ક્લાર્ક, જ્હૉન (Clarke, John) (જ. 10 ફેબ્રુઆરી 1942, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : વિદ્યુત પરિપથમાં સ્થૂળ (macroscopic) ક્વૉન્ટમ યાંત્રિકીય ટનલિંગની શોધ અને ઊર્જાના ક્વૉન્ટાઇઝેશન માટે મીશેલ એચ. ડેવોરે તથા જ્હૉન એમ. માર્ટિનીસ સાથે સંયુક્ત રીતે 2025નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.

જહોન ક્લાર્ક

1964માં જ્હૉન ક્લાર્કે કૅમ્બ્રિજની ક્રાઇસ્ટ્સ કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ કૅમ્બ્રિજ યુનિવર્સિટીની રૉયલ સોસાયટી મૉન્ડ લૅબોરેટરીમાં ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. માટે અભ્યાસ કર્યો અને તે પૂર્ણ કર્યા બાદ તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી, યુ.એસ.એ.માં પોસ્ટ-ડૉક્ટરલ સંશોધક તરીકે જોડાયા અને અહીંથી જ 2010માં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકના સ્થાન પરથી નિવૃત્ત થયા. તે દરમિયાન તેઓ લૉરેન્સ બર્કલી નૅશનલ લૅબોરેટરી સાથે પણ સંકળાયેલા હતા.

તેમનાં સંશોધનો મુખ્યત્વે અતિવાહકતા તથા અતિવાહક વીજાણુશાસ્ત્ર (ઇલેક્ટ્રૉનિક્સ) ક્ષેત્રે રહ્યાં છે. અતિવાહક ક્વૉન્ટમ વ્યતિકરણ સાધનો (SQUID) અથવા યંત્રોના વિકાસ અને ઉપયોગો તેમનાં સંશોધનોના કેન્દ્ર સાથે રહ્યાં છે. 1985માં જ્હૉન ક્લાર્ક, તેમના પીએચ.ડી. વિદ્યાર્થી જ્હૉન માર્ટિની અને મીશેલ ડેવોરે તેઓએ સાથે મળીને જૉસેફસન જંકશનમાં ક્વૉન્ટમ વર્તણૂક દર્શાવી. તેઓએ દર્શાવ્યું કે નિમ્ન તાપમાને સ્થૂળ (macroscopic) ઇલેક્ટ્રૉનિક સ્થિતિ જે અતિવાહકતા સાથે સંકળાયેલી છે, તે શૂન્ય વોલ્ટેજે ક્વૉન્ટમ ટનલિંગ કરે છે. માઇક્રોવેવ પલ્સીસ અર્થાત્ માઇક્રોવેવ સ્પંદનો વડે જૉસેફસન જોડાણમાં ક્વૉન્ટીકૃત ઊર્જાનાં સ્તરો (સમતલો) દર્શાવ્યાં. આ સંશોધનકાર્ય ભવિષ્યમાં ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગનો પાયો બન્યું.

તેઓએ Superconducting Quantum Interference Device – SQUIDના ઉપયોગ પર કામ કર્યું છે, જેમ કે ક્વૉન્ટમ-નૉઇઝ લિમિટેડ ઍમ્પ્લિફાયર્સ, જેના દ્વારા ઍક્સિયન(axion)ની શોધખોળ થઈ શકે અને જે ડાર્ક મૅટરનો ઘટક હોઈ શકે.

1986માં જ્હૉન ક્લાર્ક ફેલો ઑવ્ ધ રૉયલ સોસાયટી તરીકે ચૂંટાયા. 1999માં તેમને કૉમ્સ્ટૉક પારિતોષિક તથા 2004માં હ્યુજીસ ચંદ્રક પ્રાપ્ત થયાં. 2017માં તેઓ અમેરિકન ફિલૉસૉફિકલ સોસાયટી માટે ચૂંટાયા.

પૂરવી ઝવેરી