ક્ષેત્રસિદ્ધાંત : કુર્ત લ્યૂઇન અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યકારણ સંબંધોનું પૃથક્કરણ કરવા અપનાવવામાં આવેલી પદ્ધતિ. કે. કોફકા અને ડબ્લ્યૂ. કોહલરે વિકસાવેલી સમષ્ટિવાદની વિભાવના કુર્ત લ્યૂઇને (1890-1947) અપનાવી અને તેમાં ફેરફાર કર્યો. ક્ષેત્રસિદ્ધાંત મુજબ પ્રત્યેક વર્તન ક્ષેત્રવર્તન છે. ક્ષેત્રસિદ્ધાંત મુજબ, વર્તન જે સંજોગોમાં થતું હોય તે સંજોગોની તપાસ દ્વારા વર્તનનું પ્રત્યેક પૃથક્કરણ આરંભાય છે. અહીં ભૌતિક સંજોગો નહિ, પરંતુ વ્યક્તિ દ્વારા અનુભવાતા સંજોગોને લક્ષમાં લેવામાં આવે છે.

પ્રસ્તુત સૈદ્ધાન્તિક અભિગમમાં અભ્યાસ હેઠળની ઘટનાઓને ક્ષેત્રમાં બનતી ઘટનાઓ ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ ઘટના એકસાથે અસ્તિત્વ ધરાવતી, પરસ્પરાવલંબી હકીકતોની સમગ્રતાનો એક ભાગ છે.

કુર્ત લ્યૂઇને ભારપૂર્વક જણાવ્યું કે જો મનોવિજ્ઞાનને ચુસ્ત અર્થમાં વિજ્ઞાન બનાવવું હોય તો વર્તનના નિર્ધારકોને ગાણિતિક પરિભાષામાં રજૂ કરવા જોઈએ. પરિણામે તેમણે તેમના સિદ્ધાંતને આકૃતિઓમાં રજૂ કરવા માટે બે મનોવૈજ્ઞાનિક ભૂમિતિઓની રચના કરી : સ્થળવિદ્યાકીય અવકાશ (topological space) અને પથશાસ્ત્રીય અવકાશ (hodological space).

સ્થળવિદ્યાલક્ષી મનોવિજ્ઞાન : ક્ષેત્રસિદ્ધાંતમાં સમજાવવામાં આવતા સંબંધોને આકૃતિમાં મૂકવાની પદ્ધતિ પૂરી પાડે છે. સ્થળવિદ્યાકીય પરિભાષામાં સમજાવવામાં આવતી વિભાવનાઓને આધારે કોઈ પણ નક્કી કરી શકે કે અમુક ચોક્કસ જીવન-અવકાશ(life space)માં કઈ ઘટનાઓ શક્ય છે અને કઈ ઘટનાઓ શક્ય નથી. સ્થળવિદ્યાકીય અવકાશને સ્પષ્ટ કરતી કેટલીક વિભાવનાઓ આ પ્રમાણે છે : જીવન-અવકાશ, વર્તન, પર્યાવરણ, વ્યક્તિ, પ્રદેશ, સંચલન અને સીમા.

લ્યૂઇનના મતે જીવન-અવકાશ કે મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર પાયાની વિભાવના છે. જીવન-અવકાશમાં વ્યક્તિ તેમજ પર્યાવરણનો સમાવેશ થાય છે. વિચારવું, ક્રિયા કરવી, સ્વપ્ન જોવું, આશા રાખવી ઇત્યાદિ બધી મનોવૈજ્ઞાનિક ઘટનાઓ જીવન-અવકાશનું કાર્ય (function) છે. જીવન-અવકાશ એટલે મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર કે સમગ્ર પરિસ્થિતિ. અમુક ચોક્કસ ક્ષણે વ્યક્તિ કયું વર્તન કરશે તે નક્કી કરતી, એકસાથે અસ્તિત્વ ધરાવતી અનેકવિધ હકીકતો એટલે જ જીવન-અવકાશ. આમ જીવન-અવકાશમાં વ્યક્તિ કે જૂથ માટે અમુક ચોક્કસ સમયબિંદુએ અસ્તિત્વ ધરાવતી બધી જ હકીકતોનો સમાવેશ થાય છે અને અસ્તિત્વ ન ધરાવતી તમામ હકીકતો બાકાત રહે છે.

વ્યક્તિના જીવન-અવકાશમાં તેના વર્તનને અસર કરતાં પદાર્થો, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. વ્યક્તિના વર્તનનો આધાર કેવળ આસપાસની પરિસ્થિતિ પર નથી, પરંતુ વ્યક્તિ પરિસ્થિતિને કઈ રીતે જુએ છે તેમજ વ્યક્તિ વર્તમાનમાં કઈ કઈ જરૂરિયાતો કેટલા પ્રમાણમાં ધરાવે છે તેના પર રહેલો છે. વ્યક્તિનું વર્તન તેના પ્રત્યક્ષીકરણ અને વર્તમાન જરૂરિયાતો દ્વારા નક્કી થાય છે. આમ જીવન-અવકાશ વ્યક્તિના વર્તનને ઘડે છે. જીવન-અવકાશ વ્યક્તિનું વાર્તનિક ક્ષેત્ર છે.

વ્યક્તિનું વર્તન તેના જીવન-અવકાશ(L)નું કાર્ય કરે છે. B = f(Ls) અને જીવન-અવકાશ વ્યક્તિ (Person = P) અને પર્યાવરણ (Environment = E) વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. પ્રતીકાત્મક રજૂઆતમાં, B = f(LS) = f(P, E). લ્યૂઇને વર્તન શબ્દ જીવન-અવકાશમાં મનોવૈજ્ઞાનિક નિયમોને આધીન થતા કોઈ પણ પરિવર્તનને માટે પ્રયોજ્યો છે. નિરીક્ષિત પર્યાવરણમાં નિરીક્ષિત વર્તન ઉપરથી જીવન-અવકાશ(કે વ્યક્તિ)નાં લક્ષણો તારવવામાં આવે છે. તે ઉપરાંત, લ્યૂઇને ‘વર્તન’ શબ્દનો ઉપયોગ, જેનું પ્રત્યક્ષ રીતે નિરીક્ષણ ન થઈ શકે પરંતુ જેને અનુમાની શકાય તેવી બાબતો માટે પણ પ્રયોજ્યો છે. વ્યક્તિ અને વસ્તુલક્ષી પર્યાવરણ વચ્ચેની, નિરીક્ષણ થઈ શકે તેવી આંતરક્રિયા માટે પણ ‘વર્તન’ શબ્દ ‘પ્રયોજાયો’ છે.

અમુક ચોક્કસ ક્ષણે વ્યક્તિને અસર કરતી વસ્તુલક્ષી ઉદ્દીપક પરિસ્થિતિ માટે લ્યૂઇને ‘પર્યાવરણ’ શબ્દ પ્રયોજ્યો છે. તેણે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ માટે પણ આ શબ્દ પ્રયોજ્યો છે. વ્યક્તિના મનોવૈજ્ઞાનિક પર્યાવરણનો આધાર વસ્તુલક્ષી પર્યાવરણનાં લક્ષણો તેમજ વ્યક્તિનાં લક્ષણો વચ્ચેની આંતરક્રિયા પર છે. આમ વ્યક્તિના પોતાના માટે જે પર્યાવરણ અસ્તિત્વ ધરાવે છે તે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ છે.

લ્યૂઇને ‘વ્યક્તિ’ શબ્દ ત્રણ રીતે પ્રયોજ્યો છે : (1) જીવન-અવકાશ ઉત્પન્ન કરતા વ્યક્તિના ગુણધર્મો (તેની જરૂરિયાતો, માન્યતાઓ અને મૂલ્યો, પ્રત્યક્ષીકરણ અને ચેષ્ટાનાં તેનાં તંત્રો), (2) જીવન-અવકાશ, (3) જીવન-અવકાશમાંની વ્યક્તિ કે વર્તન કરનાર વ્યક્તિ (behaving self).

‘પ્રદેશ’(region) એટલે જીવન-અવકાશનો જુદો પાડી શકાય તેવો કોઈ પણ ભાગ. જીવન-અવકાશના દરેક ભાગને પ્રદેશ કહે છે. જીવન-અવકાશ પોતે જ એક મોટો પ્રદેશ છે અને તેમાં સમાયેલી વ્યક્તિ પણ એક પ્રદેશ જ છે.

જીવન-અવકાશની અંદર પ્રદેશના સ્થાનમાં ફેરફાર થતા હોય છે. આવા ફેરફારને સંચલન (locomotion) કહે છે. અહીં મનોવૈજ્ઞાનિક પર્યાવરણમાંના વિભાગોના સંચલનને બદલે વર્તન કરતી વ્યક્તિના સંચલનનો ઉલ્લેખ છે. જીવન-અવકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સંચલન કરતી વખતે વર્તન કરતી વ્યક્તિએ પોતાના વર્તમાન સ્થાનથી અંતિમ સ્થાને પહોંચવા માટે પાડોશી પ્રદેશોમાં થઈને ગતિ કરવી પડે છે.

પ્રત્યેક પ્રદેશને સીમા (boundary) દ્વારા પૃથક પાડવામાં આવે છે. કેટલીક વખત સીમાઓ સહેલાઈથી ઓળંગી શકાય છે તો કેટલીક વખત તે ખૂબ જ પ્રતિરોધક હોય છે. આમ સીમા સંચલનમાં અવરોધ તરીકે કામ કરે છે.

સ્થળવિદ્યાના ઉપયોગના સંદર્ભમાં ક્ષેત્રસિદ્ધાંત સમષ્ટિવાદથી જુદો પડે છે. સ્થળવિદ્યા ગણિતશાસ્ત્રની શાખા છે, જેમાં માપ નહિ પરંતુ પ્રદેશો મુખ્ય ભાગ ભજવે છે; જેમ કે, અમદાવાદથી દિલ્હીની મુસાફરીનું માપન કિલોમીટરમાં નહિ, પરંતુ પાર કરવા પડતાં રાજ્યોના સંદર્ભમાં કરવામાં આવે. જીવન-અવકાશ કે જેમાં વર્તન થાય છે તેનો બોધાત્મક નકશો આકૃતિમાં રજૂ કરવામાં આવ્યો છે.

વ્યક્તિનો જીવન-અવકાશ બદ્ધ તંત્ર નથી. વ્યક્તિના તત્કાલીન મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં ન હોય તેવાં પરિબળો પણ તેના વર્તનને પ્રભાવિત કરે છે, જેને લ્યૂઇન વિદેશી પરિબળ (foreign hull) તરીકે ઓળખાવે છે. તેમાં વ્યક્તિના પ્રત્યક્ષીકરણના ક્ષેત્રમાં ન આવતું બાકીનું પર્યાવરણ સમાવિષ્ટ છે. એટલે વ્યક્તિ જેનાથી સભાન ન હોય તેવા પદાર્થો અને માણસોનો તેમાં સમાવેશ થાય છે. વિદેશી પરિબળોમાંની વિગતનું જો વ્યક્તિને પ્રત્યક્ષીકરણ થાય તો તે વિગત વ્યક્તિના જીવન-અવકાશમાં પ્રવેશે છે. આમ જીવન-અવકાશની સીમાઓ ખુલ્લી હોય છે.

આકૃતિ 1 : કારકિર્દી-આયોજન : સ્થળવિદ્યાકીય સમસ્યા તરીકે વ્યક્તિ, (વ્ય) ડૉક્ટર બનવા માગે છે. આ લક્ષ્ય (લ) પ્રાપ્ત કરવા માટે તેણે કેટલીક આવશ્યકતાઓ પૂરી કરવી પડે. આ આવશ્યકતાઓને લ્યૂઇન પ્રદેશો તરીકે રજૂ કરે છે. S – વિજ્ઞાન-ગણિત સાથે ન્યૂ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા (ઉચ્ચ ટકાવારી સહિત); H – એચ.એસ.સી.ની વિજ્ઞાન-પ્રવાહની પરીક્ષા (ઉચ્ચ ટકાવારી સહિત); M – મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી MBBSની પરીક્ષા; i = ઇન્ટર્નશિપ; Pr – તબીબી પ્રૅક્ટિસ

બાળક જેમ મોટું થતું જાય છે તેમ તેનો જીવન-અવકાશ વધુ જટિલ થતો જાય છે. બાળકનો જીવન-અવકાશ નાનો હોય છે પરંતુ પુખ્ત વ્યક્તિનો જીવન-અવકાશ જુદા જુદા પ્રદેશોમાં વિભાજિત હોય છે. જ્યારે પ્રદેશોની સીમા સ્પષ્ટપણે પાડવામાં આવી ન હોય ત્યારે પ્રદેશો પરસ્પર વ્યાપ્ત બને છે. આ મુદ્દો સ્પષ્ટ કરવા માટે લ્યૂઇન તરુણનું ર્દષ્ટાંત આપે છે. બાળકનો જીવન-અવકાશ સ્પષ્ટ હોય છે અને તેમાં અમુક પ્રવૃત્તિઓની સ્વતંત્રતા અને અમુક પ્રવૃત્તિઓની મનાઈ હોય છે. પુખ્ત વ્યક્તિનો જીવન-અવકાશ પણ સ્પષ્ટ હોય છે : પુખ્ત વ્યક્તિએ બાલિશ પ્રવૃત્તિઓ ટાળવાની હોય છે, પરંતુ બાળકને ઉપલબ્ધ ન હોય તેવી અનેક તકો તેને સાંપડે છે. તરુણ-તરુણીઓ સ્પષ્ટ વિકલ્પો જોતાં નથી. પુખ્ત વ્યક્તિના પ્રદેશમાં પ્રવેશવા તેઓ ઇચ્છે છે, પરંતુ પુખ્તો સ્વીકારશે કે કેમ તેની તેમને ચોક્કસ ખાતરી હોતી નથી. આવી સંદિગ્ધતાને લીધે તરુણોમાં ચિંતા ઉદભવે છે.

સ્થળવિદ્યાકીય વિભાવનાઓ દ્વારા કેવા પ્રકારની ગતિ થશે તે નક્કી કરી શકાય છે, પરંતુ પરિણામ વિશેની આગાહી કરી શકાતી નથી. આથી મનોવિજ્ઞાનમાં દિશાની વિભાવના સમજવા માટે કુર્ત લ્યૂઇને નવી ગુણાત્મક ભૂમિતિ પ્રયોજી. આ ભૂમિતિને તે પથશાસ્ત્રીય અવકાશ (hodological space) કહે છે. પથશાસ્ત્રીય અવકાશની ભૂમિતિ દ્વારા જીવન-અવકાશમાંની દિશા રજૂ કરવામાં આવે છે. પરિસ્થિતિ મુજબ માર્ગનું સ્વરૂપ બદલાય છે. માર્ગની દિશા ઉપર ક્ષેત્રના ગુણધર્મો અસર કરે છે. જીવન-અવકાશમાંની દિશા બોધાત્મક તંત્ર (cognitive structure) ઉપર આધાર રાખે છે. જો આપેલા લક્ષ્યને સિદ્ધ કરવા માટેનાં સોપાનોના અનુક્રમ વિશે વ્યક્તિને સ્પષ્ટ જ્ઞાન ન હોય તો તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરૂરી સંચલનની દિશાથી તે બેખબર રહે છે. મોટા ભાગની નવી પરિસ્થિતિઓ બોધાત્મક રીતે અરચિત હોય છે અને તેથી વ્યક્તિનું વર્તન અન્વેષણાત્મક, પ્રયત્ન અને ભૂલયુક્ત, દ્વિધાયુક્ત તેમજ વિરોધી હોય છે. લ્યૂઇન કહે છે કે તરુણોનું વર્તન આવું હોય છે કારણ કે બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થામાં થતું પરિવર્તન વત્તેઓછે અંશે અજ્ઞાત સ્થાન તરફની સંક્રાંતિ છે.

લ્યૂઇનની ભૌમિતિક વિભાવનાઓ અને સદિશ મનોવિજ્ઞાન (vector psychology) પરસ્પરાવલંબી છે. સદિશ મનોવિજ્ઞાનની મુખ્ય ગત્યાત્મક વિભાવનાઓ આ પ્રમાણે છે : તણાવ, કર્ષણમૂલ્ય, ચાલક બળ, અવરોધક બળ, સંભાવ્ય શક્તિ. પ્રસ્તુત ગત્યાત્મક વિભાવનાઓ શક્ય મનોવૈજ્ઞાનિક ઘટનાઓનો કયો ગણ ઉદભવશે તે નક્કી કરવામાં સહાયભૂત થાય છે.

તણાવ કે તાણ (tension) એટલે જરૂરિયાત સાથે સંબંધ ધરાવતી આવેગાત્મક સ્થિતિ. જ્યારે મનોવૈજ્ઞાનિક જરૂરત કે ઇરાદો અસ્તિત્વ ધરાવે ત્યારે વ્યક્તિમાં તણાવની સ્થિતિ અસ્તિત્વમાં છે તેમ કહેવાય. જ્યારે શિશુમાં ખોરાકની જરૂરિયાત ઉદભવે ત્યારે તેનામાં તણાવ ઉદભવે છે. ખોરાક લેવાથી તણાવમાં ઘટાડો થાય છે. પર્યાવરણના પદાર્થો દ્વારા પણ તણાવ ઉદભવે છે. બાળક સંતોષકારક રીતે રમતું હોય તે વખતે એની સમક્ષ સફરજન લાવવામાં આવે તો તે જોઈને જરૂરિયાત જાગ્રત થાય છે અને તણાવ ઉદભવે છે. જરૂરિયાત અને તણાવ વચ્ચે કાર્યકારણ સંબંધ નથી, બંને એક જ પ્રક્રિયાનાં બે પાસાં છે.

આકૃતિ 2

પરીક્ષાના સમયે ભણવાની બાબત તણાવ ઉત્પન્ન કરે છે અને સમય પસાર થઈ ગયા બાદ તેની અવગણના થાય છે. ઉપરની આકૃતિમાં વિધાયક કર્ષણમૂલ્ય(દા. ત., રમકડું)થી આકર્ષાયેલા શિશુનો કિસ્સો રજૂ કર્યો છે; જ્યાં સુધી બાળક રમકડું મેળવે નહિ અથવા તો પરિસ્થિતિમાંથી હઠી ન જાય ત્યાં સુધી તણાવ ચાલુ રહે છે.

ઉપરના મુદ્દાને તાર્કિક રીતે આગળ વિસ્તારીને, લ્યૂઇનની શિષ્યા બી. ઝાઇગાર્નિકે એવી ઉત્કલ્પના રજૂ કરી કે તણાવ સારી સ્મૃતિમાં પરિણમે છે. તેની ચકાસણી માટે તેમણે પ્રયોગ કર્યો. તેમણે મોટાં બાળકો(પ્રયોગપાત્રો)ને કેટલાંક કાર્યો સંપૂર્ણ થાય ત્યાં સુધી કરવા દીધાં અને કેટલાંક કાર્યોને પૂરાં થાય તે પહેલાં અટકાવ્યાં. પ્રયોગપાત્રોએ સમયાવધિમાં પૂરાં ન કરી શકાતાં કાર્યોનું અર્થઘટન નિષ્ફળતા તરીકે કર્યું, પરિણામે તણાવ ઉદભવ્યો. સ્મૃતિકસોટીમાં ઝાઇગાર્નિકને જોવા મળ્યું કે અવરુદ્ધ, અપૂર્ણ કાર્યોનું પુનરાવાહન (recall) પૂર્ણ કાર્યો કરતાં 2.5 ગણું અધિક હતું.

વ્યક્તિના જીવન-અવકાશમાંનો પ્રદેશ કાં તો વ્યક્તિને આકર્ષે છે અથવા તો તેનામાં ઘૃણા ઉત્પન્ન કરે છે. આને લ્યૂઇન કર્ષણમૂલ્ય (valence) કહે છે. આ પરિભાષા તેમણે રસાયણશાસ્ત્રમાંથી પ્રયોજી છે. વિધાયક કર્ષણમૂલ્ય ધરાવતો પ્રદેશ વ્યક્તિને આકર્ષે છે અને નિષેધક કર્ષણમૂલ્ય ધરાવતો પ્રદેશ વ્યક્તિમાં ઘૃણા ઉત્પન્ન કરે છે. જે પદાર્થો વ્યક્તિની જરૂરિયાતો સંતોષતા હોય કે તેના માટે આકર્ષક હોય તેનું કર્ષણમૂલ્ય વિધાયક કહેવાય અને જે પદાર્થો વ્યક્તિ માટે ધમકીરૂપ કે અરુચિકર હોય તેનું કર્ષણમૂલ્ય નિષેધક કહેવાય. લ્યૂઇનના મતે કર્ષણમૂલ્ય પદાર્થનો વિભાવનાત્મક ગુણધર્મ છે. દા. ત., ભૂખ્યા બાળક માટે સફરજનનું કર્ષણમૂલ્ય વિધાયક છે, પરંતુ જે બાળકે હમણાં જ અડધો ડઝન તાજાં સફરજન ખાધાં હોય તેના માટે સફરજનનું કર્ષણમૂલ્ય નિષેધક છે. કર્ષણમૂલ્ય કે બળની અસરકારક પ્રબળતાને પ્રભાવિત કરનારા ઘટકને સંભાવ્યશક્તિ (potency) કહે છે.

