ક્વાર્ટ વેજ : એક પ્રકાશીય ઉપકરણ. તેની મદદથી ખનિજોની ઝડપી અને ધીમાં કિરણોની સ્પંદનદિશાઓ, વ્યતિકરણ રંગોનો ક્રમ તેમજ પ્રકાશીય સંજ્ઞા નક્કી કરી શકાય છે. વધુમાં તે પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપમાં ન્યૂટનનું વ્યતિકરણ રંગોનું માપ દર્શાવે છે.

ક્વાર્ટ્ઝ વેજની રચનામાં એક છેડેથી બીજા છેડા તરફ બદલાતી જતી જાડાઈવાળો તેમજ પાતળો થતો જતો ક્વાર્ટ્ઝ ખનિજનો છેદ હોય છે અને તે કાચની બે પટ્ટીઓ વચ્ચે કૅનેડા બાલ્સમની મદદથી ચોંટાડવામાં આવે છે. ક્વાર્ટ્ઝ વેજ ઝડપી કે ધીમી એમ બે પ્રકારની હોય છે. સામાન્ય રીતે આ વેજની રચનામાં ઉપયોગમાં લેવાતો ક્વાર્ટ્ઝનો છેદ એવી રીતે કાપવામાં આવેલો છે કે તેની લંબાઈ ક્વાર્ટ્ઝ ખનિજની ઝડપી કંપનદિશાને સમાંતર હોય જ્યારે બીજી ધીમી કંપનદિશા વેજની લંબાઈથી કાટખૂણે આવે છે. આ પ્રકારની વેજ ઝડપી વેજ તરીકે ઓળખાય છે. વેજની ઝડપી કંપનદિશા તીર સાથે ‘X’થી દર્શાવાય છે. આ જ પ્રમાણે વેજની લંબાઈને સમાંતર ધીમી કંપનદિશા જતી હોય તો તેને ધીમી વેજ કહેવાય છે અને તેમાં ધીમી કંપનદિશા તીર સાથે ‘Z’થી દર્શાવેલી હોય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે