ક્લોન : એકલ પૂર્વજમાંથી અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન અને એકસરખાં જનીનો ધરાવતા સજીવોનો સમૂહ. જો પ્રજનક(parent) વિશિષ્ટ પર્યાવરણમાં સારી રીતે વિકાસ પામેલો હોય તો તેનાં ક્લોન સંતાનો પણ તેવા પર્યાવરણમાં સ્થિર અને લાભકારી જીવન પસાર કરતાં હોય છે; પરંતુ પર્યાવરણ બદલાતાં, અલિંગી પ્રજનનને લીધે આવાં સંતાનોનાં જનીનોમાં કોઈ પણ જાતના ફેરફારો નહિ થવાને કારણે, સંતાનો મુશ્કેલીમાં મુકાઈ જવાની શક્યતા ખરી. તેથી ક્લોનિંગ-પદ્ધતિનો ઉપયોગ માત્ર વિશિષ્ટ સંજોગોમાં અને મર્યાદિત જાતનાં સજીવોને અનુલક્ષીને અપનાવવામાં આવે છે. ખાસ કરીને ક્લોનિંગ-પદ્ધતિનો ઉપયોગ સારાં ફૂલ કે ફળ આપતાં વૃક્ષોના ઉછેર માટે મોટા પાયા પર કરવામાં આવે છે. કાજુ, કેરી, લીંબુ, દ્રાક્ષ, ગુલાબ જેવાં વૃક્ષોનો ઉછેર મોટે ભાગે ક્લોનિંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. માનવસમાજમાં પસંદગી પામેલી જાતનાં વૃક્ષોનાં સંતાનોને કલમ (graft) દ્વારા અથવા ભૂસ્તારી (stolon), અંત:ભૂસ્તારી (sucker), કલિકા (bud), પ્રશાખા (offshoot) જેવાના ઉછેરથી મેળવવામાં આવે છે. ક્લોનનાં જનીનો એકસરખાં હોવાથી સંશોધન કરનારના પ્રયોગો માટે તેની પ્રજા આદર્શ નમૂના પૂરા પાડે છે. વળી હાલમાં પેશી-સંવર્ધન (tissue culture) દ્વારા પૌષ્ટિક ખોરાક તેમજ વિપરીત પર્યાવરણનો સામનો કરી શકે તેવાં જનીનોને એકઠાં કરી વાનસ્પતિક સંતાનોનો ઉછેર કરવામાં આવે છે. ખાસ કરીને આવાં જનીનો ધરાવતાં ડાંગર, ઘઉં, કઠોળનાં બીજને એકઠાં કરીને તેમના ઉછેરથી વિપુલ પ્રમાણમાં સારી જાતના દાણા પ્રાપ્ત કરવામાં આવે છે.
ક્લોનિંગ-પદ્ધતિને પ્રાણીસૃષ્ટિમાં પણ અપનાવીને સારી પ્રજા મેળવી શકાય. આવા પ્રયોગ આર્થિક ર્દષ્ટિએ અત્યંત ઉપયોગી નીવડે છે. ક્લોનિંગ દ્વારા માનવસૃષ્ટિમાં પણ ઇચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ મેળવવાની શક્યતા છે.
નરેન્દ્ર ઈ. દાણી