ક્વોટા : દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવા માટે અપનાવવામાં આવતી વ્યાપારનીતિનું પરિમાણાત્મક સાધન. ક્વોટા આયાત થતી વસ્તુના જથ્થા કે મૂલ્યને લાગુ પાડવામાં આવે છે. સામાન્યત: લેણદેણની તુલાની ખાધને દૂર કરવા અથવા/અને દેશના ઉત્પાદકોને વિદેશી ગળાકાપ હરીફાઈ સામે રક્ષણ પૂરું પાડવા માટે દેશની સરકાર અનેક સંરક્ષણાત્મક જોગવાઈઓ દાખલ કરી શકે છે. જકાત(tariffs), ક્વોટા તથા આયાત અનામત (import deposits) તેનાં ર્દષ્ટાંતો છે; જે પૈકી જકાતની સાથે કે જકાતને બદલે આયાતનિયંત્રણ ક્વોટાનું સાધન કટોકટીની પળે ઝડપથી અને અસરકારક રીતે ઉપયોગી બનાવી શકાય છે. સત્તરમી અને અઢારમી સદીના અંગ્રેજ વાણિજ્યવાદી વિચારકો(mercantalists)એ ત્રીસીની મહામંદીથી આ પદ્ધતિની હિમાયત કરેલી, જ્યારે યુરોપમાં દરેક દેશ ‘પડોશી દેશ ભિખારી’ની નીતિને અનુસરવાનો પ્રયત્ન કરતો હતો. આમ ક્વોટા કોઈ વસ્તુ કે વસ્તુઓનો પરવાનગીપાત્ર આયાતી જથ્થો દર્શાવે છે. આવા ક્વોટાને પ્રત્યક્ષ ક્વોટા કહે છે. 1945થી આયાતોના કુલ મૂલ્યની મર્યાદાનો નિર્દેશ કરવા માટે પણ ક્વોટા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આવા ક્વોટાને પરોક્ષ ક્વોટા કહે છે. ક્વોટા-પદ્ધતિ, આયાત પરવાના અને હૂંડિયામણ અંકુશ સાથે અમલમાં આવે છે. ક્વોટાનો સમયગાળો ઓછામાં ઓછો એક માસ અને વધુમાં વધુ એક વર્ષ એમ દરેક દેશે જુદો જુદો હોય છે. ક્વોટા અમુક દેશના વિશિષ્ટ કે સમગ્ર વિશ્ર્વના વ્યાપક સંદર્ભમાં નિર્ધારિત થાય છે. જ્યારે તે દેશને અનુલક્ષીને હોય [ જેને ફાળવેલ ક્વોટા (allocated quotas) પણ કહેવામાં આવે છે.] ત્યારે કુલ ક્વોટા ચોક્કસ દેશો (supplying countries) વચ્ચે વહેંચવામાં આવે છે; પરંતુ તે વિશ્ર્વને અનુલક્ષીને (global basis) હોય ત્યારે ગમે તે દેશમાંથી કુલ નિર્ધારિત ક્વોટાની મર્યાદામાં રહીને આયાત કરી શકાય છે.
ક્વોટાના પ્રકારો : (1) ટૅરિફ ક્વોટા : આ પદ્ધતિમાં અમુક ચોક્કસ જથ્થામાં વસ્તુઓની આયાત કાં તો જકાતમુક્ત અથવા નીચા જકાતદરે કરવા દેવામાં આવે છે અને તે મર્યાદાની બહારની આયાતો ઊંચા જકાતદરે કરવા દેવામાં આવે છે. આ પદ્ધતિમાં જકાત અને ક્વોટા બંનેનાં લક્ષણોનો સમન્વય જોવા મળે છે.
(2) એકપક્ષી ક્વોટા : આ પદ્ધતિમાં ચોક્કસ સમયગાળા દરમિયાન આયાત થતી વસ્તુઓ પર આયાત કરનાર દેશની સરકાર સર્વગ્રાહી (absolute) મર્યાદા લાદે છે. આ ક્વોટા વૈશ્વિક (global) પ્રકારનો અથવા ફાળવેલ (allocated) પ્રકારનો હોઈ શકે.
