ક્ષત્રિયસભા : કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજપૂતોનું આઝાદી બાદ સ્થપાયેલું સંગઠન. ભારતમાં આઝાદી સાથે રાજકીય પરિવર્તનનાં એંધાણ દેખાતાં હતાં ત્યારે કેટલાક રાજપૂત આગેવાનોને લાગ્યું કે નવી રાજકીય પરિસ્થિતિમાં જો એમને રાજકીય તખ્તા પર ટકવું હોય તો એમણે સંગઠિત થઈ સંખ્યાનો વ્યાપ વધારવો જોઈએ. આવા કેટલાક આગેવાનોએ ભેગા થઈ 15 નવેમ્બર 1947ના રોજ ‘કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત ક્ષત્રિય સભા’ની સ્થાપના કરી.
સૌરાષ્ટ્ર અને કચ્છના ઘટકો સભામાંથી 1950માં છૂટા થયા અને સભા ‘ગુજરાત ક્ષત્રિય સભા’ તરીકે જાણીતી થઈ. સભા ‘ક્ષત્રિયબંધુ’ નામે પાક્ષિક મુખપત્ર ચલાવે છે. આ પહેલાં તે ‘રાજપૂત બંધુ’ તરીકે પ્રગટ થતું હતું. વધુ ને વધુ ક્ષત્રિયોને ચૂંટણીમાં ટિકિટો મળે, તેમનું પ્રતિનિધિત્વ વધે અને સત્તાસ્થાન વધે તે માટે 1952થી ગુજરાત ક્ષત્રિય સભાએ દબાણજૂથ તરીકે કામ કર્યું. 1960ના દાયકા સુધી પક્ષો સાથેની વાટાઘાટો, સમજૂતીમાં સભાએ મહત્ત્વની ભૂમિકા ભજવી. સમય જતાં સંગઠનનું મહત્વ ઘટ્યું. રાજકારણી ક્ષત્રિયોએ જુદાં જુદાં ક્ષત્રિય મંડળો રચ્યાં. સભાનો લગભગ અસ્ત થયો, પણ ક્ષત્રિય સમાજની રાજકીય જાગૃતિ વધી. આજે કોઈ પણ રાજકીય પક્ષ તેઓની અવગણના કરી શકે તેમ નથી. બધા જ પક્ષો તેઓને ચૂંટણીમાં ઠીક ઠીક પ્રમાણમાં ટિકિટ આપે છે. એટલે વિધાનસભાનું તેઓનું સંખ્યાબળ પાંચ દાયકામાં લગભગ ચાર ગણું વધ્યું. આમ તે રાજકીય સંદર્ભમાં શક્તિશાળી જૂથ બનવા છતાં સંસ્થા તરીકે હવે તે કોઈ વજૂદ ધરાવતી નથી.
ઘનશ્યામ શાહ