ક્લૉડિયસ, આલ્બર્ટ (જ. 1 ઑગસ્ટ ઈ. પૂ. 10, લિયોન્સ, ફ્રાન્સ; અ. 13 ઑક્ટોબર ઈ. સ. 41-54) : પ્રાચીન રોમના સમ્રાટ. તેમનું આખું નામ ટાઇબેરિયસ ક્લૉડિયસ ડ્રુસસ નીરો જર્મેનિક્સ હતું. તેમણે રોમન સામ્રાજ્યને ઉત્તર આફ્રિકા અને બ્રિટન સુધી વિસ્તાર્યું. સમ્રાટ બન્યા તે પૂર્વે તેઓ ઇતિહાસકાર હતા. તેમણે એટ્રુસ્કનોના ઇતિહાસ વિશે 20 ગ્રંથ અને કાર્થેજિયન લોકોના ઇતિહાસ વિશે 8 ગ્રંથ લખ્યા હતા. એમાંથી એક પણ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી.
24 જાન્યુઆરી, 41ના રોજ સમ્રાટ ગેયસ સીઝરનું ખૂન થતાં તેઓ આકસ્મિક રીતે રોમના સમ્રાટ બન્યા. તેમણે ઈ. સ. 41-42માં ઉત્તર આફ્રિકામાં આવેલ મોરીટાનિયા, 43માં બ્રિટન, 46માં થ્રેસ અને 49માં ઇટ્રુરિયા જીત્યાં હતાં. તેમણે ન્યાયતંત્રને સુધાર્યું તથા જૂની ધાર્મિક વિધિઓને પુનર્જીવિત કરી. તેમણે તેમની પત્ની મેસેલિના સાથે છૂટાછેડા લઈને તેની ભત્રીજી ઍગ્રિપીના સાથે લગ્ન કર્યાં હતાં. ક્લૉડિયસે ઍગ્રિપીનાના પુત્ર નીરોને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો જે ભવિષ્યમાં સમ્રાટ નીરો તરીકે પ્રસિદ્ધ થયો. પત્ની ઍગ્રિપી દ્વારા અપાયેલ ઝેરથી ક્લૉડિયસનું અવસાન થયું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી