ક્લૉરેલા : અપુષ્પ એકાંગી વિભાગમાં લીલ (algae) વર્ગની હરિત લીલ(ક્લૉરોફાયસીએ)ની એક પ્રજાતિ.
તે એકકોષી લીલ છે. મીઠા પાણીના તળાવમાં કે ખાબોચિયામાં, ભેજવાળી જમીનમાં વૃક્ષના પ્રકાંડ પર અને કૂંડામાં કે દીવાલો પર તેના થર બાઝી જાય છે. તે પ્યાલાકાર નીલકણ ધરાવે છે.
પ્રકાશ-સંશ્લેષણનાં ગૂઢ રહસ્યો પામવા તે લીલનો બહોળો ઉપયોગ પ્રયોગશાળામાં થાય છે. આવી એકકોષી લીલ પ્રોટીન, કૅરોટિન, રિબોફ્લૅવિન પ્રજીવક બી12, કોલાઇન કાંજી શર્કરા (sucrose) તથા આશરે 62 જેટલાં આવશ્યક ઍમિનોઍસિડ બનાવે છે. માનવજાત માટે તે એક આશીર્વાદરૂપ લીલ છે. તે ખૂબ જ ઝડપથી વિભાજન પામી તળાવ ભરી દે છે.
અવકાશયાત્રીઓ સૂપ તરીકે ખોરાકમાં તેનો ઉપયોગ કરે છે. સુએઝના વહેતા પાણીને સ્વચ્છ કરવામાં પણ તે વપરાય છે. વળી તે ક્લૉરેલિનનું સંશ્લેષણ કરે છે. તે જીવાણુઓથી થતા રોગોને રોકે છે.
આવી સર્વસમર્થ (totipotent) લીલ ઉત્ક્રાન્તિના શિખરે પહોંચી છે. તેમાં એક જ કોષ સર્વ કાર્ય કરે છે.
બળદેવભાઈ પટેલ