ક્વોટા (ભારતના સંદર્ભમાં) : ભારતમાં વિદેશી મુદ્રાની વપરાશને અંકુશિત કરવા તથા દેશના ઉદ્યોગોના વિકાસને સંરક્ષણ દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી આયાત-ક્વોટાની નીતિ અપનાવવામાં આવી છે.

ઘઉં, કપાસ, ચોખા, ખાંડ, મીઠું, દિવેલ, કાચું લોખંડ, કાચું મૅંગેનીઝ, કાચું ક્રોમ ને બૉક્સાઇટ જેવી નિકાસની ચીજો જાહેર ક્ષેત્રની સંસ્થા મારફતે જ વિદેશ તરફ મોકલી શકાય છે. કુલ નિકાસનો 11 % ભાગ તે રોકે છે.

પોલાદ, રાસાયણિક ખાતર, કાગળ, ખાંડ, સિમેન્ટ, દવાઓ ને પેટ્રોલિયમ પેદાશોના ભાવો પર સરકારના અંકુશ છે. તેની પાછળ એક હેતુ છે કે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના એકમોને અને ગરીબ વર્ગોને રાહતના ભાવે ચીજો પૂરી પાડવી; બીજું એ કે ખાતર જેવી ચીજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય પૂરી પાડવી ને ત્રીજું એ કે અછત ધરાવતી ચીજોના ભાવોને ઝડપથી વધતા અટકાવી ફુગાવાનું નિયંત્રણ કરવું. આ ભાવો ઔદ્યોગિક ખર્ચ અને ભાવ બ્યૂરોની ને ઉદ્યોગ માટેની ખાસ સમિતિઓની ભલામણો અનુસાર ઠરાવવામાં આવે છે.

કેટલાંક ક્ષેત્રોમાં ઉત્પાદનનો ચોક્કસ ભાગ નિયંત્રિત ભાવે સરકારને વેચવાની પેઢીઓને ફરજ પાડવામાં આવે છે; દા.ત., કાગળ બનાવનાર મોટી પેઢીઓએ છાપકામ માટેના સફેદ કાગળના ઉત્પાદનના 20 %થી 25 % જેટલો ભાગ શૈક્ષણિક સંસ્થાઓને સરકારે બાંધેલા ભાવે વેચવાનો હોય છે. ખાંડનાં કારખાનાંઓએ ઉત્પાદનનો 50 % ભાગ લેવી માટે ઠરાવવામાં આવેલા ભાવોએ વાજબી ભાવની દુકાનો દ્વારા વિતરણ માટે સરકારને સુપરત કરવાનો હોય છે. સિમેન્ટનાં કારખાનાંઓએ પોતાના ઉત્પાદનનો મુકરર ભાગ (ઉદ્યોગ માટે સરેરાશ 40 % ઉત્પાદન) ફરજિયાત રીતે સરકારને લેવી ભાવે વેચવો પડે છે. લેવીના ભાવો બજારમાં પ્રવર્તતા ભાવો કરતાં નીચા હોય છે.

આ ભાવ-અંકુશોની ઉદ્યોગના વિકાસ અને તેની કાર્યક્ષમતા પર અવળી અસર પડે છે.

બિનજકાતી માર્ગે આયાતનિયમન : દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત પર જકાત નાખી શકાય તેમજ જકાત સિવાયના માર્ગોએ પણ આયાત-નિયમન થઈ શકે. જકાત સિવાયના માર્ગોનો વિચાર કરીએ કેમ કે આયાતક્વોટા તેમાંનો એક માર્ગ છે. ભારતમાં બિનજકાતી રક્ષણ આપવા માટે (1) આયાત લાઇસન્સ-પદ્ધતિ, (2) જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા આયાત કરવાની નીતિ, (3) માત્ર વાપરનારને માલ આયાત કરવા દેવાની નીતિ, (4) ઉદ્યોગ માટેની લાઇસન્સ-રીતિ તેમજ (5) સરકારી ખરીદીમાં દેશના ઉત્પાદકો પ્રત્યે પસંદગી દાખવવાની નીતિ અપનાવવામાં આવી છે.

