ખંડ (continent) : વિશાળ ભૂમિસમૂહ. પૃથ્વીની ર્દશ્યમાન સપાટી ભૂમિસમૂહ અને જલસમૂહ જેવા બે વિભાગમાં વહેંચાઈ ગયેલી છે. ભૂમિસમૂહો પૃથ્વીની કુલ સપાટીનો 1⁄3 ભાગ રોકે છે, જે મોટે ભાગે જુદા જુદા જલસમૂહોને કારણે એકબીજાથી અલગ પડે છે. ભૂમિસમૂહો ખંડો અને જલસમૂહો સમુદ્ર કે મહાસાગર તરીકે ઓળખાય છે. મુખ્ય ખંડો એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કિટકા છે. ખંડો પરનું સ્થળર્દશ્ય પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો અને ખીણપ્રદેશો જેવા જુદા જુદા ભૂમિઆકારોમાં વહેંચાયેલું જોવા મળે છે. ખંડો પરનું ઊંચામાં ઊંચું ગિરિશિખર માઉન્ટ એવરેસ્ટ 8,852 મી.ની ઊંચાઈ ધરાવતું હોવા છતાં ભૂમિભાગની સરેરાશ ઊંચાઈ તો માત્ર 840 મી.ની છે. ખંડોની નીચેનો પોપડો (સિયલ) SIAL સિલિકા અને ઍલ્યુમિનિયમના બંધારણવાળો હોઈ, સમુદ્રની નીચેના પોપડા કરતાં હલકો તથા ઓછી ઘનતાવાળો હોય છે. આ ભાગમાં થતી આગ્નેય પ્રક્રિયાઓ પણ મહદંશે ગ્રૅનાઇટ જેવા ખડક-બંધારણવાળી હોય છે.
ઉત્તર ગોળાર્ધમાં ખંડો સંકેન્દ્રિત છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે છૂટા છૂટા છે. આ કારણે ઉત્તર ગોળાર્ધને ભૂમિ ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને જલગોળાર્ધના નામે પણ ઓળખવામાં આવે છે.
ખંડો ભૂમિના બનેલા હોઈ ભૂમિની ટકાવારી નીચે પ્રમાણે આપી શકાય :
સમગ્ર પૃથ્વી
ઉત્તર ગોળાર્ધ ભૂમિ ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ જલગોળાર્ધ |
: 29 % ભૂમિ.
: 39 % ભૂમિ. : 49 % ભૂમિ. : 19 % ભૂમિ. : 9 % ભૂમિ. |
ગિરીશભાઈ પંડ્યા