ક્લોદ, લ જુને (Claude, Le Jeune) (જ. આશરે 1527, ફ્રાંસ; અ. 26 સપ્ટેમ્બર આશરે 1600, ફ્રાંસ) : સોળમી સદીના ફ્રાંસના સૌથી વધુ મહત્ત્વના સંગીતકાર અને સ્વરનિયોજક. એમણે લખેલાં સૂરાવલિઓનાં પુસ્તકો ‘બુક્સ ઑવ્ ટ્યૂન્સ’ બીજી એક સદી સુધી ફ્રેંચ સંગીતકારો અને સ્વરનિયોજકોના પ્રેરણાસ્રોત બની રહ્યાં.

લ જુને ક્લોદ
મોટા ભાગનાં આ પુસ્તકો કાળગ્રસ્ત થયાં છે પરંતુ તેમાંથી ‘પ્રિન્ટેમ્પ્સ’ (Printemps) આજે પણ ટક્યું છે. ઓગણચાળીસ કૃતિઓ ધરાવતા આ પુસ્તકમાં મધ્યયુગીન ફ્રેંચ અને ઇટાલિયન સુરાવલિઓની અસર સ્પષ્ટ છે. બે કૃતિઓમાં તો ફ્રેંચ સંગીતકાર જાનેક્વીનનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.
અમિતાભ મડિયા