તેમાં આયાત-લાઇસન્સ-નીતિમાં આયાતના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે : વપરાશની ચીજો, મૂડીરૂપ માલસામાન તથા વચગાળાની ચીજો (કાચો માલ, પૂરક ભાગ વગેરે). આમાંથી વપરાશની ચીજોની આયાત પર પ્રતિબંધ છે. સરકારને આવશ્યક લાગે ને દેશમાં પૂરતા પ્રમાણમાં પેદા થતી ન હોય તેવી ખાદ્ય તેલ, કેટલીક દવાઓ, કેરોસીન, અન્ન જેવી ચીજોની આયાત અહીં અપવાદરૂપ છે અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ મારફતે તેમની આયાત કરવા દેવામાં આવે છે. મૂડીરૂપ માલસામાનને નિયંત્રિત વર્ગ અને ઓપન જનરલ લાઇસન્સ(OGL)ના વર્ગ વચ્ચે વહેંચવામાં આવે છે. ઓ.જી.એલ. વર્ગની મૂડીરૂપ ચીજો ખરેખર વાપરનાર લાઇસન્સ વિના આયાત કરી શકે છે, શરત એટલી કે એમ કરવાથી તેની ઉત્પાદનક્ષમતા ઔદ્યોગિક લાઇસન્સ-નીતિની મર્યાદામાં રહેવી જોઈએ. બાકીની તમામ ચીજોની આયાત માટે આયાત-લાઇસન્સ જરૂરી છે. વચગાળાની ચીજોના ચાર વર્ગ છે : પ્રતિબંધિત, નિયંત્રિત, મર્યાદિત છૂટછાટવાળી અને ઓ.જી.એલ. યાદીમાં સમાવિષ્ટ ચીજો. પ્રથમ ત્રણ યાદીમાં ન હોય અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા જ આયાત થઈ શકે એવી ચીજોની યાદીમાં ન હોય તે તમામ ચીજોને ખરેખર વાપરનાર લાઇસન્સ વિના આયાત કરી શકે છે.

આયાત-લાઇસન્સ-નીતિમાં ઘણી બાબતોને સરકારની વિવેકબુદ્ધિ (sense of discretion) પર છોડવામાં આવી છે. આયાત માટેની દરેક અરજીનો અલગ અલગ ધોરણે વિચાર થાય છે. આયાત આવશ્યક છે અને તે પ્રકારની સંતોષકારક ગુણવત્તા ને વર્ણન ધરાવતી ચીજ વાજબી સમયમર્યાદામાં ભારતીય પેઢી પૂરી પાડી શકે તેમ નથી એવું પ્રમાણપત્ર આયાતકારે રજૂ કરવું પડે છે. કાચા માલની ને મૂડીરૂપ માલસામાનની આયાત માટેના લાઇસન્સનો આધાર પેઢી દ્વારા થતા ઉત્પાદન ને તેની મંજૂર કરાયેલી ઉત્પાદનક્ષમતા પર રહે છે. અગાઉથી આયાતક્વોટા જાહેર કરવામાં આવતા નથી કે ચોક્કસ ચીજ કે ઉદ્યોગ માટે પૂર્વનિર્ધારિત વિદેશી મુદ્રાની મર્યાદા પણ હોતી નથી. વિદેશી મુદ્રાની છત-અછતનું પ્રતિબિંબ ઓ.જી.એલ. યાદીની વધઘટ અને આયાત-લાઇસન્સ મેળવવાની સરળતામાં જોઈ શકાય. આયાત-લાઇસન્સ સામાન્ય રીતે વહીવટી તંત્રના તદર્થ (adhoc) નિર્ણયો અનુસાર અપાય છે.

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, મિનરલ્સ ઍન્ડ મેટલ કૉર્પોરેશન, સ્ટેટ ટ્રેડિંગ કૉર્પોરેશન, મેટલ સ્ક્રૅપ ટ્રેડિંગ કૉર્પોરેશન, ફૂડ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, કૉટન કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા જેવી જાહેર ક્ષેત્રની સોળ સંસ્થાઓ મારફતે પણ સરકાર આયાતનું નિયંત્રણ કરે છે. આયાત-નિકાસ-નીતિમાં મુકરર કરવામાં આવેલી ચીજોની માત્ર આ સંસ્થાઓ મારફતે જ આયાત થઈ શકે છે. આયાત, ભાવ ને વહેંચણી અંગેની નીતિ સરકાર ઠરાવે છે. આયાતના બિનજકાતી નિયમન માટેની આ બીજી ગોઠવણ છે.

માત્ર વાપરનારને આયાત કરવા દેવાની નીતિને કારણે ફરી વેચાણ કરવાના હેતુથી આયાત કરવા માગનારને આયાત કરવાની છૂટ અપાતી નથી. તે પણ આયાત મર્યાદિત કરવાની નીતિનો જ ભાગ છે.

દેશમાં બનતા માલનો ક્રમશ: ઉપયોગ વધારતા જવાની શરતે કેટલીક પેઢીઓને (વાહન, યંત્ર ને ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગમાં મુખ્યત્વે આયાત થતા ભાગો જોડીને તૈયાર ચીજ બનાવનાર પેઢીઓને) ઔદ્યોગિક લાઇસન્સ આપવામાં આવે છે. આયાત કરવા દેવાની માગણી કરતી વખતે, કરાર અનુસાર તે ચીજો સ્થાનિક પેદાશ દ્વારા પૂર્તિ કરવાની ચીજોની યાદીમાં નથી એવું પ્રમાણપત્ર કરારબદ્ધ પેઢીએ રજૂ કરવું પડે છે. ઓ.જી.એલ. યાદીમાં સમાવેશ પામતી ઘણી ચીજો સહિતની વચગાળાની ચીજોની આયાતને આ રીતે અંકુશિત કરવામાં આવે છે.

