કલાઉડે કોહેન-તેનોડ્જી

January, 2010

કલાઉડે કોહેન-તેનોડ્જી (Claude Cohen-Tannoudgi) (જ. 1 એપ્રિલ 1933, કૉન્સ્ટેન્ટાઇન, અલ્જિરિયા) : પરમાણુઓને લેસર-પ્રકાશ વડે ઠંડા પાડી પાશબદ્ધ (‘ટ્રૅપ’) કરવાની પદ્ધતિ વિકસાવવા બદલ, 1997ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર, ફ્રેન્ચ નાગરિકત્વ ધરાવનાર ભૌતિક વિજ્ઞાની. પૅરિસની ઇકોલે નૉર્મેલ સુપીરિયર (Ecole Normale Superioure) ખાતેથી ડૉક્ટરલ પદવી મેળવી. 1973માં તેઓ કૉલેજ-દ-ફ્રાન્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. તે સાથે તેઓ કેટલીક વિજ્ઞાન-અકાદમીઓના સભ્ય પણ થયા. 1996માં તેમને મહત્વનું ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનિક્સ પ્રાઇઝ (યુરોપિયન ફિઝિકલ સોસાયટી તરફથી) મળ્યું. લેસર કિરણો વડે પરમાણુઓને ઠંડા પાડીને પાશમાં લેવાના પ્રાયોગિક કાર્યની પહેલ કરવા બદલ આ ઇનામ મળ્યું હતું.

કોહેન-તેનોડ્જી ક્લાઉડે

તેમણે અને તેમના સાથીઓ સ્ટીવન ચુ અને ફિલિપ્સે લેસર પ્રકાશનો ઉપયોગ કરીને વાયુઓને μK (માઇક્રો કૅલ્વિન) સુધી ઠંડા પાડવામાં સફળ થયા અને આવા અતિશીત પરમાણુઓને પાશમાં રાખી શકાયા. અહીં લેસર પ્રકાશ જાડા પ્રવાહી તરીકે વર્તે છે, જે પરમાણુઓને ધીમા પાડી દે છે.

તેમણે અને તેમના સાથીઓએ જટિલ શીતન-યોજનાઓનો સૈદ્ધાંતિક અભ્યાસ પૅરિસ ખાતે રહીને કર્યો. તેમણે અને તેમના સાથીઓએ 1988થી 1995 વચ્ચે ‘ડૉપ્લર ઘટના’-આધારિત પદ્ધતિ વિકસાવી જે ધીમામાં ધીમા પરમાણુઓને ‘ડાર્કસ્ટેટ’(આ એવી સ્થિતિ છે જેમાં પરમાણુઓ ફોટૉનનું શોષણ કરતા નથી)માં ફેરવે છે.  તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે તેમની આ પદ્ધતિ એક, બે અને ત્રણ પરિમાણમાં કાર્ય કરે છે. તેમણે તેમના બધા પ્રયોગોમાં હિલિયમ-પરમાણુઓનો ઉપયોગ કર્યો; કારણ કે આવા પરમાણુઓની પ્રતિક્ષેપ-મર્યાદા (recool limit) 4μK છે. પ્રથમ વારના પ્રયોગમાં બે વિરુદ્ધ દિશામાં આવતાં લેસર-કિરણોનો ઉપયોગ કરેલો. પરિણામે એક-પરિમાણમાં વેગ-વિતરણ મળી શક્યું. તે સમયે તાપમાન અર્ધી પ્રતિક્ષેપ-મર્યાદા જેટલું હતું. તે રીતે ચાર લેસર-કિરણોનો ઉપયોગ કરતાં બે પરિમાણમાં વેગ-વિતરણ મેળવી શકાયું. તે વખતે વાયુનું તાપમાન 0.25 μK હતું, જે પ્રતિક્ષેપ-મર્યાદા કરતાં સોળગણું ઓછું હતું. અંતે 6 લેસર-કિરણો વડે પ્રયોગ કરતાં 0.18 μK તાપમાનને અનુરૂપ વેગ-વિતરણ મળ્યું. આ સ્થિતિમાં હિલિયમ-પરમાણુઓ 2 સેમી/સેકન્ડ(?)ના વેગથી વિસર્પણ (crawling) કરતા માલૂમ પડ્યા છે.

પ્રહલાદ છ. પટેલ