ક્લોદલ, પૉલ (જ. 6 ઑગસ્ટ 1868, વિલેનાવ-સુર-ફેરે-એન-વાર્દેનોઇ, ફ્રાન્સ; અ. 23 ફેબ્રુઆરી 1955, પૅરિસ) : પ્રતિભાશાળી ફ્રેંચ કવિ, નાટ્યકાર અને નિબંધકાર. તેમનું મૂળ નામ લૂઈ-ચાર્લ્સ-મેરી હતું. પૅરિસની નજીક એઇસ્ને નગરના એક સંપન્ન પરિવારમાં જન્મ. સાહિત્ય-સંસ્કારના કૌટુંબિક વાતાવરણને કારણે ક્લોદલની સાહિત્યરુચિ બાળવયથી જ ઘડાતી આવી. અઢારની વયે રબોની કવિતાની ગાઢ અસર નીચે તેમણે કાવ્યપ્રવૃત્તિ આરંભી. રબોએ ખેડેલ મુક્ત છંદની અસર તળે ક્લોદલે પદ્યપ્રયોગ વર્સેટને જન્માવી ફ્રેંચ છંદ:શાસ્ત્રમાં ‘વર્સેટ ક્લોદિયન’ નામના લાક્ષણિક પદ્યપ્રયોગના પ્રણેતા બન્યા. ગદ્યકવિતાની લાક્ષણિક લઢણો ઊભી કરનાર બૉદલેર, રબો આદિ કવિઓમાં ક્લોદલનું મહત્વનું સ્થાન છે. ફ્રેંચ રાજકારણમાં ક્લોદલે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું. અમેરિકા, ચીન, જાપાન અને બ્રસેલ્સમાં તેમણે ફ્રેન્ચ રાજદૂત તરીકે કામ કરેલું. રાજ્યશાસ્ત્રના આ મુત્સદ્દી સર્જકે પોતાના વિશાળ અનુભવો પર આધારિત અસંખ્ય નિબંધો આપ્યા છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં ફ્રાન્સના તેઓ અગ્રણી સાહિત્યકાર હતા.

પૉલ ક્લોદલ

તેમની અગત્યની નાટ્યકૃતિઓમાં ‘લા વિલે’ (1890) ‘લે ચેન્જ (1893) અને ‘લે રેપો દુ સેપ્ટિમ મેર’ (1896) છે. ‘પાર્વેજ દ મિન્દિ’ (1906) આત્મકથનાત્મક લખાણ છે. ‘ધ સેતિન સ્લિપર’ (1931) મહાન નાયકની જીવનકથા છે. ‘લો ટેજ’ (1911), ‘લે પેન ધ્યુ’ (1918), ‘લે પેર હ્યુમિલિ’ (1920) નાટ્યકૃતિઓ છે. તેમણે ‘લે લિવ રે દ ક્રિસ્ટૉફર કે. મોમ્બ’ (1933) અને ‘જીન દ આર્ક’ (1938) પણ લખ્યાં હતાં. ‘સિંગ ગ્રાન્દે ઓડ્ઝ’ (1910) ઊર્મિકાવ્યોનો સંગ્રહ છે.

નવલકથા સિવાયનાં બધાં સાહિત્યસ્વરૂપો તેમણે ખેડ્યાં છે પણ કવિ-નાટ્યકાર તરીકે તેઓ સવિશેષ ખ્યાતિ પામ્યા છે. વાસ્તવને ક્ષણાર્ધમાં આત્મસાત્ કરી તેને કાવ્યરૂપ આપવાની તેમની શક્તિ અસાધારણ ગણાઈ છે. બૌદ્ધિક ઉન્મેષની સાથોસાથ પારદર્શી ઊર્મિજન્ય સ્પંદનોની એકસૂત્ર ભાત તેમની રચનાઓમાં આગળ તરતી દેખાય છે. ‘સિંગ ગ્રાન્દે ઓડ્ઝ’ તેમનો વિશ્વવિખ્યાત કાવ્યસંગ્રહ છે. ધર્મપરક કવિતા, જીવનનાં ગૂઢ રહસ્યોને ગૂંથતી આધ્યાત્મિક કવિતા ક્લોદલે આપી છે – એ ધાર્મિક કવિ છે. ઈશુ ખ્રિસ્ત અભિમુખ સર્જકોની શ્રેણીમાં તેમનું અનન્ય સ્થાન છે. રોમન કૅથલિક સંપ્રદાયમાં તેઓ દીક્ષિત થયા હતા. કૅથલિક સાહિત્યિક લેખનને પુન: પ્રચલિત કરવામાં ક્લોદલે મોટો ફાળો આપેલો. તેમના સાહિત્યસર્જનમાં ઈશ્વરનું અસ્તિત્વ રણકી રહ્યું છે. વીસમી સદીના બીજા ચરણમાં જે પ્રતિભાશાળી ફ્રેંચ સર્જકો આવ્યા તેમાં ક્લોદલનું મહત્વનું સ્થાન છે. ફ્રેંચ-યુરોપિયન પ્રશિષ્ટ સાહિત્યકારોમાં તેઓ અગ્રિમ લેખાયા છે.

નલિન રાવળ