ક્લૉદિયોં (Clodion) (જ. 20 ડિસેમ્બર 1738, નેન્સી, ફ્રાન્સ; અ. 29 માર્ચ 1814, પૅરિસ, ફ્રાંસ) : રોકોકો શૈલીના અગ્રણી ફ્રેન્ચ શિલ્પી. મૂળ નામ ક્લૉદ મિશે. 1775માં ફ્રેન્ચ શિલ્પી લામ્બે-સિગિસ્બે (Lamberl-Sigisbert) હેઠળ ક્લૉદિયોંએ શિલ્પકલા શીખવી શરૂ કરેલી. લામ્બે-સિગિસ્બેના અવસાન પછી પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી જે. બી. પિગાલેના તેઓ શિષ્ય બન્યા. 1759માં ક્લૉદિયોંને શિલ્પસર્જન માટે ફ્રાંસની રૉયલ એકૅડેમી ઑવ્ સ્કલ્પ્ચરનું સર્વોચ્ચ ઇનામ મળ્યું. 1762માં તેઓ રોમ ગયા. સેંટ પીટર્સબર્ગની મહારાણી કૅથેરિન બીજીએ ક્લૉદિયોંને રશિયા આવવા આમંત્રણ આપ્યું, પણ તેઓ 1771માં પૅરિસ પાછા ફર્યા. અહીં એમણે સફળ શિલ્પી તરીકેની કારકિર્દી શરૂ કરી.
ક્લૉદિયોંએ મોટે ભાગે પકવેલી માટીમાંથી શિલ્પસર્જન કર્યું છે. પાણીમાં ક્રીડા કરતી જળપરીઓ, અર્ધ માનવ અને અર્ધ અજ (બકરો) એવી સેટિરની આકૃતિઓ, બાળ-દેવદૂતો તથા દારૂડિયા અને તેમનાં પીઠાં વગેરે તેમના પ્રિય વિષયો હતા.
અમિતાભ મડિયા