ઔદ્યોગિક અંકુશો પણ કેટલીક વાર આયાત-નિયમનની બિનજકાતી પદ્ધતિની ગરજ સારે છે. નવા રોકાણ માટે કે ઉત્પાદનક્ષમતાના વિસ્તાર માટે ઔદ્યોગિક લાઇસન્સ માગવામાં આવે છે ને કૅપિટલ ગુડ્ઝ કમિટી અરજીની ચકાસણી કરે છે ત્યારે વધુ પડતું વિદેશી હૂંડિયામણ વપરાવાનો સંભવ લાગે તેવી અરજીને તે નકારી શકે છે અને ચોક્કસ યંત્ર કે સામગ્રીને સ્થાનિક રીતે મેળવવાનું ફરજિયાત બનાવી શકે છે. યંત્રવિજ્ઞાનની આયાતને અંકુશિત કરતી નીતિના ભાગ રૂપે રૉયલ્ટી ને લાઇસન્સ-ફીની ચુકવણી માટે વિદેશી મુદ્રાની ફાળવણી વખતે વહીવટી તંત્ર દરેક અરજીની કડક ચકાસણી કરે છે. આ રીતે પણ મૂડીરૂપ માલસામાન પેદા કરનાર ઉદ્યોગને રક્ષણ મળે છે. નાના ઉદ્યોગના ક્ષેત્ર માટે કેટલીક પેદાશો અનામત રાખવાની નીતિ પણ પરોક્ષ રીતે આયાતોને અવરોધે છે.

સરકાર પોતાની જરૂરિયાતના માલસામાનની ખરીદી વખતે સ્થાનિક કે સ્વદેશી માલને પસંદગી આપે છે. ખર્ચ, વીમો ને નૂર સહિતના વિદેશી ચીજના ભાવમાં જકાતો અને બંદર પરના ખર્ચ ઉમેરી તેના 25 % જેટલી સ્વદેશી ચીજો મોંઘી હોય તોપણ કેન્દ્ર સરકાર દેશનો માલ ખરીદે છે. દેશના ઉત્પાદકોને આ રીતે પણ ગણનાપાત્ર રક્ષણ મળે છે.

ઉદારતાભરી વર્તમાન નીતિ : જકાત સિવાયના આયાત-અંકુશોની આ વર્તમાન વ્યવસ્થા 1956થી અસ્તિત્વમાં છે. વિદેશી મુદ્રાની સ્થિતિ અનુસાર 1956-62 અને 1968-74 જેવા ગાળામાં તે કડક બનાવાઈ હતી, જ્યારે 1966-88 જેવાં વર્ષોમાં તેમાં છૂટછાટ મૂકવામાં આવી હતી. 1977-78ની આયાત-નિકાસ નીતિથી આરંભાતા સમયમાં તે ઉદાર બનાવવામાં આવી છે. અલબત્ત, 1980-81નું વર્ષ અપવાદ છે : તે વર્ષમાં અંકુશ કડક બનાવવામાં આવ્યા હતા.

વપરાશની ચીજોની આયાત પરના પ્રતિબંધ આજે પણ ચાલુ છે. મૂડીરૂપ માલસામાનની ઓ.જી.એલ. યાદીની ચીજો 1976માં 79 હતી ને ઑક્ટોબર, 1986માં તે વધીને 987 થઈ છે. વિવેકાધીન (discretionary) અંકુશ હેઠળની યંત્રસામગ્રી માટેનાં લાઇસન્સ વધુ ઉદાર રીતે આપવામાં આવે છે. વિશ્વવ્યાપી ટેન્ડર દ્વારા અને પ્રોજેક્ટ માટે વધુ ઉદાર રીતે આયાત કરવા દેવામાં આવે છે. તે જ પ્રમાણે ઔદ્યોગિક કાચા માલની આયાતમાં પણ 1977થી પ્રતિબંધિત આયાતોની ને મર્યાદિત આયાતોની યાદીમાં સમાવેશ પામતી ચીજોની સંખ્યા ઘટાડાઈ છે અને ઓ.જી.એલ. યાદી પરની ચીજો વધારવામાં આવી છે. દેશના ઉદ્યોગો સાથે હરીફાઈમાં ન હોય તેવી મૂડીરૂપ માલસામાનની ને વચગાળાની ચીજોની આયાત 1977-78થી ઉદાર બનાવવામાં આવી છે.

માત્ર જાહેર ક્ષેત્રના એકમો દ્વારા થતી આયાતનું પ્રમાણ ઘટ્યું છે. કુલ આયાતોમાં આ પ્રકારની આયાતોનો હિસ્સો 1980-81માં 67 % હતો; 1985-86માં આ પ્રમાણ 50 % થયું છે.

આયાતનીતિની ઉદારતા મુખ્યત્વે ભારતના ઉદ્યોગો સાથે હરીફાઈ ન કરતી ચીજો પૂરતી મર્યાદિત છે. નિકાસ સાથે સંકલિત આયાતો માટે પણ ઉદાર ર્દષ્ટિકોણ અપનાવવામાં આવી રહ્યો છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