ક્લિન્ગર, મૅક્સ (જ. 18 ફેબ્રુઆરી 1857, લાઇપઝિગ, જર્મની, અ. 5 જુલાઈ 1920, નૉમ્બર્ગ નજીક, જર્મની) : જર્મન રંગદર્શી ચિત્રકાર અને શિલ્પી. સ્વપ્નિલ સૃષ્ટિ ખડી કરવા માટે તેઓ જાણીતા છે.

ક્લિન્ગર તરુણાવસ્થામાં પ્રસિદ્ધ જર્મન ચિત્રકાર આનૉર્લ્ડ બૉક્લીનના પ્રભાવ હેઠળ આવ્યા અને એમનાં એ સમયનાં ચિત્રો સ્વપ્નિલ, કવચિત્ માંદલી કલ્પનાનાં પરિણામ છે. એમણે જર્મનીની કેરિસ્રુહે (Karisruhe) કલાશાળામાં અભ્યાસ કર્યો હતો. 1878માં તેમણે બર્લિનમાં પોતાના પ્રદર્શનમાં બે ચિત્રશ્રેણીઓ પ્રદર્શિત કરી : ‘ધ ક્રાઇસ્ટ’ તથા ‘ધ ગ્લવ’, ‘ધ ગ્લવ-શ્રેણી’ તુરત જ પંકાઈ. ક્લિન્ગરને તેથી ખ્યાતિ મળી. ‘ધ ગ્લવ’-શ્રેણી એક બદનસીબ યુવાનની તેના માનવીય આકારના ખોવાયેલા હાથમોજા સાથેના ઊંડા સંબંધની કથા કહે છે. 1887માં ચિત્રિત ક્લિન્ગરનાં ત્રણ ચિત્રો મધ્યયુગીન ખ્રિસ્તી ધાર્મિક કથાવસ્તુને રહસ્યમય કટાક્ષ વડે રજૂ કરે છે : ‘ધ જજમેન્ટ ઑવ્ પૅરિસ’, ‘પિયેતા’ અને ‘ક્રાઇસ્ટ ઇન ઑલિમ્પસ’.

ત્યાર પછી ક્લિન્ગર શિલ્પસર્જન તરફ વળ્યા. એમણે રંગીન શિલ્પો બનાવ્યાં, પ્રાચીન ગ્રીક શિલ્પોની માફક એ શિલ્પો પર રંગરોગાન કર્યું. એમનો વિષય છે નગ્ન સ્ત્રીપુરુષો. એમાંથી ‘બીથોવન’, ‘સાલોમે’ અને ‘કસાન્ડ્ર્રા’ શ્રેષ્ઠ ગણાય છે. રિચાર્ડ વાગ્નરની સ્મૃતિમાં વિરાટ શિલ્પ સર્જવાનું તેમનું સપનું તેમના મૃત્યુને કારણે અધૂરું રહ્યું. ચિત્રકાર કિરિકો (Chirico) પર તેમનો ભારે પ્રભાવ પડ્યો છે.

અમિતાભ મડિયા