ક્ષારયુક્ત જમીન : પાકની વૃદ્ધિને અવરોધે તેટલી હદ સુધીનો ક્ષાર ધરાવતી જમીન. આવી જમીનને જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં તેને ખાર અગર લૂણો અગર પડો કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક પરિભાષામાં આવી જમીનોના ત્રણ વિભાગ પડે છે : ક્ષારયુક્ત, ભાસ્મિક અને ક્ષારયુક્ત ભાસ્મિક. ક્ષારયુક્ત જમીનોમાં દ્રાવ્ય ક્ષારોની માત્રા વધુ હોય છે (કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને સોડિયમનાં ધન આયનો અને ક્લોરાઇડ અને સલ્ફેટનાં ઋણ આયનો મુખ્યત્વે હોય છે.) ભાસ્મિક જમીનમાં સોડિયમનાં આયનોનું પ્રમાણ વિશેષ હોય છે. ક્ષારયુક્ત-ભાસ્મિક જમીનમાં બંને, દ્રાવ્ય ક્ષારો અને સોડિયમનાં આયનો વધુ હોય છે.
જમીનમાં ક્ષાર ત્રણ રીતે અસર કરે છે. એક, વધુ પડતા ક્ષારની પાક ઉપર થતી સીધી માઠી અસર. બીજું, જમીનના રજકણો ફરતે વિનિમય પામતાં આયનોમાં ફેરફાર થવાને કારણે થતી અસર. ત્રીજું, જમીનના ભૌતિક ગુણધર્મોમાં થતા ફેરફારને કારણે પાક ઉપર ક્ષારની માઠી અસર.
ક્ષારયુક્ત જમીન : આવી જમીનમાં ખાસ કરીને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે અને સામાન્ય રીતે મોટા ભાગના પાકોની વૃદ્ધિ ઉપર તેની ઘણી માઠી અસર થાય છે. સામાન્ય રીતે ક્ષારયુક્ત જમીનના ભૌતિક ગુણધર્મો (જેવા કે બાંધો, પાણી અને હવાની અવરજવર, છિદ્રાવકાશ વગેરે) સારા હોય છે; પરંતુ વધુ પડતા દ્રાવ્ય ક્ષારને લીધે જમીનના દ્રાવણનું રસાકર્ષણ દબાણ એટલું વધી જાય છે કે તેને કારણે પાકનાં બીજ કાં તો ઊગી શકતાં નથી અગર ઊગ્યાં પછી તેની વૃદ્ધિ થઈ શકતી નથી અને છોડ અકાળે સુકાઈ જાય છે. જમીનના ક્ષાર માપવાની ખાસ પદ્ધતિ અનુસાર તેના સંતૃપ્ત આંકે રહેલ પાણીની વિદ્યુતવાહકતાનો આંક ચાર (4) મિલીમોઝ કરતાં વધુ અને વિનિમય પામતા સોડિયમના ટકા 15 કરતાં ઓછા હોય છે. વ્યૂહાણું (molecule) આંક સામાન્ય રીતે 8.5 કરતાં ઓછો હોય છે.
ક્ષારયુક્ત જમીનની સુધારણા : ક્ષારયુક્ત જમીનમાંથી દ્રાવ્ય ક્ષારો દૂર કરવા માટે જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે. ક્યારેક ઉપરની સપાટીના ક્ષાર કે ક્ષારયુક્ત માટી ભેગી કરીને બહાર કાઢી તાત્કાલિક લાભ મેળવાય છે. છતાં આમ કરવાથી જમીન કાયમ માટે ક્ષારરહિત થતી નથી. કાર્ય ઘણું કઠિન છે અને મોટા પ્રમાણમાં ક્ષાર કે ક્ષારયુક્ત માટી ક્યાં નાખવી એ પણ પ્રશ્ન રહે છે. ક્યારેક જમીનની ઉપરની સપાટી પાણીથી ધોવામાં આવે છે. આમ વહેતા પાણીથી જમીનની સપાટી ઉપરના ક્ષાર ઓગાળી ક્ષારવાળું પાણી નિતારનીકો દ્વારા ખેતરની બહાર કાઢી નાખવામાં આવે છે. આ રીતથી સારાં પરિણામ લેવા માટે આખા વિસ્તારમાં નિતારનીકોની વ્યવસ્થા સારી હોવી જોઈએ અને ક્ષારયુક્ત પાણી સલામત જગ્યાએ બહાર કાઢવું જોઈએ. આમ ન કરવામાં આવે તો કોઈ લાભ થતો નથી કારણ કે એક ખેતરના ક્ષાર દૂર કરવા જતાં બીજા ખેતરમાં તે ઉમેરાય છે. અસરકારક અને વ્યવહારુ રસ્તો તો ખેતરને સમતળ કરી તેમાં પાણી ભરી દ્રાવ્ય ક્ષારોને જમીનમાં નીચે ઉતારવાનો છે અને નીચે ઉતારેલા ક્ષારને ટાઇલ્સથી ઝમણવ્યવસ્થા ગોઠવવામાં આવે તો કાયમને માટે દૂર કરી શકાય છે.
