ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ

January, 2010

ક્લાર્ક, કોલિન ગ્રાન્ટ (જ. 2 નવેમ્બર 1905, લંડન; અ. 4 સપ્ટેમ્બર 1989, લંડન) : પ્રયુક્ત (applied) અર્થશાસ્ત્રના અંગ્રેજ નિષ્ણાત. 1924માં રસાયણશાસ્ત્ર સાથે સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી લૉર્ડ ડબ્લ્યૂ. એચ. બિવરીજના સહાયક તરીકે જોડાયા. 1929ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે તેમણે આમસભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયા નહિ. તે પછી રૅમ્સે મૅકડોનાલ્ડ દ્વારા રચાયેલી ‘ઇકૉનૉમિક ઍડવાઇઝરી કાઉન્સિલ’માં જોડાયા. વિખ્યાત અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સ આ કાઉન્સિલના સભ્ય હતા. 1931–37 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના અધ્યાપક તરીકે કામગીરી કર્યા પછી 1937માં ઑસ્ટ્રેલિયાની મેલબૉર્ન યુનિવર્સિટીમાં શરૂઆતના તબક્કામાં મુલાકાતી અધ્યાપક તરીકે

કોલિન ગ્રાન્ટ ક્લાર્ક

જોડાયા. 1952 સુધી ઑસ્ટ્રેલિયાની સરકારના આર્થિક સલાહકાર તરીકે સેવા આપી. 1952–68 દરમિયાન શિકાગો યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રોફેસર તથા ઑક્સફર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સના નિયામકપદે કાર્ય કર્યું. 1968થી તેઓ ઑસ્ટ્રેલિયાની ક્વીન્સલૅન્ડ યુનિવર્સિટીમાં સંશોધન-સલાહકાર તરીકે કાર્યરત હતા.

રાષ્ટ્રીય આવકની ગણતરી તથા આર્થિક વિકાસની સૈદ્ધાંતિક ભૂમિકાના ક્ષેત્રે તેમનું પ્રદાન શકવર્તી ગણાય છે. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન તેમણે અનાજનો પુરવઠો અને વસ્તીવધારો, સિંચાઈ અને નિભાવ પૂરતી ખેતીનું અર્થશાસ્ત્ર, વિકસતા દેશોમાં કૃષિની ઉત્પાદકતા અને આર્થિક વૃદ્ધિનાં નિર્ણાયક તત્વો વચ્ચે વૈશ્વિક સ્તરે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે હાથ ધરેલા અભ્યાસ દ્વારા મહત્વનું કામ કર્યું છે.

ઇંગ્લૅન્ડના સંદર્ભમાં તેમણે લખેલા બે ગ્રંથો ‘ધ નૅશનલ ઇન્કમ : 1924–1931’ (1932, 1965), તથા ‘નૅશનલ ઇન્કમ ઍન્ડ આઉટલે’ (1937, 1965) તેમજ ‘ઇકૉનૉમિક્સ ઑવ્ 1960’ (1964), ‘ઇકૉનૉમિક્સ ઑવ્ ઇરિગેશન’ (1967, 1970), ‘સ્ટાર્વેશન ઑર પ્લેન્ટી’ (1970), ‘ઇકૉનૉમિક્સ ઑવ્ સબ્સિસ્ટન્સ ઍગ્રિકલ્ચર’ (માર્ગારેટ હાસ્વેલ સાથે, 1967) વિશેષ નોંધપાત્ર ગણાય છે. આ ઉપરાંત ‘ઇકૉનૉમિક પોઝિશન ઑવ્ ગ્રેટ બ્રિટન’ (1935) તથા ‘ઇન્વેસ્ટમેન્ટ ઇન ફિક્સ્ડ કૅપિટલ ઍસેટ્સ ઇન ગ્રેટ બ્રિટન’ (1934) શીર્ષક હેઠળ તેમણે ઇંગ્લૅન્ડની સરકાર સમક્ષ રજૂ કરેલ નોંધો (memorandum) તેમનું વિશિષ્ટ પ્રદાન ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે