ક્વિબેક (Quebec) : પૂર્વ કૅનેડાના છઠ્ઠા ભાગના વિસ્તારને આવરી લેતો 45°-62° ઉ. અ. અને 57°-79° પ. રે. વચ્ચે આવેલો તેનો સૌથી મોટો પ્રાંત. વિસ્તાર : 15,42,056 ચોકિમી. જેમાં ભૂમિવિસ્તાર 13,65,128 ચોકિમી. છે.
તેની ઉત્તરે હડસન ભૂશિર અને ઉનગાવા ઉપસાગર, પૂર્વે લાબ્રાડોર (ન્યૂફાઉન્ડલૅન્ડ) અને સેંટ લૉરેન્સનો અખાત, દક્ષિણે ન્યૂ બ્રૂન્સવિક અને નોવા સ્કોશિયા, મેન, ન્યૂ હેમ્પશાયર, વર્મોન્ટ, ન્યૂયૉર્ક અને ઓન્ટારિયો તેમજ પશ્ચિમે ઓન્ટારિયો, જેમ્સ અને હડસન ઉપસાગરો આવેલા છે.
ક્વિબેકના કૅનેડિયન ભૂકવચ, લૉરેન્શિયન ઉચ્ચપ્રદેશ, ઍપૅલેશિયન અને સેંટ લૉરેન્સ નદીનો નીચાણવાળો ભાગ – એમ ત્રણ કુદરતી ભાગો છે. પ્રથમ ભાગ ક્વિબેક પ્રાંતના 90 %થી 95 % વિસ્તારોને આવરે છે. ખનિજોથી સમૃદ્ધ અને ઓછી વસ્તીવાળા આ ભાગમાં ટૈગાનાં જંગલો અને ટુંડ્રનો અતિ ઠંડો વિસ્તાર આવેલો છે. સેંટ લૉરેન્સ નદીની ખીણનો પ્રદેશ સપાટ, નીચો અને ફળદ્રૂપ છે. તેની દક્ષિણે ન્યૂ ઇંગ્લૅન્ડના પ્રદેશમાંથી આગળ ફંટાતી ઍપૅલેશિયન ગિરિમાળા છે. બીજો વિભાગ માટીનો ફળદ્રૂપ પટ્ટો છે.
અહીં ઉનાળામાં 17° સે. અને શિયાળામાં -11° સે. તાપમાન હોય છે. સરેરાશ વરસાદ 760 મિમી. પડે છે, પણ ઉત્તર તરફ વરસાદ ક્રમશ: ઘટતો જાય છે. હિમવર્ષા 300 મિમી. થાય છે.
ભૂકવચના પ્રદેશમાં ઘાસચારો, કુંઠિત વૃક્ષો, લીલ, લાઇકન વગેરે જોવા મળે છે. બાકીના ભાગોમાં મેપલ, સ્પ્રુસ, બર્ચ, ઍસ્પન, ફર, હેમલૉક, સીડર વગેરે ખરાઉ, શંકુદ્રુમ અને ટુંડ્ર પ્રદેશની વનસ્પતિ જોવા મળે છે. જંગલો 6,91,500 ચોકિમી.માં આવેલાં છે.
ધ્રુવ પ્રદેશનું સફેદ રીંછ, કૅરિબૂ, બીવર, હાઈ, સફેદ વહેલ, સીલ, વિસેલ, સસલાં, વરુ, શિયાળ, રાતું અને કાળું રીંછ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
ગ્રૅનાઇટ, આરસ, સીસું, ચૂનાખડકો, લોખંડ, તાંબું, શંખજીરું, ક્રોમાઇટ, જસત, નિકલ, ટાઇટેનિયમ, ટંગસ્ટન, ક્વાટર્ઝ મૅગ્નેસાઇટ, અબરખ અને સોનું વધતા-ઓછા પ્રમાણમાં મળે છે.
2 %થી ઓછી જમીનમાં ખેતી થાય છે. છતાં ઓટ, ઘઉં, તમાકુ, શાકભાજી, સફરજન, રાસબેરી, સ્ટ્રૉબેરી વગેરે ફળો થાય છે. ઘાસચારાની વિપુલતાને કારણે ડેરીઉદ્યોગનો રાજ્યના ઉત્પાદનમાં 40 % હિસ્સો છે. મત્સ્યઉદ્યોગ પણ વિકસ્યો છે.
જળવિદ્યુતની વિપુલતા તથા ખનિજો અને વન્ય પેદાશોની વિપુલતાને કારણે કાગળનો માવો, ન્યૂઝપ્રિન્ટ અને કાગળ, સિગારેટ, સૂતર અને તૈયાર કપડાં, પગરખાં અને અન્ય ચર્મ-બનાવટો, રેલવે તથા વિમાનના છૂટક ભાગો અને મેપલ વૃક્ષમાંથી ખાંડ બનાવવાના ઉદ્યોગો તથા જહાજી ઉદ્યોગ ક્વિબેક અને મૉન્ટ્રિયલ શહેરમાં વિકસ્યા છે. વસ્તી : 76,51,500 (2006). તેમાં ઇટાલિયન, પોલ, જર્મન, યહૂદી, ચીના વગેરેની થોડી વસ્તી છે. થોડા ઍસ્કિમો અને રેડ ઇન્ડિયન છે. મોટા ભાગના લોકો રોમન કૅથલિક છે.
શહેરોમાં પ્રૉટેસ્ટન્ટ અને રોમન કૅથલિક સંપ્રદાયની ખાનગી શાળાઓ છે. 1852માં સ્થપાયેલ લાવલ યુનિવર્સિટીને 1870માં પોપ પાયસ નવમા તરફથી ચાર્ટર મળેલ છે. ક્વિબેક શહેરમાં પ્રાચીન મકાનો, કિલ્લાના અવશેષો, સંગ્રહસ્થાન, બગીચા વગેરે જોવાલાયક છે.
ઇતિહાસ : ફ્રેન્ચ સંશોધક જૅક્સ કાર્ટરે 1534માં ક્વિબેક પ્રદેશની શોધ કર્યા બાદ 1608માં સૅમ્યુઅલ દ-ચેમ્પલેઇને ક્વિબેકની કાયમી વસાહતનો પાયો નાખ્યો. 1629-32 દરમિયાન તે અંગ્રેજોના કબજામાં ગયું પણ ફ્રેન્ચોએ ફરી 1632માં તેનો કબજો મેળવ્યો. યુરોપમાં ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે સપ્તવર્ષીય યુદ્ધ શરૂ થતાં અંગ્રેજ સેનાપતિ જેમ્સ વુલ્ફે 1759માં ક્વિબેક જીતી લીધું અને 1763ની પૅરિસની સંધિને કારણે સમગ્ર પ્રાંત બ્રિટિશ શાસન નીચે આવ્યો. 1791માં તેને આંતરિક સ્વશાસન મળ્યું. 1841માં ઉપલા અને નીચલા ગૃહનું એકીકરણ કરાયું. 1867માં ક્વિબેક સહિત ચાર પ્રાંતોનું સમવાયતંત્ર રચાયું અને શિક્ષણ અને સ્થાનિક બાબતો અંગે સ્વાયત્તતા મળી. ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ માન્ય રખાયો. 1897-1944 સુધી લિબરલ પાર્ટીનું એકચક્રી શાસન હતું. 1944માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફરજિયાત લશ્કરી સેવાના મુદ્દા ઉપર લિબરલ પક્ષની હાર થઈ. થોડો વખત સત્તાથી વિમુખ બન્યા બાદ 1968 અને 1970ની ચૂંટણીમાં લિબરલ પક્ષ વિજયી થયો. તેમ છતાં સમવાયતંત્રથી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટેની માગણીએ જોર પકડ્યું. સરકારે 1974માં ફ્રેન્ચ ભાષાને સરકારી કે વહીવટી ભાષા તરીકે માન્યતા આપી. સમવાયતંત્રથી અલગ થવાના અને મસલત કરવાના મુદ્દા ઉપર 1980માં નવી ચૂંટણી લડાઈ અને બહુમતીથી અલગ થવાની માગણી નકારી કઢાઈ. આમ છતાં ક્વિબેક પ્રાંતમાં આ પ્રશ્ન અવારનવાર ચર્ચાય છે.
શિવપ્રસાદ રાજગોર