(3) આયાત–પરવાના : વૈશ્વિક ક્વોટાના વહીવટને સુધારવા અને કવૉટા-પદ્ધતિને અસરકારક બનાવવા આયાત-પરવાના દાખલ કરવામાં આવે છે. આયાતકારોએ સરકાર પાસેથી આયાત-પરવાના મેળવવા પડે છે. આયાત-પરવાનો પ્રાપ્ત થતાં આયાતકાર તત્પૂરતું વિદેશી હૂંડિયામણ મેળવવા હકદાર બને છે. તેનાથી વિદેશી હૂંડિયામણની વપરાશ નિયંત્રિત બને છે.
(4) દ્વિપક્ષી ક્વોટા : આયાતકાર અને નિકાસકાર દેશો વચ્ચેની સમજૂતીને પરિણામે જે ક્વોટા નક્કી થાય છે તેને દ્વિપક્ષી ક્વોટા કહે છે. આ પ્રકારની સમજૂતીનો હેતુ નિકાસકાર દેશ દ્વારા આયાતકાર દેશનું શોષણ થતું અટકાવવું તે છે.
(5) મિશ્ર ક્વોટા : આ એવી કાયદેસર વ્યવસ્થા છે કે જેમાં દેશમાં ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓમાં વપરાતા દેશના કાચા માલ સાથે વિદેશના કાચા માલનું પ્રમાણ મર્યાદિત થાય છે; જેથી આયાતી કાચા માલ પર આપમેળે નિયંત્રણ મુકાય છે. પરિણામે દેશના કાચા માલના ઉત્પાદકોને કાચા માલના વેચાણની નિશ્ચિત સવલત ઉપલબ્ધ થાય છે. ઉપરાંત વિદેશી કાચા માલ પરનું સંપૂર્ણ અવલંબન તેટલે અંશે ઘટે છે અને વિદેશી હૂંડિયામણનો બચાવ થાય છે.
આયાતક્વોટા અનેકવિધ હેતુસર હોઈ શકે; જેવા કે, લેણદેણની તુલાની સતત ચાલી આવતી ખાધ ઘટાડવા; દેશની જરૂરિયાતો મુજબ આયાતોનું નિયંત્રણ કરવા; તેમજ હૂંડિયામણનો ઇષ્ટતમ ઉપયોગ કરવા; વિદેશી હરીફાઈ સામે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા; દેશના અર્થતંત્રને વિદેશી વ્યાપારની ઊથલપાથલથી (દા.ત., મંદી કે બેકારીથી) બચાવવા અને આંતરિક ભાવની સ્થિરતા સ્થાપવા તેમજ તેને ટકાવી રાખવા; વિદેશો આ શસ્ત્રનો ઉપયોગ કરે ત્યારે દેશ પોતાનાં હિતોનાં રક્ષણ અર્થે પ્રતિકારાત્મક હેતુસર [ખાસ કરીને વિદેશી માલનું લાદણ (dumping) થતું] હોય ત્યારે. ક્વોટાની નીતિનો ઉપયોગ થાય છે.
ક્વોટાની આર્થિક અસરો : કિંમત-અસર : જકાતની જેમ ક્વોટા પણ આયાતી વસ્તુઓની કિંમતને ઊંચે લઈ જાય છે. આયાતજકાતની બાબતમાં આવો કિંમતવધારો જકાતની રકમ કરતાં વધુ હોતો નથી, જ્યારે ક્વોટા-પદ્ધતિમાં ભાવ અણધાર્યો ગમે તે માત્રામાં વધી શકે. આમ જકાત-પદ્ધતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં અને દેશમાં પ્રવર્તતી કિંમત વચ્ચેની કડી (link) જળવાય છે, જ્યારે ક્વોટા-પદ્ધતિમાં તે જળવાતી નથી. ક્વોટા-પદ્ધતિમાં આયાતી વસ્તુનો ભાવવધારો કઈ માત્રામાં થશે તેનો આધાર અમુક પરિબળો પર રહેલો હોય છે; જેમ કે, ક્વોટા દ્વારા આયાતો કેટલે અંશે અંકુશિત થઈ છે, દેશમાં અને વિદેશમાં આયાતી વસ્તુઓના પુરવઠાની સાપેક્ષતા; ક્વોટા-પદ્ધતિ અખત્યાર કરતા દેશમાં તેવી વસ્તુઓની માંગની સાપેક્ષતા વગેરે.