ભાસ્મિક જમીન : જે જમીનમાં ખાસ દ્રાવ્ય ક્ષારો ન હોય પરંતુ મોટે ભાગે વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી પાક ઉપર માઠી અસર થતી હોય તેવી જમીનને જ ભાસ્મિક જમીન કહે છે. વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ 15 ટકા કરતાં વધુ અને વિદ્યુતવાહકતા આંક ચાર (4) મિલીમોઝ કરતાં ઓછો હોય છે. વ્યૂહાણું આંક 8.5 અને 10.0 વચ્ચે રહે છે. આવી જમીનનો બાંધો તૂટી જાય છે અને માટીનાં રજકણો તરતાં રહે છે. ધીમે ધીમે રજકણો જમીનનાં છિદ્રોમાં બેસી છિદ્રો બંધ કરી દે છે. આવી જમીનમાં પાણીનો નિતાર તેમજ હવાની અવરજવર નહિવત્ હોવાને લીધે જલદી વરાપ આવતી નથી અને જો યોગ્ય વરાપે ખેડવામાં ન આવે તો મોટાં ઢેફાં પડી જાય છે, જમીન વધુ બરછટ લાગે છે અને ખેતીકાર્યો માટે વધુ બળની જરૂર પડે છે.
ઊંચા વ્યૂહાણું આંક અને વધુ પડતા સોડિયમના કારણે જમીનના સેન્દ્રિય તત્ત્વનો અમુક ભાગ ઓગળે છે. તેથી આવી જમીનના પાણીનું દ્રાવણ ઘેરા ભૂખરા રંગનું હોય છે. પાણીમાં ઓગળેલ સેન્દ્રિય તત્વ જમીનની ઉપરની સપાટીએ અગર માટીના ઢેફાની ફરતે પાતળું પડ બનાવતું હોવાને કારણે ક્યારેક જમીનમાં ઘેરા બદામી રંગનાં ટપકાં અગર લિસોટા જોવા મળે છે.
ભાસ્મિક જમીનની સુધારણા : ભાસ્મિક જમીનમાં વિનિમય પામતા સોડિયમને દૂર કરીને જમીન સુધારવા કૅલ્શિયમ પૂરું પાડવા માટે યોગ્ય જમીનસુધારકની જરૂર પડે છે. આ દ્રાવ્ય કૅલ્શિયમ જમીનમાં ઘણી રીતે પૂરો પાડી શકાય; દા.ત., જિપ્સમ (ચિરોડી) અથવા કૅલ્શિયમ ક્લોરાઇડ જેવા કૅલ્શિયમના દ્રાવ્ય પદાર્થો ઉમેરવાથી અથવા ચૂનખડ જમીનોમાં રહેલા અદ્રાવ્ય કૅલ્શિયમને દ્રાવ્ય બનાવવા તેજાબ અગર તેજાબ પેદા કરે તેવા પદાર્થ ઉમેરી જરૂરી કૅલ્શિયમ પૂરું પાડી શકાય. ઝમણ અને નિતારની વ્યવસ્થાથી સોડિયમના છૂટા પડેલ ક્ષારને દૂર કરી શકાય છે. જમીનસુધારક કેટલું નાખવું તેનો આધાર જમીનના પ્રકાર, પ્રત. વ્યૂહાણું આંક, વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ અને લેવામાં આવનાર પાક ઉપર રહે છે. ક્યું જમીનસુધારક ઉમેરવું તેની પસંદગીનો આધાર જમીનની ખાસિયતો તેમજ સુધારકપ્રાપ્તિની સુવિધા અને તેની કિંમત વગેરે ઉપર રહે છે.
ક્ષારયુક્ત–ભાસ્મિક જમીન : આ પ્રકારની જમીનમાં અગાઉની બંને પ્રકારની જમીનોની ખાસિયતોનો સમાવેશ થાય છે. બાહ્ય ર્દષ્ટિએ આવી જમીન ક્ષારયુક્ત જમીન જેવી ખાસિયતો ધરાવતી હોય છે. આંતરિક રીતે તળની જમીન કઠણ હોય છે અને જમીનની ઝમણશક્તિ સામાન્યથી ઓછી હોય છે તેને કારણે પાણી લાંબો વખત ભરાઈ રહે છે. આ પ્રકારની જમીનની રાસાયણિક ખાસિયતો જોતાં વિદ્યુતવાહકતા આંક 4 મિલીમોઝ કરતાં વધુ હોય છે અને વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ 15 % કરતાં વધુ હોય છે. આમ છતાં આવી જમીનનો વ્યૂહાણું આંક જ્યાં સુધી દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઊંચું હોય ત્યાં સુધી 8.5 % કરતાં નીચો હોય છે. આ જમીનમાંથી દ્રાવ્યક્ષાર દૂર કરવામાં આવે તો માટીનાં રજકણો છૂટાં પડીને તરતાં થાય છે જે ધીમે ધીમે જમીનમાં નીચાં ઊતરે છે અને કઠણ તળનાં પડ બંધાય છે. વ્યૂહાણું આંક લગભગ 10.0થી 10.5 વચ્ચે હોય છે. આ સંજોગોમાં જમીનની ભૌતિક પરિસ્થિતિ ઘણી બગડી જાય છે અને ખાસ કોઈ વનસ્પતિ ઊગી શકતી નથી.
ક્ષારયુક્ત–ભાસ્મિક જમીનની સુધારણા : આ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષાર અને વિનિમય પામતા સોડિયમ એમ બંનેનું પ્રમાણ વધુ હોય તે બંનેને દૂર કરવાનાં પગલાં એકીસાથે લેવાં પડે છે. એટલે કે અગાઉ જણાવ્યા પ્રમાણે યોગ્ય પ્રકારનું જમીનસુધારક યોગ્ય પ્રમાણમાં જમીનમાં ઉમેરીને તેમજ જરૂરિયાત મુજબ ઝમણ અને નિતારનીકો બનાવીને જમીનસુધારણાની કાર્યવાહી હાથ ધરવી પડે છે.
આમ જુદાં જુદાં કારણોસર જમીનમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો અગર વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ અગર બંને જમા થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધતી જાય છે અથવા જમીન બિનઉપજાઉ બની રહે છે.
એન. કે. પટેલ