ક્લાઉસર, જ્હૉન (Clauser, John) (જ. 1 ડિસેમ્બર 1942, પાસાડેના, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : ગૂંચવાયેલા ફોટૉન (entangled photon)પરના પ્રયોગો માટે, જેને કારણે બેલ અસમાનતાનું ઉલ્લંઘન પુરવાર થયું તથા ક્વૉન્ટમ માહિતી વિજ્ઞાનના પ્રારંભ માટે 2022નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે જ્હૉન ક્લાઉસર, એન્ટન ઝાયલિંગર તથા એલન આસ્પેક્ટને એનાયત થયો હતો.
જ્હૉન ક્લાઉસરના પિતા ઉડ્ડયન ઇજનેરી(entangled photon)ના પ્રાધ્યાપક હતા જેમણે જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં ઉડ્ડયન વિભાગની સ્થાપના કરી હતી. તેમના માતા કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં માનવિદ્યાઓના ગ્રંથપાલ હતાં, જેમના ભાઈને 1951નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
શરૂઆતમાં જ્હૉન ક્લાઉસરને ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો વિષય ડરામણો લાગતો હતો, જે આગળ જતાં તેમનું જીવનકાર્ય બન્યો. ઉચ્ચ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો અભ્યાસ તેઓએ ત્રણ વખત કરવો પડ્યો. તેમણે 1964માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી 1966માં અનુસ્નાતક તથા 1969માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1969થી 1975 દરમિયાન તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી તથા લૉરેન્સ બર્કલી નૅશનલ લૅબોરેટરીમાં સંશોધનકર્તા તરીકે કાર્યરત રહ્યા. અહીં તેમણે બેલના સિદ્ધાંતનું સર્વપ્રથમ પ્રાયોગિક પરીક્ષણ કર્યું. બેલ અસમાનતાના ઉલ્લંઘનનું આ પ્રથમ પ્રાયોગિક નિરીક્ષણ અથવા પરિણામ હતું. તેમણે ફોટૉનની કણ-સમાન વર્તણૂક સૌપ્રથમ પ્રયોગો દ્વારા દર્શાવી.
2010માં જ્હૉન ક્લાઉસરને ભૌતિકશાસ્ત્રમાં એલન આસ્પેક્ટ તથા એન્ટન ઝાયલિંગર સાથે વુલ્ફ પુરસ્કાર એનાયત થયો.
પૂરવી ઝવેરી