ક્લિત્ઝિંગ, ક્લાઉસ વૉન

January, 2010

ક્લિત્ઝિંગ, ક્લાઉસ વૉન (જ. 28 જૂન 1943, શ્રોડા, પોલૅન્ડ) : ક્વૉન્ટિત હૉલ ઘટનાના શોધક અને 1985માં નોબેલ પુરસ્કાર મેળવનારા જર્મન ભૌતિકશાસ્ત્રી. તેમણે ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં મહત્ત્વનું સંશોધન કર્યું છે. બ્રુન્સવિકની ટૅકનિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1980માં

ક્લાઉસ વૉન ક્લિત્ઝિંગ

મ્યૂનિકની ટૅક્નિકલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. પુરસ્કાર મળ્યો ત્યારે તેઓ પશ્ચિમ જર્મનીમાં સ્ટુગર્ટમાં આવેલા મૅક્સ પ્લાન્ક સૉલિડ સ્ટેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા. સંશોધનનો વિષય હતો ક્વૉન્ટિત હૉલ અસર (Quantised Hall effect) જેના દ્વારા અર્ધવાહકો(semiconductors)ની ડિઝાઇનમાં તેઓ પરિવર્તન લાવ્યા. હૉલ અસરની શોધ એડવિન એચ. હૉલ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રીએ 1879માં કરી હતી. તેમણે એવું અવલોકન કર્યું હતું કે ધાતુની પટ્ટીમાંથી વિદ્યુતનું વહન થઈ રહ્યું હોય ત્યારે વિદ્યુતપ્રવાહની દિશાને લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડતાં, વિદ્યુત તેનો માર્ગ બદલીને અન્ય દિશામાં વળતી હોય છે. તેની નવી દિશા, વિદ્યુતપ્રવાહની મૂળ દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા એ બંનેને કાટખૂણે હોય છે. ધાતુઓ તેમજ હલકી જાતના અર્ધવાહકો-(degenerate semiconductors)માં પ્રેરિત વિદ્યુતપ્રવાહને કારણે ઉદભવતું બળ, ચુંબકક્ષેત્રમાંની ગતિને લઈને ઉદભવતા બળનો વિરોધ કરે છે. હૉલ અસરની ઘટનાએ, આંદોલિત હૉલ વહન વર્તાવ-(oscillatory Hall conduction behaviour)ના માપન દ્વારા નિયંત્રિત અભ્યાસની શક્યતાઓ ઊભી કરી છે અને અતિ પાતળી અર્ધવાહક પ્રયુક્તિઓ(devices)ને લાક્ષણિક બનાવી છે.

નોબેલ ભૌતિકશાસ્ત્ર સમિતિના અધ્યક્ષ પ્રો. સ્ટીગ લુન્ડક્વિસ્ટે, ક્લિત્ઝિંગની આ શોધને એક અતિ ઉત્તેજનાપૂર્ણ વર્ણવી છે. બધી જ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓએ આ કાર્યને ઉપાડી લીધું છે.

એરચ. મા. બલસારા