ક્વૉ વાદિ (નિર્માણવર્ષ 1951)
January, 2010
ક્વૉ વાદિ (નિર્માણવર્ષ 1951) : નોબેલ પુરસ્કાર વિજેતા પૉલિશ સાહિત્યકાર હેન્રિક શેનક્યેવીચ- (1846-1916)ની લોકપ્રિય નવલકથા પરથી તૈયાર થયેલ સિનેકૃતિ. રોમન સમ્રાટ નીરોનું વિલાસિતામય સત્તાશોખીન શાસન અને લઘુમતી યહૂદીઓના ખ્રિસ્તી સંપ્રદાયની સ્થાપના પછીનાં આરંભનાં કુરબાનીનાં વર્ષોના સંક્રાન્તિકાળને મૂર્ત સ્વરૂપ આપતી મહત્વની સિનેકૃતિ. આ સિનેકૃતિ ભૂતકાળમાં ત્રણ વાર સર્જાઈ ચૂકી છે.
સર્વપ્રથમ તે 1913માં ઇટાલીમાં ‘સિનેઝ’ નિર્માણસંસ્થા દ્વારા નિર્મિત અને એન્રીકો ગ્યુએઝોની દ્વારા દિગ્દર્શિત થયેલી. કુલ 5,000 સિને કલાકારો અને 30 સિંહો ઉપયોગમાં લેવાયેલા. ત્યાર બાદ ઇટાલી-જર્મનીના સંયુક્ત સહકારથી 1925માં આર્તુરો એમ્બિઝિયો નિર્માણસંસ્થાએ જ્યૉર્જ જેકોબી અને ગેબ્રિટેલીનો દ’ એન્યુશિયોના સંયુક્ત દિગ્દર્શન તળે તેનું પુન:સર્જન કર્યું. ત્રીજું નિર્માણ તે હૉલિવુડની પ્રતિષ્ઠિત મેટ્રો ગોલ્ડવિન મેયર નિર્માણસંસ્થા દ્વારા નિર્મિત, દિગ્દર્શક મેરવીન લીરોય દ્વારા દિગ્દર્શિત અને લગભગ 8 લાખ 25 હજાર ડૉલરના ગંજાવર ખર્ચે તૈયાર થયેલ આ સિનેકૃતિ ભવ્ય સર્જન હતું. તેના નિર્માણ માટે આ કંપનીએ રોમ પાસે ‘સિને સિટા’ સ્ટુડિયોને લગભગ સતત બે વર્ષ માટે ભાડે રાખી લીધો હતો. ગંજાવર કદના સેટ, રોમાંચભરી રથદોડની શરતો, રોમ નગરીનું દહન, તત્કાલીન રોમન કૉલોઝિયમમાં ગ્લૅડિયેટરો દ્વારા રમાતી ક્રૂર લોહિયાળ સાઠમારીઓના પ્રસંગો વચ્ચે અહીં મુખ્ય પાત્રોના એકમેકના સંબંધોની કથાનું માનવીય ભૂમિકા પર નિરૂપણ થયેલું છે. તત્કાલીન વિલાસી રોમન જીવનની લોલુપતા તેમજ હિંસક આનંદ વચ્ચે પોતાના મુઠ્ઠીભર અનુયાયીઓને લઈને સહનશીલતા, ત્યાગ અને કુરબાનીના આદર્શને પ્રસારવા મથતા ઈસુના પટ્ટશિષ્ય સંત પીટર દ્વારા ‘ક્વૉ વાદિસ રોમ ?’ (રોમ કયે માર્ગે ?) જેવો કરાયેલો વિચારશીલ પ્રશ્નાર્થ તે આ સિનેકૃતિની મધ્યવર્તી અવધારણા છે.
આજે પણ આ ચિત્ર પ્રેક્ષકોને અભિનેતા પીટર ઉસ્તીનૉવનાં રોમન સમ્રાટ નીરોના પાત્રના અભિનય તરીકેનાં તથા ઉર્સુસના પાત્રની ભૂમિકામાં એક પહેલવાન અભિનેતાની જંગલી પાડા સાથેની સાઠમારીનાં ર્દશ્યોની યાદ આપે છે.
ઉષાકાન્ત મહેતા