ક્વોટા-પદ્ધતિમાં ક્વોટાની મર્યાદા કરતાં વધુ આયાતોની પરવાનગી ન હોવાથી આયાતી વસ્તુની કિંમત આયાતકાર દ્વારા દેશમાં તે વસ્તુની પ્રવર્તમાન માગ અને પુરવઠાની સ્થિતિ પર નક્કી થાય છે. જો આયાતી વસ્તુનો પુરવઠો મર્યાદિત હોય અને માગ વધુ અનપેક્ષિત હોય તો ભાવવધારો ઊંચે જશે. પરંતુ વિદેશમાં તે વસ્તુનો પુરવઠો સંપૂર્ણપણે અનપેક્ષ હોય તો આંતરિક ભાવવધારા માટે માત્ર ક્વોટા જ જવાબદાર રહે. નિકાસકાર દેશમાં આવી વસ્તુની કિંમત ઘટે અથવા સ્થિર પણ રહે.
કોઈ ખાસ આયાતી વસ્તુની બાબતમાં ક્વોટાની કિંમત-અસર આકૃતિ દ્વારા દર્શાવી શકાય. (જુઓ આકૃતિ 1.) આયાત-નિયંત્રણ સિવાયની પરિસ્થિતિમાં ‘P’ બિંદુ સમતુલા, PN અથવા OA સમતુલા કિંમત અને ON આયાતોનું પ્રમાણ દર્શાવે છે. હવે જ્યારે OQ ક્વોટા નક્કી થાય છે ત્યારે STR પુરવઠા અને DD માગરેખાના છેદનબિંદુ R પર નવી સમતુલા સ્થપાય છે. આયાતી વસ્તુની કિંમત OA પરથી વધીને OB થાય છે. આમ આયાતી વસ્તુનો AB જેટલો ભાવવધારો સર્જાય છે. ABનું અંતર આયાતી વસ્તુની માંગ અને પુરવઠાની સાપેક્ષતા પર અવલંબિત છે.
રક્ષણાત્મક અસર : આયાતો પર ક્વોટા-નિયંત્રણોને પરિણામે વિદેશી હરીફાઈ સામે દેશના ઉદ્યોગોને રક્ષણ મળશે અને આયાતી વસ્તુઓના ભાવ વધવાથી આંતરિક ઉત્પાદન તેટલે અંશે વધશે. આને ક્વોટાની રક્ષણાત્મક અસર કહેવાય.
ઉપભોગ–અસર : આયાતી વસ્તુઓના અને દેશમાં ઉત્પન્ન થયેલ આયાત-અવેજ વસ્તુઓના ભાવ વધવાને લીધે તેવી વસ્તુઓનો ઉપભોગ ઘટશે. આને ક્વોટાની ઉપભોગ અસર કહેવાય.
પુનર્વહેંચણી–અસર : ક્વોટાને લીધે આયાતી કે આયાત-અવેજ વસ્તુઓના ભાવ વધવાને લીધે આયાતકારો અને આયાત-અવેજ વસ્તુઓના ઉત્પાદકો વધુ નફો મેળવશે. આમ અર્થતંત્રમાં આવકનો પ્રવાહ આવા આયાતકારો અને દેશના આયાત-અવેજ વસ્તુઓના ઉત્પાદકો તરફ વળશે. આમ ક્વોટાને લીધે ઉપભોક્તાના અધિકતમ સંતોષમાં ઘટાડો થાય; આયાતકારો તેમજ આયાત-અવેજ ઉત્પાદકો, ખર્ચની અપેક્ષાએ વધુ નફો મેળવે તે કારણસર સર્જાયેલ અસરોને ક્વોટાની પુનર્વહેંચણી અસર કહેવાય. આ ત્રણેય અસરો આકૃતિની મદદથી દર્શાવી શકાય. (જુઓ આકૃતિ 2.)