ગણિતશાહ્ાની પરિભાષામાં દિશા સૂચવતી રેખાને ‘સદિશ’ (vector) કહે છે. પદાર્થોના કર્ષણમૂલ્યની પ્રબળતા અને દિશા દર્શાવવા માટે લ્યૂઇને આ શબ્દ પ્રયોજ્યો છે. જો સદિશ વ્યક્તિ સાથે ટકરાય તો સદિશ દ્વારા સૂચવાતી દિશામાં તે વ્યક્તિ સંચલન કરશે. જો જીવન-અવકાશમાં એક કર્ષણમૂલ્ય ઉપસ્થિત હોય તો સંતુલન (equilibrium) તૂટી જાય છે અને જ્યાં સુધી કર્ષણમૂલ્યવાળા પદાર્થ સુધી વ્યક્તિ પહોંચે નહિ ત્યાં સુધી તણાવ ચાલુ રહે છે. ચાલક બળો (driving forces) વ્યક્તિને સંચલન માટે દોરે છે. અવરોધક બળો (restrainingforces) સંચલન માટે દોરતાં નથી, પરંતુ ચાલક બળોના પ્રભાવને અસર કરે છે. સંચલનને અવરોધતો કોઈ પણ પ્રદેશ એટલે કે સંચલન માટેનો કોઈ પણ અવરોધ સીમા પાસે અવરોધક બળ ઊભું કરે છે. લગભગ સમાન શક્તિ ધરાવતાં પરસ્પર વિરુદ્ધ દિશાનાં બળો વ્યક્તિ ઉપર એકસાથે દબાણ કરે ત્યારે સંઘર્ષ (conflict) પરિણમે છે (લ્યૂઇન, 1935). બે સંઘર્ષાત્મક આકર્ષણમૂલ્યો હોય ત્યારે સંતુલન વ્યાપકપણે વિચ્છિન્ન થાય છે. લ્યૂઇનનું કર્ષણમૂલ્ય – સદિશ તંત્ર સંઘર્ષોનું વર્ગીકરણ અને તેનાં પરિણામોની આગાહી કરવાનો ઉપયોગી માર્ગ પૂરો પાડે છે.

ક્ષેત્રસિદ્ધાંતનું પ્રદાન એ છે કે મનોવૈજ્ઞાનિક ઘટનાઓનો ખુલાસો મનોવૈજ્ઞાનિક પરિભાષામાં આપવો જોઈએ એવું તેમાં ભારપૂર્વક સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેને લીધે પ્રેરણા અને લક્ષ્યગામી વર્તન જેવાં અભ્યાસક્ષેત્રોને મનોવિજ્ઞાનમાં વાજબી મહત્વ મળ્યું છે. મનોવૈજ્ઞાનિક ઘટનાઓને એકબીજાના આંતરસંબંધમાં સમજવાની અને વ્યક્તિઓને અન્ય વ્યક્તિઓના સંબંધમાં સમજવાની જરૂરિયાત ક્ષેત્રસિદ્ધાંત દ્વારા વધુ સ્પષ્ટ થઈ છે. જોકે તેની ગાણિતિક પરિભાષા કે તેનાં મૉડેલોનો ઉપયોગ વર્તમાન મનોવિજ્ઞાનમાં અનિવાર્ય જણાતો નથી.

બિપીનચંદ્ર મગનલાલ કૉન્ટ્રાક્ટર