ક્વેટા : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતનું પાટનગર. તેનું સૌથી મોટું શહેર અને લશ્કરી મથક. ક્વેટા લગભગ 30° ઉ. અ. અને 66°-02´ પૂ. રે. ઉપર આવેલું છે અને કરાંચીથી તેનું અંતર 608 કિમી. છે. ઈરાન અને અફઘાનિસ્તાન જવા માટે પ્રવેશદ્વારરૂપ બોલનઘાટ લશ્કરી ર્દષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આઝાદી પૂર્વે અહીં લશ્કરી છાવણી હતી અને હાલ પણ છે.
આ શહેર 1,675 મી.ની ઊંચાઈએ આવેલું છે અને તેની આસપાસના વર્તુળાકારમાં આવેલા પર્વતો પૈકી કેટલાક 3,400 મી. ઊંચા છે. સમુદ્રથી દૂર ઊંચાઈ પર આવેલું હોવાના કારણે શિયાળો આકરો હોય છે પણ ઉનાળાનું તાપમાન ઓછું રહે છે. જાન્યુઆરીનું તાપમાન 3.3° સે. તથા જુલાઈનું 26.7° સે. રહે છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ હોય છે. વરસાદ ભાગ્યે જ 150થી 200 મિમી. પડે છે. ઊંચા પર્વતો ઉપરનો બરફ ઓગળતાં ઝરણાંના પાણીનો સંચય કરીને કારેઝ-પદ્ધતિથી સિંચાઈ થાય છે. ફળોની વાડીઓ અને ગુલાબના બગીચા માટે આ શહેર પ્રખ્યાત છે.
સૂકા પ્રદેશમાં ઘેટાંબકરાં ઉછેરાય છે જ્યારે ખીણો અને સપાટ પ્રદેશમાં દ્રાક્ષ, બદામ જેવાં ફળો, શાકભાજી, ઘઉં વગેરેનું વાવેતર થાય છે. ક્વેટા નજીક કોલસાની અને ગંધકની ખાણો આવેલી છે અને સૂઈગામ નજીક કુદરતી ગૅસ મળી આવતાં ઉદ્યોગો માટે તેનો ઉપયોગ થાય છે. અહીં લોખંડનો પણ વિપુલ જથ્થો છે. લઘુ ઉદ્યોગો તરીકે કાપડ, ખાદ્ય વસ્તુઓ તથા ગાલીચા વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. ચામડાં, ફળો, ઊન અને ગાલીચાની નિકાસ થાય છે, જ્યારે યંત્રો, રસાયણો, દવાઓ, ધાતુની વસ્તુઓ આયાત થાય છે. ઈરાન, અફઘાનિસ્તાન, સિંધ અને પંજાબ સાથેના વેપારનું તે કેન્દ્ર છે. રેલવે દ્વારા કરાંચી, સક્કર, જેકોબાબાદ, લાહોર, પેશાવર, હૈદરાબાદ વગેરે સાથે જોડાયેલું છે. વિમાની મથક પણ છે.
વસ્તી 11,60,000 (2022). અહીં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓ, લશ્કર માટેની તાલીમશાળા અને પુસ્તકાલયો છે. લોકોની મુખ્ય ભાષા બલૂચી અને પુશ્તો છે.
ક્વેટા ભૌગોલિક ર્દષ્ટિએ પશ્ચિમ એશિયા સાથે સંપર્ક ધરાવતા માર્ગ પર છે. ક્વેટાની પ્રાચીનતાની તપાસમાં અહીંથી મળેલાં વિશિષ્ટ પ્રકારનાં વાસણો અને તેના પરની ભાત પરથી ક્વેટાની પાસે તામ્રાશ્મ કાળ જેટલા પ્રાચીન સમયથી વસાહત હતી એમ લાગે છે. ત્યારથી વિવિધ સમયે ક્વેટાએ સરહદી વિસ્તારના કેન્દ્ર તરીકેની કામગીરી બજાવી છે. તેના લાંબા ઇતિહાસમાં ભૂકંપથી તેને નુકસાન થયાના તથા પરદેશી આક્રમણોથી તે તારાજ થયાના પુરાવા છે.
1876માં કલાત રાજ્યમાં બ્રિટિશ રેસિડેન્ટે આ સ્થળ પસંદ કર્યું. ત્યાર પછીના ત્રણ દાયકા દરમિયાન તેના વિકાસનો પ્રારંભ થયો હતો. 1935 અને 1955માં તે ભારે ભૂકંપનો ભોગ બન્યું હતું. આજનું ક્વેટા શહેર નવા આયોજન મુજબ નિર્માણ પામેલું શહેર છે. આ શહેર ચમન, ગુલિસ્તાં, બોસ્તાં, સીબી, ખોસ્ત વગેરે સાથે રેલમાર્ગે જોડાયેલ છે.
મહેશ મ. ત્રિવેદી
ર. ના. મહેતા