ક્વૉરૅન્ટીન : ચેપી રોગવાળા પ્રદેશોમાંથી આવનારા માણસોને ચાળીસ દિવસની મુકરર મુદત સુધી અલગ રાખવાની વ્યવસ્થા. ‘ક્વૉરૅન્ટીન’નો અર્થ છે ‘ચાળીસ દિવસની મુદત’; પરંતુ વ્યવહારમાં એની મુદત સંબંધિત ચેપી રોગનાં લક્ષણો ઉપર અવલંબે છે. ચેપી રોગના દર્દીઓને અલગ રાખવા માટેની જગ્યાને પણ ક્વૉરૅન્ટીન કહે છે.

ચૌદમી સદીમાં યુરોપમાં રોગચાળો ફાટી નીકળેલો. 1333માં એશિયામાં શરૂ થયેલ મરકી વીસ વર્ષમાં ફ્રાન્સ, સ્પેન, ઇંગ્લૅન્ડ, જર્મની, પોલૅન્ડ અને રશિયા સુધી ફેલાયેલી. રક્તપિત્ત અને મરકી જેવા રોગો યુરોપભરમાં પ્રસરી ગયા હતા. તેથી લોકોના આરોગ્યને લગતા નિયમોની જરૂરિયાત ઊભી થઈ. તે પરથી ક્વૉરૅન્ટીનની વ્યવસ્થા ર્દઢ થઈ.

દૂરદેશાવરથી આવતાં વહાણોના ખલાસીઓ ચેપી રોગ ફેલાવશે એવા વહેમથી તેમને ચાળીસ દિવસ કિનારાના વિસ્તાર સાથે કાંઈ પણ વ્યવહાર રાખ્યા વગર અલગ રાખવાની વ્યવસ્થાની શરૂઆત વેનિસમાં થઈ હતી. વિશ્વમાં આ પ્રકારનો સૌપ્રથમ કાયદો વેનિસમાં ત્રીસ દિવસ (trestina) સુધીની મુદતનો કરવામાં આવ્યો હતો; પાછળથી તેની મુદત વધારીને ચાળીસ દિવસ (quarantine) કરવામાં આવી હતી. 1423માં વેનિસ શહેરની નજીકના એક ટાપુને ક્વૉરૅન્ટીન વિસ્તાર તરીકે અલગ તારવવામાં આવ્યો હતો. પછી યુરોપના અને વિશ્વના અન્ય વિસ્તારોમાં આ વ્યવસ્થા દાખલ થઈ.

વહાણ છેલ્લે લાંગર્યું હતું તે વિસ્તાર રોગમુક્ત હતો એવા અધિકૃત પ્રમાણપત્રને આધારે જહાજને ક્વૉરૅન્ટીનમાંથી મુક્તિ આપવાની પ્રથા સોળમી સદીમાં શરૂ થઈ.

આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસને પરિણામે દરિયાઈ વ્યાપારી સફરોનું પ્રમાણ જેમ જેમ વધતું ગયું તેમ તેમ ક્વૉરૅન્ટીનની વ્યવસ્થા વિઘ્નરૂપ બનતી ગઈ. ભિન્ન ભિન્ન પ્રદેશો – બંદરોમાં ક્વૉરૅન્ટીનની જુદી જુદી મુદત મનસ્વીપણે નક્કી કરવામાં આવતી. તેથી દરિયાઈ વ્યવહારોમાં અગવડ અને વિલંબ વધવા માંડ્યાં હતાં.

ક્વૉરૅન્ટીનનાં વિવિધ પાસાં અંગે ચર્ચાવિચારણા કરવા સારુ સર્વપ્રથમ વિશ્વ પરિષદ 1851માં પૅરિસમાં મળી હતી; પછીનાં પચાસ વર્ષના સમયગાળામાં વખતોવખત આવી પરિષદો મળતી. પરિણામે 1907/1909માં જાહેર આરોગ્યની આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થપાઈ જે 1923માં રાષ્ટ્રસંઘ સંચાલિત આરોગ્ય-સંસ્થા(Health Organization of League of Nations) રૂપે વિકસી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર યા પ્રવાસનમાં બિનજરૂરી અવરોધો ઊભા ન થાય એવા ક્વૉરૅન્ટીનના નિયમો વિશ્વસ્વાસ્થ્ય-સંઘે સૂચવેલા છે.

આધુનિક સમયમાં ચેપી રોગોના દર્દીઓને અલગ કરવાને બદલે તેમને નિયમિત તબીબી સેવા તથા સ્વાસ્થ્ય-સગવડો ઉપલબ્ધ કરી આપવાની સુવિધાઓ વધતી જાય છે. એટલે હવે ક્વૉરૅન્ટીનની વ્યવસ્થાનો કડક અમલ કરીને માણસોને અલગ રાખવાનું અપવાદ રૂપે જ બને છે.

ધીરુભાઈ વેલવન