ક્લે, પૉલ (જ. 18 ડિસેમ્બર 1879, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 જૂન 1940, મ્યૂરલ્ટો, સ્વિટ્ઝર્લૅન્ડ) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. તેમનું કુટુંબ સંગીતપ્રેમી હતું અને ક્લે પણ વાયોલિનવાદક હતા. 1900માં તેમણે સંગીતને બદલે મ્યૂનિક એકૅડેમીમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં તેમના શિક્ષક પ્રતીકવાદી ચિત્રકાર ફ્રાંઝ વૉનસ્ટક હતા. ક્લેની પ્રારંભિક કલાકૃતિઓ પતરાં પર શાહીમાં કલમ વડે આલેખાતી આકૃતિઓ (etchings) હતી. આ કૃતિઓમાં ગોયા અને જેમ્સ ઍન્સોરનો પ્રભાવ છે અને તે વિચિત્ર (grotesque), કટાક્ષપૂર્ણ અને અતિવાસ્તવિક (surreal) તત્વો ધરાવે છે. તેમનાં બે પ્રખ્યાત એચિંગ ‘વર્જિન ઇન અ ટ્રી’ અને ‘ટુ મૅન મીટ’ (બે માનવોનું મિલન) છે. 1906માં પિયાનોવાદિકા લીલી સ્ટમ્ફ સાથે લગ્ન કર્યા બાદ તે મ્યૂનિકમાં વસવા લાગ્યા. ત્યાં તેમણે એચિંગનું પ્રથમ પ્રદર્શન કર્યું. કૅન્ડિન્સ્કી અને ઑગસ્ટ મૅકની મૈત્રીએ તેમને ‘ધ બ્લૂ રાઇડર’ નામના કલાકાર સમૂહમાં જોડાવા પ્રેર્યા. આ કલાકારો અમૂર્ત (absract) કલાના પ્રચારકો હતા. 1914માં તે મૅક અને લૂઈ સાથે ટ્યૂનિસિયાની મુલાકાતે ગયા. તેમના મન પર રંગનો એટલો પ્રભાવ પડ્યો કે તેમણે રંગ સાથે એકાત્મતા સાધી. ‘રેડ ઍન્ડ વ્હાઇટ ડોમ’ (1914) તેમનું આ સમયનું લાક્ષણિક ચિત્ર છે. ક્લેએ પોતાનાં ચિત્રોમાં અક્ષરો અને
આંકડા સામેલ કર્યા. તેનું ઉદાહરણ ‘વન્સ ઇમર્જ્ડ ફ્રૉમ ધ ગ્રે ઑવ્ નાઇટ’ (1917-18, ક્લે ફાઉન્ડેશન, બર્લિનમાં) છે. પ્રતીકો અને ચિહનોની ભાષાનું આ જટિલ મિશ્રણ અમૂર્ત અને વાસ્તવનો કાવ્યમય સંગમ બની રહ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ક્લે બાઉહાઉસ શાળામાં ચિત્રશિક્ષક હતા અને તેમણે પેડગૉગિકલ સ્કૅચબુકમાં પ્રાથમિક ર્દશ્ય-તત્વો અને કલામાં તેના વિનિયોગ વિશે ચર્ચા કરી છે. 1931માં નાઝીઓએ તેમને ડુસલડૉર્ફ એકૅડેમીમાંથી બરતરફ કર્યા અને તે 1933માં સ્વિટ્ઝર્લૅન્ડ ગયા. તેમના ‘રૅવૉલ્યૂશન ઑવ્ ધ વાયાડક્ટ’ ચિત્રમાં દોરેલી કાળા રંગની રેખાઓ તેમનો માનસિક વિષાદ દર્શાવે છે. તે વીસમી સદીની આધુનિક કલાના અગ્રગણ્ય સર્જક અને અગ્રણી પુરસ્કર્તા હતા.
કૃષ્ણવદન જેટલી