ક્લૉરોફૉર્મ (CHCl3) : શસ્ત્રક્રિયા માટે દર્દીને બેભાન કરવા વપરાતું ભૂતકાળનું મહત્વનું ઔષધ. ત્રણ ભિન્ન વ્યક્તિઓ દ્વારા સૌપ્રથમ વાર આ પ્રવાહી બનાવવામાં આવ્યું. 1831માં જર્મનીમાં જસ્ટસ વૉન લિબિગ, અમેરિકામાં સૅમ્યુઅલ ગુથરી અને ફ્રાન્સમાં યુજીન સૂબેરાંએ લગભગ એક જ સમયે તે બનાવ્યું; પણ 1934માં ઍલેક્ઝાન્ડર ડુમાએ તેને ‘ક્લૉરોફૉર્મ’ નામ આપ્યું અને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વર્ણવ્યા. ઍનેસ્થેશિયામાં તેનો સૌપ્રથમ ઉપયોગ એડિનબરોમાં નવેમ્બર 1847માં સિમ્પસન અને તેના બે સાથીદારો મૅથ્યૂઝ ડંકન અને જ્યૉર્જ કીથે પોતાના ઉપર જ કર્યો અને એ રીતે તેને પ્રચલિત કર્યું.
ટ્રાયક્લૉરોમિથેન CHCl3; અણુભાર 119.39. ઍસિટોન અને બ્લીચિંગ પાઉડર સાથે સલ્ફ્યુરિક ઍસિડની પ્રક્રિયાથી બનાવી શકાય.
2CH3COCH3 + 6CaOCl2, H2O → 2CHCl3 + (CH3 COO)2 Ca + 2Ca(OH)2 + 3CaCl2 + 6H2O
મિથેનના નિયંત્રિત ક્લૉરિનેશનથી પણ તે મેળવી શકાય :
CH4 + 3Cl2 → CHCl3 + 3HCl
તે અપવર્તી (refractive), સળગી ન ઊઠે તેવું, ભારે, અત્યંત બાષ્પશીલ, મીઠી સુવાસવાળું પ્રવાહી છે. 1.484, ઉ.બિંદુ 61-62° સે., ગ.બિંદુ : 63.5° સે. 1.4476, તે 7 % આલ્કોહૉલ સાથે સ્થિર ઉત્કલનમિશ્રણ બનાવે છે, જેનું ઉ.બિંદુ 59° સે. છે. 0.5 %થી 1 % ઇથેનૉલ તેને સ્થિર બનાવે છે. 25° સે. તાપમાને 200 મિલી. પાણીમાં 1 મિલી. ક્લૉરોફૉર્મ ઓગળે છે. આલ્કોહૉલ, બેન્ઝિન, ઈથર, પેટ્રોલ ઈથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ સાથે બધા પ્રમાણમાં મિશ્ર થઈ દ્રાવણ બનાવે છે.
તેનું વિઘટન ન થાય તે માટે તેને ઘેરા રંગની કાચની બાટલીમાં રાખવામાં આવે છે. તે નિશ્ચેતક (anaesthetic) ઉપરાંત પીડાનાશક (analgesic) પણ છે. તેથી એક સમયે પ્રસૂતિની પીડા ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થતો હતો. છેલ્લા અડધા દાયકાથી ક્લૉરોફૉર્મનો નિશ્ચેતના(anaesthesia)માં ઉપયોગ ઓછો થઈ ગયો છે. તેનાં મુખ્યત્વે બે કારણો છે : તેની યકૃત ઉપર આડઅસરો થતી હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત હૃદય ઉપર પણ તેની આડઅસરો થતી માલૂમ પડી છે. આથી શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીને બેભાન બનાવવા માટે તેનો ઉપયોગ હવે બંધ થયો છે. જોકે અત્યારે પણ તેનો બહોળો ઉપયોગ દ્રાવક (solvent) તરીકે થાય છે. આ ઉપરાંત રંગો તથા દવાઓ બનાવવામાં પણ તે વપરાય છે.
પ્રવીણસાગર સત્યપંથી
કમલ શાહ