આકૃતિમાં DD અને SS અનુક્રમે આયાતી વસ્તુની માંગ અને પુરવઠાની રેખા છે. નિયંત્રણો સિવાયની પરિસ્થિતિમાં QR જથ્થાની આયાત થાય છે અને OQ આંતરિક ઉત્પાદન છે. આમ કુલ માગ OR જથ્થાની છે. દેશના ઉપભોક્તાઓને OM કિંમત ચૂકવવી પડે છે. અહીં એમ ધારી લઈએ છીએ કે આયાતી વસ્તુનો વિદેશમાં પુરવઠો સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ છે. હવે જો પ્રતિ એકમ MN આયાત-જકાત અથવા PT જથ્થા જેટલો ક્વોટા નક્કી થાય તો રક્ષણાત્મક ઉપભોગ અને પુનર્વહેંચણીની ક્વોટા અને જકાત(tariffs)ની અસર સરખી હશે. વસ્તુની કિંમત OM પરથી વધીને ON થાય તે કિંમત-અસર છે. કિંમતવધારાને લીધે આંતરિક ઉત્પાદન OQ પરથી વધીને OP થાય એટલે કે QP જેટલું વધે તે રક્ષણાત્મક અસર છે. વસ્તુનો ઉપભોગ OR પરથી ઘટીને OT થાય તે ઉપભોગ-અસર છે એવી જ રીતે ઉત્પાદકોની આવક [ઉપભોક્તાના અધિકતમ સંતોષને બાદ કરતાં] MNae જેટલી વધે તે પુનર્વહેંચણી-અસર છે. જકાતની જેમ જ દેશના રક્ષિત ઉદ્યોગો તરફ સાધનોની ફેરબદલીને લીધે દેશને થતો ચોખ્ખો ગેરલાભ aec વિસ્તાર દ્વારા દર્શાવ્યો છે અને ઉપભોગખર્ચની ફેરબદલીને લીધે ઉપભોગમાં થતો ચોખ્ખો ગેરલાભ (કાપ) bdf વિસ્તાર દ્વારા દર્શાવ્યો છે. આમ જકાત અને ક્વોટાની રક્ષણાત્મક અસર, ઉપભોગ-અસર, પુનર્વહેંચણી-અસર, સ્પર્ધાત્મક અસર અને આવક-અસર એકસમાન હોઈ શકે.
ઊપજ–અસર (revenue effect) : જકાતપદ્ધતિમાં આયાત-જકાતને લીધે સરકારને a b c d વિસ્તાર દ્વારા દર્શાવેલ ઊપજ મળશે જ્યારે ક્વોટાપદ્ધતિમાં આ ઊપજ આયાતકારો અધિકતમ નફાસ્વરૂપે મેળવશે. અહીં એમ માની લેવામાં આવે છે કે આયાતકારો ઇજારાની સ્થિતિ ભોગવે છે અને નિકાસકારો અસંગઠિત છે; પરંતુ જો આયાતકારો અસંગઠિત હોય અને નિકાસકારો ઇજારાની સ્થિતિ ભોગવતા હશે તો આ લાભ નિકાસકારોને મળશે. જો સરકાર આયાત-પરવાનાનું લિલામ કરે તો જ આ ઊપજ સરકારને મળે.
વેપારની શરતો પર અસર : સામાન્ય સમતુલા આકૃતિ દ્વારા આ અસર વધુ સારી રીતે સમજાવી શકાય.(જુઓ આકૃતિ 3.) આકૃતિ 3માં મુક્ત વેપારની સ્થિતિમાં OE અને OG અનુક્રમે ઇંગ્લૅન્ડ અને જર્મનીના દરખાસ્ત વક્ર (offer curves) છે. ઇંગ્લૅન્ડની નિકાસો અને આયાતો (જર્મનીની આયાતો અને નિકાસો) અનુક્રમે X અને Y ધરી પર દર્શાવી છે. ઇંગ્લૅન્ડ OM વસ્તુની નિકાસના બદલામાં જર્મનીથી OA અથવા PM વસ્તુની આયાત કરે છે. વેપારની શરતો OW રેખા (vector) દ્વારા દર્શાવી છે. હવે જો ઇંગ્લૅન્ડ, જર્મન વસ્તુઓની આયાતનો OB જેટલો ક્વોટા નક્કી કરે તો વેપારની શરતો OW1 અથવા OW2 અથવા બંને વચ્ચેના વિનિમય ગુણોત્તર મુજબની થશે. જર્મનીનો દરખાસ્તવક્ર વધુ સાપેક્ષ હશે તો વેપારની શરતો ઇંગ્લૅન્ડની તરફેણમાં હશે અને જર્મનીનો દરખાસ્તવક્ર ઓછો સાપેક્ષ હશે તો વેપારની શરતો ઇંગ્લૅન્ડની વિરુદ્ધમાં હશે. OW2 કરતાં OW1 દ્વારા દર્શાવેલ વેપારી શરતો ઇંગ્લૅન્ડની તરફેણમાં વધુ છે.
