ક્લૉરોફિલ : બધી જ લીલી વનસ્પતિમાંના લીલા રંગ માટેનો કારણભૂત રંગક (pigment). આ રંગક પ્રકાશની હાજરીમાં CO2 તથા H2Oમાંથી શર્કરા બનાવે છે. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ તરીકે જાણીતી છે તથા તેના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક મેળવી લે છે. ક્લૉરોફિલના ટેટ્રાપાયરોલ પોરફિરિન ચક્રીય બંધારણમાં મધ્યમાં મૅગ્નેશિયમ રહેલું હોય છે. ક્લૉરોફિલનું બંધારણ 1906થી 1911 દરમિયાન વિલસ્ટાટર તથા ફિશરે નક્કી કરેલું તથા તેનું સંપૂર્ણ વિશ્લેષણ વૂડવર્ડે 1960માં કરેલું. આ ક્લૉરોફિલ વનસ્પતિના કોષોમાં રહેલા નાના ક્લૉરોપ્લાસ્ટ કણોમાં આવેલું હોય છે. ક્લૉરોપ્લાસ્ટમાં લીલા ઉપરાંત પીળા, નારંગી કે રાતા રંગકો પણ હોય છે, જેમને કૅરોટિનૉઇડ કહે છે. ક્લૉરોફિલના a તથા b – એમ બે પ્રકાર છે. ક્લૉરાપ્લાસ્ટમાં રહેલું ક્લૉરોફિલ પારજાંબલી વર્ણપટમાં 429 nm તથા 453 nm ઉપર તેમજ પારરક્ત વર્ણપટના 660 nm અને 692 nm ઉપર મહત્તમ શોષણ દર્શાવે છે અને પ્રકાશિત થતાં પારરક્ત પ્રકાશ છોડે છે. જિમ્નોસ્પર્મ (અનાવૃત બીજધારી) તથા કેટલીક હંસરાજ (fern) તેમજ મોટા ભાગની શેવાળમાં ક્લૉરોફિલનું સંશ્લેષણ ઉત્સેચકો દ્વારા અંધકારમાં પણ થતું જોવા મળે છે. ક્લૉરોફિલના સંશ્લેષણ માટે Mn, K, Zn, Cu, Mg તથા Fe અને N જેવાં તત્વો જરૂરી છે, જેમની ગેરહાજરીને લીધે ક્લૉરોસિસ(chlorosis-હરિમાહીનતા)નો રોગ થાય છે.
પ્રકાશસંશ્લેષણ : ક્લૉરોફિલ દ્વારા પ્રકાશના અવશોષણથી પ્રકાશશક્તિનો એકમ ફોટૉન શોષાઈને ક્લૉરોફિલના ચલાયમાન ઇલેક્ટ્રૉનને ઊંચી શક્તિસપાટીએ લઈ જાય છે. આ વધારાની શક્તિ વનસ્પતિમાંના પાણીના અણુનું O2 તથા H2માં વિભાજન કરે છે, જેથી O2 છૂટો પડે છે; પરંતુ H2 વાતાવરણમાંના CO2નું વનસ્પતિમાં શર્કરા તથા સ્ટાર્ચમાં રૂપાંતર કરવા વપરાય છે. આ રીતે દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાતાવરણમાં O2 ઉમેરીને CO2નું પ્રમાણ ઘટાડે છે.
a = C54H69O5N4MgR જેમાં R = -CH3 (C3 ઉપર)
b = C54H69O5N4MgR જેમાં R = -CHO (C3 ઉપર)
ઓમપ્રકાશ સક્સેના
અશ્વિન થાનકી
જ. પો. ત્રિવેદી