ક્લાસિકલ સ્થાપત્ય : હેલનિક ગ્રીસ તથા ઇમ્પીરિયલ રોમન કાળમાં વિકાસ પામેલી સ્થાપત્યશૈલી. ‘ક્લાસિક’ શબ્દનો પ્રયોગ ખાસ કરીને સ્વીકૃતિ પામેલ ઉચ્ચતમ સ્તર સૂચવે છે અને ‘ક્લાસિકલ સ્ટાઇલ’ આ પ્રકાર પર આધારિત શૈલી સૂચવે છે. કલાના માધ્યમમાં ગ્રીસ અને રોમની સંસ્કૃતિ દરમિયાન વિકસિત કલાને ‘ક્લાસિકલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલી પર આધારિત અઢારમી અને અમુક અંશે સોળમી સદીની વિકસિત કલા ક્લાસિસિઝમ અથવા નિયો-ક્લાસિસિઝમ તરીકે ઓળખાય છે. આ શૈલીમાં શાસ્ત્રીય પદ્ધતિ પર ઘણો જ ભાર મૂકવામાં આવ્યો હતો.
એક હજાર વર્ષ સુધી આ ક્લાસિકલ સ્થાપત્યશૈલી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી પુનર્જીવિત થઈ. ખાસ કરીને ઇમારતના બહારના દેખાવ માટે તેનો વપરાશ થાય છે. પુનર્જાગૃતિકાળમાં આ શૈલીનાં ઘણાંબધાં મકાનો થયાં. ખાસ કરીને સાર્વજનિક સંસ્થાનાં મકાનોમાં ક્લાસિકલ સ્થાપત્યશૈલી વપરાઈ છે.
અમેરિકાનું વ્હાઇટ હાઉસ તથા મુંબઈનાં અનેક મકાનો પણ ક્લાસિકલ ઢબે બંધાયેલાં છે.
મીનાક્ષી જૈન