લેણદેણની તુલા પર અસર : ક્વોટાપદ્ધતિમાં વિદેશી હૂંડિયામણનો ઉપયોગ અંકુશિત થતો હોવાથી લેણદેણની તુલાની ખાધ ઘટે છે. ક્વોટા-આયાતકારોએ તત્પૂરતું હૂંડિયામણ મેળવવું પડતું હોવાથી સરકારના વ્યાપાર-વાણિજ્ય ખાતાએ અને મધ્યસ્થ બૅન્ક વચ્ચે એવું સંકલન જરૂરી બને છે કે જેથી આયાતકારોને આપવામાં આવતું હૂંડિયામણ ક્વોટાથી નિશ્ચિત થયેલ જથ્થા કરતાં વધુ આયાતમાં ન પરિણમે. આમ આયાતો પરના ગુણાત્મક અંકુશો દ્વારા આવશ્યક વસ્તુઓની અપેક્ષાએ મોજશોખની વસ્તુઓની આયાતોને નિયંત્રિત કરી, હૂંડિયામણની માગ અંકુશિત કરીને લેણદેણની તુલાને પુન: સમતોલ કરી શકાય છે.
વિકસતા દેશોમાં ક્વોટાની તરફેણ : સામાન્ય ર્દષ્ટિએ ક્વોટાની અપેક્ષાએ જકાતપદ્ધતિ ચડિયાતી ગણાય, પરંતુ વ્યવહારુ ર્દષ્ટિએ, ખાસ કરીને અલ્પવિકસિત દેશો માટે જકાત કરતાં ક્વોટાપદ્ધતિ વધુ ચડિયાતી પુરવાર થઈ શકે.
વિકસિત દેશોની અપેક્ષાએ વિકસતા દેશોમાં જકાતના પ્રશ્નો વિશિષ્ટ હોવાથી તે પદ્ધતિ મુકાબલે અસરકારક હોતી નથી. ખાસ કરીને પ્રારંભિક અવસ્થાના ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડવામાં ક્વોટા વધુ ઉપયોગી સાબિત થયા છે.
વિકસતા દેશોમાં સીમાંત આયાતવૃત્તિ ઘણી ઊંચી હોય છે અને આયાતોની માગ ઓછી સાપેક્ષ હોય છે. તેથી ક્વોટા દ્વારા આયાતો પરનો કાપ લેણદેણની સમતુલા માટે સમગ્રપણે અનિવાર્ય બને છે.
જકાતની અપેક્ષાએ ક્વોટા ઘણી રીતે વધુ અસરકારક રહ્યો છે. જ્યાં જકાત-નીતિ નિષ્ફળ બની ત્યાં ક્વોટાપદ્ધતિ સફળ નીવડી છે. જકાત કરતાં ક્વોટામાં દેશના રક્ષિત ઉત્પાદકો વધુ સલામતી અનુભવી શકે. આયોજિત અર્થતંત્રમાં દેશની સોદાશક્તિ (bargaining power) પ્રબળ બનાવવામાં ક્વોટા-પદ્ધતિ વધુ ચોક્કસ છે.
જકાતપદ્ધતિ કાયદાની મંજૂરી અનિવાર્ય બનાવતી હોવાથી સંકુચિત અને ચુસ્ત (rigid) સાબિત થઈ છે, જ્યારે ક્વોટાપદ્ધતિનો સામાન્યત: કાર્યવાહક સત્તા દ્વારા વહીવટ થતો હોવાથી તે વધુ લવચીક (elastic) અને સ્વીકાર્ય બની છે.
જકાતપદ્ધતિ દેશની વસ્તુઓના ભાવ વધારે છે, જ્યારે ક્વોટા-પદ્ધતિ ભાવનિયંત્રણ અને માપબંધી સહિત હોય તો દેશની વસ્તુઓના ભાવ વધારતી નથી.
એકંદરે સંરક્ષિત વેપારનીતિના એક સાધન તરીકે અલ્પવિકસિત દેશોમાં જકાત કરતાં ક્વોટા વધુ અસરકારક, ઓછો નુકસાનકર્તા, વધુ વ્યવહારુ અને વધુ ચોક્કસ ગણાય છે.
હર્ષદ ઠાકર