ક્લીવલૅન્ડ : અમેરિકાના ઓહાયો રાજ્યનું મોટામાં મોટું નગર તથા પોલાદ-ઉત્પાદનનું વિશ્વનું જાણીતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47° 29’ ઉ. અ. અને 81° 41’ પ. રે.. કાયહોગા નદી તથા ઇરી સરોવરના સંગમ પર ક્લીવલૅન્ડે આ નગર વસાવેલું. 1840માં રેલમાર્ગની શરૂઆત થતાં વ્યાપારઉદ્યોગના કેન્દ્ર તરીકે આ નગરનો ઝડપી વિકાસ થયો. ઇરી સરોવરની સપાટીથી 23 મી. ઊંચાઈવાળા ઉચ્ચપ્રદેશ પર તે વસેલું છે. નગરનો વિસ્તાર 210 ચોકિમી. તથા મહાનગરનો વિસ્તાર 3,934 ચોકિમી. છે. 4,78,403 જેટલી શહેરની તથા 27,45,831 (2000) જેટલી બૃહત વિસ્તારની છે. સમશીતોષ્ણ આબોહવા ધરાવતા આ નગરમાં સરેરાશ વાર્ષિક વરસાદ 800 મિમી. જેટલો પડે છે. જાન્યુઆરી તથા જુલાઈનાં તાપમાન અનુક્રમે 2° સે. તથા 27° સે. રહે છે.

ક્લીવલૅન્ડના ઉત્તર કિનારા પરના બંદર પર આવેલ
‘ધ રોક ઍન્ડ રોલ હૉલ ઑવ ફેઇમ’

જળમાર્ગની ઉત્તમ સગવડ, ન્યૂયૉર્ક તથા શિકાગો જેવાં શહેરો માટે મધ્યવર્તી વાહનવ્યવહાર ક્ષેત્રનો વિકાસ, આજુબાજુના વિસ્તારમાં લોખંડ અને કોલસાના સમૃદ્ધ ભંડારો વગેરે અનુકૂળ પરિબળોને લીધે દેશના અને ખાસ કરીને ઓહાયો રાજ્યના અગ્રણી વ્યાપારઉદ્યોગ કેન્દ્ર તરીકે તે ખ્યાતિ પામ્યું છે. લોખંડ અને પોલાદની બનાવટો, ઍલ્યુમિનિયમની વસ્તુઓ, તેલશુદ્ધીકરણ, યાંત્રિક હથિયારો તથા ઓજારો, જેટ વિમાનોના છૂટા ભાગ, ટ્રૅક્ટર, મોટરગાડીઓ, વીજળીનાં ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક્સનો સામાન, રસાયણ, પ્લાસ્ટિક, રંગ, ખાદ્ય પ્રક્રમણ, કાચાં ખનિજોનો નિકાલ વગેરેના ઉત્પાદન-એકમો ત્યાં વિકસ્યા છે. નાસાનું સંશોધન-કેન્દ્ર ‘લેવિસ આર. સેન્ટર’ આ નગરની પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાય છે.

આ નગરમાં શિક્ષણની સંસ્થાઓ છે; જેમાં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી, જ્હૉન કૅરોલ યુનિવર્સિટી તથા ક્લીવલૅન્ડ સ્ટેટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

પર્યટકો માટે ક્લીવલૅન્ડમાં કલાવસ્તુ સંગ્રહાલય, વિશાળ પ્રાણીસંગ્રહાલય, ઉદ્યાનો અને સંગીત-નાટ્યગૃહો છે. નગરનાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં મહત્વનું પ્રદાન કરતી અનેક સંસ્થાઓ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે