ક્વાર્ટ્ઝ : મોટા ભાગના આગ્નેય ખડકો અને લગભગ બધા વિકૃત (metamorphic) અને જળકૃત (sedimentary) ખડકોના અંગભૂત ભાગ તરીકે જોવા મળતું સૌથી વધુ વ્યાપક સિલિકા ખનિજ. તે લગભગ શુદ્ધ સિલિકોન ડાયૉક્સાઇડ અથવા સિલિકા (SiO2) છે અને પૃથ્વીના પોપડામાં ફેલ્સ્પાર પછી બીજું સ્થાન ધરાવે છે. રેતીખડક (sandstone) અને ક્વાટર્ઝાઇટ તેમજ અખનિત રેતી અને કાંકરેટ(gravel)ના મુખ્ય ભાગ રૂપે તે હોય છે. તેમાં ઘણી વખત Li, Na, K, Ti, Fe વગેરેના ઑક્સાઇડ અશુદ્ધિ રૂપે હોય છે. ગ્રીક લોકોને પાણી જેવા પારદર્શક સ્ફટિકોની જાણ હતી અને તેઓ તેમને ‘ક્રિસ્ટલોઝ’ કહેતા જે પરથી સ્ફટિકમય પદાર્થ માટે ‘ક્રિસ્ટલ’ શબ્દ વપરાવા લાગ્યો. 1530માં જ્યૉર્જિયસ ઍગ્રિકોલાએ આવા પદાર્થો માટે ‘ક્વાર્ટ્ઝ’ શબ્દ વાપર્યો. તે α અને β એમ બે પ્રકારે અસ્તિત્વ ધરાવે છે. α-પ્રકાર 573° સે. સુધી સ્થાયી છે જ્યારે તેથી ઊંચા તાપમાને β-પ્રકાર સ્થિર રહે છે. α-પ્રકાર ત્રિકોણીય (trigonal) અને β-પ્રકાર ષટ્કોણીય (hexagonal) પ્રણાલીની સંરચના ધરાવે છે. બંનેમાં વામવર્તી અને દક્ષિણવર્તી સમમિતિ સમૂહ જોવા મળે છે. મોઝ માપક્રમ ઉપર તેની કઠિનતા 7 છે. તેની વિ. ઘનતા 2.65 છે. તે દાબવિદ્યુતીય (piezoelectric) ગુણધર્મ ધરાવતું હોવાથી તેની પાતળી પતરીઓ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો અને અન્ય ઇલેક્ટ્રૉનિક સંદેશા-વ્યવહાર માટેનાં ઉપકરણોમાં વપરાય છે. કેટલાક પ્રકારના ક્વાર્ટ્ઝ રત્નો તરીકે વપરાય છે; દા.ત., એમેથિસ્ટ (જાંબલી), સિટ્રિન (પીળો), મોરીઓન (કાળો), રોઝ ક્વાર્ટ્ઝ વગેરે. રેતીખડક તથા રેતી બાંધકામમાં વપરાય છે. રેતી કાચ અને પૉર્સલિનનાં વાસણો બનાવવામાં તેમજ ધાતુ ઢાળવાનાં બીબાં બનાવવામાં વપરાય છે. અપઘર્ષક તરીકે તે કાચપેપર બનાવવામાં, વાલુકાક્ષેપણ(sandblasting)માં, ઘંટીનાં પડ તથા સરાણિયા પથ્થરમાં પણ વપરાય છે. તેમાંથી બનાવેલી ઈંટો ઊંચું તાપમાન સહન કરી શકતી હોવાથી ઊંચા તાપમાન માટેની ભઠ્ઠીની બનાવટમાં તે વપરાય છે. ક્વાર્ટ્ઝ અને સિલિકામાંથી બનાવેલ કાચમાંથી પારજાંબલી કિરણો પસાર થઈ શકતાં હોવાથી તે સાધનોમાં તેનો ઉપયોગ થાય છે. અત્યંત સંવેદી તુલાઓ(sensitive balances)માં ક્વાર્ટ્ઝના રેસાનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