ક્લીસ્થનીસ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સ નામના નગરરાજ્યમાં સોલોન પછીનો લોકશાહીનો બીજો સ્થાપક. ઈ. પૂ. 507માં તે સત્તા ઉપર આવ્યો. પક્ષીય રાજકારણ અને જાતિના ધોરણે રચાયેલું બંધારણ ઍથેન્સની લોકશાહીમાં વિઘ્નરૂપ હતાં. ક્લીસ્થનીસે પ્રાદેશિક ધોરણે દસ નવી જાતિઓની રચના કરી. આમ સમિતિની સત્તામાં વધારો કર્યો. કોઈ પણ ઉમરાવ વધુ લોકપ્રિય થઈ સરમુખત્યાર ન બની જાય તે માટે તેણે હદપારીની યોજના (ostracism) દાખલ કરી. તેના સુધારાથી ઍથેન્સની લોકશાહી શક્તિશાળી બની. તેના નાગરિકો આ માટે ગૌરવ અનુભવતા અને રાજ્ય માટે બલિદાન આપવા તત્પર રહેતા. ક્લીસ્થનીસે ઈરાનનાં ભાવિ આક્રમણો સામે ઍથેન્સને તૈયાર કર્યું.

જ. જ. જોશી