ક્લીન, લૉરેન્સ આર. (જ. 14 સપ્ટેમ્બર 1920, ઓમાહા, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 2013 પેન્સિલવેનિયા, યુ. એસ.) : વિશ્વવિખ્યાત અમેરિકન અર્થમિતિશાસ્ત્રજ્ઞ(econometrician) તથા 1980ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સર્વોચ્ચ ગુણવત્તા સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી નોબેલ પુરસ્કાર વિજેતા (1970) પૉલ સૅમ્યુઅલસનના માર્ગદર્શન હેઠળ 1944માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1944-47 દરમિયાન અર્થશાસ્ત્રમાં સંશોધન માટે કાઉલ્સ કમિશનમાં જોડાયા. 1949-54 દરમિયાન અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં તથા 1954-58 ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1958થી પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વૉર્ટન સ્કૂલ ઑવ્ ફાઇનાન્સ ખાતે અર્થશાસ્ત્ર અને વિત્તવ્યવસ્થાના પ્રોફેસરનું પદ ધરાવે છે.

લૉરેન્સ આર. ક્લીન

આર્થિક અને સામાજિક પરિવર્તનના તથા જાહેર નીતિના વિશ્લેષણમાં અર્થમિતિશાસ્ત્રના સિદ્ધાંતોનો વિનિયોગ એ તેમનું અર્થશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન છે. તેમના સંશોધનકાર્યને લીધે જ અર્થમિતિશાસ્ત્રનાં મૉડલ તૈયાર કરવાની તથા તેમના વ્યાપક ઉપયોગની પ્રક્રિયા વધુ પ્રચલિત થઈ છે. વીસમી સદીના આઠમા દાયકાની શરૂઆતનાં વર્ષો દરમિયાન જુદા જુદા દેશો અંગેનાં અર્થમિતિ મૉડલ એકત્રિત કરી સુગ્રથિત કરવા માટે પ્રયોજિત પ્રવિધિના વિકાસની દિશામાં તેમણે કરેલી પહેલ પથપ્રદર્શક સાબિત થઈ છે. ‘LINK’ નામથી પ્રચલિત બનેલી આ પ્રવિધિની મદદથી જુદા જુદા દેશોમાં ફેલાતાં વ્યાપારચક્રીય મોજાંને આધારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તથા મૂડીના પ્રવાહનું આર્થિક વિશ્લેષણ કરવાનું તથા તેને આધારે આર્થિક પરિવર્તનોની આગાહી કરવાનું કાર્ય સુગમ બન્યું છે. પચાસ તથા સાઠના દાયકાઓમાં તેમણે GNP અને તેના ઘટકોની આગાહી કરવા માટેનાં અર્થમિતિશાસ્ત્રીય મૉડેલ બનાવ્યાં હતાં. પ્રયુક્ત અર્થવિકાસમાં તેમનું યોગદાન મહત્વનું ગણાય છે.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધ કેન્સિયન રિવૉલ્યૂશન’ (1947), ‘એ ટૅક્સ્ટબુક ઑવ્ ઇકૉનૉમેટ્રિક્સ’(1953); ‘ઍન ઇકૉનૉમેટ્રિક મૉડલ ઑવ્ ધ યુ.એસ. : 1929-52’(1955); ‘વૉર્ટન ઇકૉનૉમેટ્રિક ફોરકાસ્ટિંગ મૉડલ’ (1957); ‘રીડિંગ્ઝ ઇન બિઝનેસ સાઇકલ્સ’ (1965); ‘ઍન એસે ઑન ધ થિયરી ઑવ્ ઇકૉનૉમિક પ્રિડિક્શન’ (1971); ‘ધી ઇકૉનૉમિક્સ ઑવ્ સપ્લાય ઍન્ડ ડિમાન્ડ’ (1983) નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે