ક્વિન્સી યોજના : અનૌપચારિક શિક્ષણપ્રથાના પ્રારંભિક સ્વરૂપ જેવી મૅસેચ્યૂસેટ્સ રાજ્યના ક્વિન્સી ગામમાં ઓગણીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં શરૂ કરાયેલી યોજના. તેમાંથી કેટલીક પ્રગતિશીલ યોજનાઓનો વિકાસ થતો ગયો. તે યોજનાના આદ્યપ્રેરક ફ્રાન્સિસ પાર્કર (યુ.એસ.) (1837-1902) ફ્રોબેલના વિચારોથી પ્રભાવિત થયેલા હતા. તેમણે શાળાઓને ચીલાચાલુ ઘરેડમાંથી બહાર કાઢીને અનૌપચારિક બનાવવા માટેની યોજના તૈયાર કરીને તેની ઝુંબેશ ચલાવી. ભૂગોળ અને વિજ્ઞાનનું શિક્ષણ વર્ગની દીવાલો વચ્ચે આપવાને બદલે ખુલ્લાં મેદાનો અને પ્રવાસોમાં ગોઠવવાનો આગ્રહ કરવામાં આવતો. આમ, ક્વિન્સી યોજના શિક્ષણને વર્ગની દીવાલોમાંથી બહાર લઈ જાય છે તે ર્દષ્ટિએ એ મહત્વની ગણાય. ઓપન સ્કૂલ અને ઓપન યુનિવર્સિટીને આજના વાતાવરણ સુધી પહોંચાડવામાં આવી યોજનાઓનો ફાળો ભૂમિકારૂપ ગણાવો જોઈએ.
રિખવભાઈ શાહ