ક્લીન, આઇવ્ઝ (જ. 28 એપ્રિલ 1928, નાઇસ; અ. 6 જૂન 1962, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક કલાની અનેક શાખાઓમાં મહત્વનું પ્રદાન કરનાર કલાકાર. કૅન્વાસ ઉપર અલ્પતમવાદી (minimalist) ચિત્રકામ, પથ્થર કે ધાતુમાંથી અલ્પતમવાદી શિલ્પકામ, માનવશરીર ઉપરનું ‘બૉડી-આર્ટ’ (શરીર પર કરવામાં આવતી ચિતરામણની કળા) ઉપરાંત તૈયાર (ready made) જણસોની ગોઠવણીઓ (installations) માટે તેઓ જાણીતા છે. 1956માં તેમણે આસમાની રંગના ફુગ્ગામાં હવા ભરીને તેમનું પ્રદર્શન કરેલું, જેને તેમણે નામ આપેલું – ‘ફ્લોટિન્ગ બ્લૂ ગ્લોબ’. વિવેચકોએ આ અને આ પ્રકારનાં અન્ય પ્રદર્શનોને ‘કન્સેપ્ટ્યુઅલ આર્ટ’ એવું નામાભિધાન આપ્યું છે. 1958માં તેમણે ‘લા વિદે’ (Le vide) શીર્ષક હેઠળ પ્રદર્શન કર્યું; જેમાં
પ્રદર્શનખંડની દીવાલો પર કશું જ પ્રદર્શિત કર્યું નહોતું ! સાચા સોનાના સિક્કાના બદલામાં પ્રદર્શનની ટિકિટ ખરીદીને જોવા આવનાર માત્ર ખાલીપો (Le vide – nothingness) જોવા પામતો હતો ! 1960માં તેમણે ઍન્થ્રૉપૉમેટ્રિક્સ’ (Anthropometrics) શીર્ષક હેઠળ યોજેલા પ્રદર્શનમાં નગ્ન સ્ત્રીપુરુષોના શરીર ઉપર ‘બોડી-આર્ટ’ ચીતરીને તેમણે તેમને હરતાફરતા-ગતિમાન સ્થિતિમાં પ્રદર્શિત કરેલાં. ત્યાર પછી તેમણે માત્ર એક અલ્ટ્રામરીન નીલા રંગ વડે કૅન્વાસોને એકધારાં ચીતર્યાં. આ ચિત્રોને તેમણે ‘ઇન્ટર્નેશન ક્લીન બ્લૂ’ તરીકે ઓળખાવ્યાં. કલામાં તેઓ અવ્યક્તિવાદ(impersonality)ના પુરસ્કર્તા હતા. ઘણા વિવેચકોએ તેમને અ-કલાકાર (Anti-artist) કહ્યા છે.
અમિતાભ મડિયા