મોટી ઘટના ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા